પંચમહાલ જિલ્લાના શહેરા વિધાનસભા વિસ્તારમાં ભાજપના સંગઠનાત્મક અભિયાન 'વન ડે – વન અસેમ્બલી' અંતર્ગત ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા આજે પ્રવાસે પહોંચ્યા હતા. આ અભિયાનનો હેતુ રાજ્યની દરેક વિધાનસભામાં જઈને સંગઠનને વધુ મજબૂત બનાવવાનો, કાર્યકરો સાથે સીધો સંવાદ સ્થાપિત કરવાનો અને સ્થાનિક સ્તરે સંગઠનની કામગીરીનું મૂલ્યાંકન કરવાનો છે.
શહેરા વિધાનસભાના પ્રવાસની શરૂઆત તેમણે વિસ્તારના પૌરાણિક અને આસ્થાના કેન્દ્ર એવા શ્રી મરડેશ્વર મહાદેવ મંદિરે દર્શન અને પૂજન-અર્ચન સાથે કરી હતી. મંદિર ખાતે ભગવાન મહાદેવની આરાધના કરી તેમણે સમગ્ર ગુજરાતના નાગરિકોના સુખ, શાંતિ, સમૃદ્ધિ અને ઉત્તમ સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી હતી.
સંગઠનને વધુ સશક્ત બનાવવાનો પ્રયાસ
'વન ડે – વન અસેમ્બલી' અભિયાન હેઠળ પ્રદેશ અધ્યક્ષ રાજ્યની વિવિધ વિધાનસભાઓની મુલાકાત લઈને સ્થાનિક સંગઠનના હોદ્દેદારો, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અને કાર્યકરો સાથે બેઠક યોજી રહ્યા છે. આ અભિયાન દ્વારા બૂથથી લઈને વિધાનસભા સ્તર સુધી સંગઠનને વધુ સક્રિય અને મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો: PM મોદી રાજસ્થાન અને ગુજરાતને આપશે કરોડોના પ્રોજેક્ટ્સની ભેટ : 5 અબજ ચિપ્સ બનાવશે સાણંદની નવી ફેક્ટરી, મેટ્રો અને સેમિકન્ડક્ટર પ્લાન્ટનું થશે ઉદ્ઘાટન
શહેરા પ્રવાસ દરમિયાન પણ પ્રદેશ અધ્યક્ષ દ્વારા સ્થાનિક કાર્યકરો સાથે સંવાદ, સંગઠનાત્મક બેઠકો અને વિસ્તારના વિવિધ મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવશે તેવી માહિતી છે. આ ઉપરાંત આગામી કાર્યક્રમોની રૂપરેખા અને સંગઠનના વિસ્તરણ અંગે પણ માર્ગદર્શન આપવામાં આવશે.
ધાર્મિક પરંપરાથી પ્રવાસનો પ્રારંભ
મહત્વપૂર્ણ પ્રવાસ કે અભિયાનની શરૂઆત ધાર્મિક સ્થળેથી કરવાની ભાજપની પરંપરા રહી છે. તે જ પરંપરાને અનુસરીને જગદીશ વિશ્વકર્માએ શહેરા પ્રવાસની શરૂઆત શ્રી મરડેશ્વર મહાદેવના દર્શન સાથે કરી હતી. તેમણે ભગવાન મહાદેવ સમક્ષ રાજ્યના સર્વાંગી વિકાસ, શાંતિ અને જનકલ્યાણ માટે પ્રાર્થના વ્યક્ત કરી હતી.






