PM Modi Gujarat Visit: ભારતના ઔદ્યોગિક, ઊર્જા અને ટેકનોલોજી ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ માનવામાં આવતો 4 જુલાઈનો દિવસ રાજસ્થાન અને ગુજરાત માટે વિશેષ બની રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજસ્થાન અને ગુજરાતની મુલાકાત દરમિયાન અંદાજે રૂ.1.06 લાખ કરોડના વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ, શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે. આ પ્રોજેક્ટ્સ પેટ્રોકેમિકલ્સ, મેટ્રો રેલ, એરપોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, રેલવે, માર્ગ વ્યવસ્થા, નવીનીકરણીય ઊર્જા અને સેમિકન્ડક્ટર ઉત્પાદન જેવા વ્યૂહાત્મક ક્ષેત્રોને આવરી લે છે. રાજસ્થાનમાં પ્રધાનમંત્રી જોધપુર અને બાલોત્રાની મુલાકાત લેશે, જ્યારે ગુજરાતમાં અમદાવાદ જિલ્લાના સાણંદ ખાતે દેશની અદ્યતન સેમિકન્ડક્ટર એસેમ્બલી અને ટેસ્ટિંગ સુવિધાનું ઉદ્ઘાટન કરશે. કેન્દ્ર સરકારનું માનવું છે કે આ પહેલો ભારતને વૈશ્વિક સપ્લાય ચેઇનમાં વધુ મજબૂત સ્થાન અપાવવામાં મદદરૂપ બનશે.
જોધપુરમાં ઉડાન યોજનાના નવા તબક્કાની શરૂઆત
પ્રધાનમંત્રી મોદી જોધપુરમાં સંશોધિત ઉડાન (UDAN) યોજનાની શરૂઆત કરશે. આગામી દસ વર્ષ માટે આશરે રૂ.28,840 કરોડના ખર્ચ સાથે આ યોજના દેશના પ્રાદેશિક હવાઈ જોડાણને વધુ મજબૂત બનાવવાના હેતુથી તૈયાર કરવામાં આવી છે. આ યોજના હેઠળ દેશભરમાં અત્યાર સુધી સેવા વિહોણા રહેલા એરસ્ટ્રીપ્સને વિકસાવીને 100 નવા એરોડ્રોમ તૈયાર કરવાની યોજના છે. તેના માટે રૂ.12,000 કરોડથી વધુનું રોકાણ કરવામાં આવશે. ઉપરાંત પ્રાદેશિક એરપોર્ટોને શરૂઆતના વર્ષોમાં આર્થિક રીતે ટકાઉ બનાવવા માટે રૂ.2,500 કરોડથી વધુની જોગવાઈ પણ કરવામાં આવી છે. દુર્ગમ વિસ્તારોમાં હવાઈ સેવાઓ વધારવા માટે 200 આધુનિક હેલિપેડ વિકસાવવાની પણ યોજના છે. સાથે જ એરલાઈન્સને ચાલુ સહાયરૂપ થવા માટે રૂ.10,000 કરોડથી વધુની વાયબિલિટી ગેપ ફંડિંગ આપવામાં આવશે. આ યોજના હેઠળ સ્વદેશી વિમાનો અને હેલિકોપ્ટરોના ઉપયોગને પણ પ્રોત્સાહન મળશે, જેમાં HAL ધ્રુવ અને ડોર્નિયર જેવા પ્લેટફોર્મનો સમાવેશ થાય છે.
જોધપુર એરપોર્ટને મળશે આધુનિક ટર્મિનલ
જોધપુર એરપોર્ટ પર નવા ટર્મિનલ બિલ્ડિંગનું પણ ઉદ્ઘાટન કરવામાં આવશે. લગભગ રૂ.480 કરોડના ખર્ચે નિર્મિત આ ટર્મિનલ 23 હજાર ચોરસ મીટરથી વધુ વિસ્તારમાં ફેલાયેલું છે અને દર વર્ષે 20 લાખ મુસાફરોને સંભાળી શકે તેવી ક્ષમતા ધરાવે છે. ટર્મિનલના સ્થાપત્યમાં રાજસ્થાનની શાહી સંસ્કૃતિની ઝલક જોવા મળે છે. ઝરોખા, કમાન અને પરંપરાગત ડિઝાઇનને આધુનિક સુવિધાઓ સાથે સંકલિત કરવામાં આવી છે. ઊર્જા બચત, પાણી સંરક્ષણ અને ગ્રીન બિલ્ડિંગના ધોરણોને ધ્યાનમાં રાખીને તેનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેથી તેને પાંચ સ્ટાર GRIHA રેટિંગ પ્રાપ્ત થઈ શકે. આ નવા ટર્મિનલથી પર્યટન, વેપાર અને સ્થાનિક રોજગારને નોંધપાત્ર પ્રોત્સાહન મળવાની અપેક્ષા છે.
આ પણ વાંચો: PM મોદીએ અમરનાથ યાત્રાળુઓને લખ્યો પત્ર : દર્શન પહેલાં આ 5 સંકલ્પ લેવા કરી ખાસ અપીલ
પચપદ્રામાં દેશની પ્રથમ ગ્રીનફિલ્ડ ઇન્ટિગ્રેટેડ રિફાઇનરી
બાલોત્રા જિલ્લાના પચપદ્રામાં ભારતની પ્રથમ ગ્રીનફિલ્ડ ઇન્ટિગ્રેટેડ રિફાઇનરી-કમ-પેટ્રોકેમિકલ કોમ્પ્લેક્સને રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવશે. લગભગ રૂ.79,450 કરોડના રોકાણ સાથે વિકસાવવામાં આવેલ આ પ્રોજેક્ટ દેશના ઊર્જા ક્ષેત્ર માટે એક ઐતિહાસિક સિદ્ધિ માનવામાં આવી રહ્યો છે. HPCL અને રાજસ્થાન સરકારના સંયુક્ત સાહસ તરીકે વિકસિત આ કોમ્પ્લેક્સની ક્ષમતા દર વર્ષે 9 મિલિયન મેટ્રિક ટન છે. સાથે જ તેમાં 2.4 MMTPA પેટ્રોકેમિકલ ઉત્પાદન ક્ષમતા પણ છે. આધુનિક ટેક્નોલોજી ધરાવતી આ રિફાઇનરી વૈશ્વિક ધોરણોને અનુરૂપ કાર્યક્ષમતા ધરાવે છે અને ભારતની ઊર્જા સુરક્ષાને મજબૂત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે. પ્રોજેક્ટથી પ્રદેશમાં પેટ્રોકેમિકલ અને પ્લાસ્ટિક ઉદ્યોગોનું નવું ઇકોસિસ્ટમ વિકસવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
જયપુર મેટ્રો ફેઝ-2ને મળશે લીલી ઝંડી
પ્રધાનમંત્રી જયપુર મેટ્રો રેલ પ્રોજેક્ટના બીજા તબક્કાનો શિલાન્યાસ કરશે. રૂ.13,000 કરોડથી વધુના ખર્ચે વિકસાવવામાં આવનારા આ પ્રોજેક્ટ હેઠળ 41 કિલોમીટર લાંબો ઉત્તર-દક્ષિણ કોરિડોર બનાવવામાં આવશે. આ કોરિડોર પ્રહલાદપુરાથી ટોડી મોડ સુધી વિસ્તરશે અને તેમાં કુલ 36 સ્ટેશનો હશે. પ્રોજેક્ટ સીતાપુરા ઔદ્યોગિક વિસ્તાર, વિશ્વકર્મા ઇન્ડસ્ટ્રીયલ એરિયા, જયપુર એરપોર્ટ, એસએમએસ હોસ્પિટલ અને શહેરના મુખ્ય રહેણાંક વિસ્તારોને ઝડપી અને સરળ જોડાણ આપશે.
રેલવે, હાઈવે અને સોલાર પ્રોજેક્ટ્સને પણ મળશે વેગ
રાજસ્થાનમાં ચુરુ–સાદુલપુર અને ચુરુ–રતનગઢ રેલવે ડબલિંગ પ્રોજેક્ટ્સનું પણ લોકાર્પણ કરવામાં આવશે. આશરે રૂ.900 કરોડના ખર્ચે બનેલા આ પ્રોજેક્ટ્સથી ઉત્તર-પશ્ચિમ રાજસ્થાનમાં રેલવે ક્ષમતા વધશે અને માલવહન તથા મુસાફરી વધુ સરળ બનશે. જોધપુર રિંગ રોડના કરવાર–ડાંગિયાવાસ વિભાગના ફોર લેનિંગ પ્રોજેક્ટનું પણ ઉદ્ઘાટન કરવામાં આવશે, જે માટે લગભગ રૂ.740 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. ઊર્જા ક્ષેત્રમાં SJVNનો 1,000 મેગાવોટનો બીકાનેર સોલાર પ્રોજેક્ટ અને NHPCનો 300 મેગાવોટનો કરણીસર સોલાર પ્લાન્ટ પણ દેશને સમર્પિત કરવામાં આવશે. આ પ્રોજેક્ટ્સમાં દેશી ઉત્પાદનના લાખો સોલાર મોડ્યુલ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સાથે જ નવીનીકરણીય ઊર્જાને ગ્રિડ સુધી પહોંચાડવા માટે ₹1,900 કરોડથી વધુના ખર્ચે તૈયાર કરાયેલી ટ્રાન્સમિશન લાઇનનું ઉદ્ઘાટન અને 530 કિલોમીટર લાંબી નવી વીજ ટ્રાન્સમિશન સિસ્ટમનો શિલાન્યાસ પણ કરવામાં આવશે.
રાજસ્થાનના 54 હજાર યુવાનોને નિમણૂકપત્રો
આ પ્રસંગે પ્રધાનમંત્રી રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં ભરતી પામેલા આશરે 54 હજાર યુવાનોને નિમણૂકપત્રો પણ અર્પણ કરશે. શિક્ષણ, ઊર્જા, ગૃહ, કૃષિ, પંચાયતી રાજ, પરિવહન, ઉચ્ચ શિક્ષણ, કૌશલ્ય વિકાસ અને માહિતી પ્રૌદ્યોગિકી જેવા અનેક વિભાગોમાં ભરતી કરાયેલા યુવાનોને આનો લાભ મળશે.
આ પણ વાંચો: કૌશાંબીમાં LPG ટેન્કર ટોલ પ્લાઝામાં ઘૂસતાં ભીષણ વિસ્ફોટ, 5ના મોત : CCTV વીડિયોમાં અકસ્માતની સમગ્ર ઘટના કેદ
સાણંદમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રે ભારતની મોટી છલાંગ
ગુજરાતના સાણંદમાં પ્રધાનમંત્રી CG Semi ની Outsourced Semiconductor Assembly and Test (OSAT) સુવિધાનું ઉદ્ઘાટન કરશે. ભારતના સેમિકન્ડક્ટર ઉત્પાદન ક્ષેત્રમાં આ એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન માનવામાં આવી રહ્યું છે. આ પ્રોજેક્ટને ભારત સેમિકન્ડક્ટર મિશન હેઠળ મંજૂરી આપવામાં આવી હતી અને તેમાં રૂ.7,500 કરોડથી વધુનું રોકાણ કરવામાં આવ્યું છે. આ યુનિટ સંપૂર્ણ ક્ષમતાએ કાર્યરત થયા બાદ દર વર્ષે લગભગ 5 અબજ સેમિકન્ડક્ટર ચિપ્સનું ઉત્પાદન કરી શકશે.
આ સુવિધા ઓટોમોબાઇલ, ટેલિકોમ, 5G, ઔદ્યોગિક ઉપકરણો અને ઇન્ટરનેટ ઓફ થિંગ્સ (IoT) જેવા ક્ષેત્રોને સેવા આપશે. અહીં વેફર સોર્ટિંગથી લઈને એસેમ્બલી, ટેસ્ટિંગ, પેકેજ ડિઝાઇન, પ્રોડક્ટ કેરેક્ટરાઇઝેશન અને લોજિસ્ટિક્સ સપોર્ટ સુધીની સંપૂર્ણ સેવાઓ ઉપલબ્ધ રહેશે. ભારતમાં વ્યાપક સેમિકન્ડક્ટર ઉત્પાદન ઇકોસિસ્ટમ ઊભું કરવા માટે આ પ્રોજેક્ટને અત્યંત મહત્વપૂર્ણ ગણવામાં આવી રહ્યો છે. નિષ્ણાતોના મતે આ પહેલ ભારતને વૈશ્વિક ટેકનોલોજી સપ્લાય ચેઇનમાં વધુ સ્પર્ધાત્મક અને આત્મનિર્ભર બનાવવામાં મદદરૂપ થશે.





