PM Modi: જમ્મુ-કાશ્મીરમાં પવિત્ર અમરનાથ યાત્રાનો ભવ્ય પ્રારંભ થયો છે. વરસાદી વાતાવરણ વચ્ચે બાલતાલ અને પહેલગામ બેઝ કેમ્પથી હજારો શ્રદ્ધાળુઓ બાબા બર્ફાનીના દર્શન માટે રવાના થયા છે. પ્રથમ જ દિવસે 10 હજારથી વધુ યાત્રાળુઓએ યાત્રાની શરૂઆત કરી હતી. બાલતાલ માર્ગે જનાર ભક્તો એ જ દિવસે દર્શન સુધી પહોંચી શકે છે, જ્યારે પહેલગામ માર્ગે જનાર યાત્રાળુઓ બીજા દિવસે ગુફા સુધી પહોંચે છે. આ વર્ષે અમરનાથ યાત્રા 28 ઓગસ્ટ સુધી ચાલશે. યાત્રા શરૂ થતાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ યાત્રાળુઓને પત્ર લખીને શુભેચ્છા પાઠવી અને પાંચ મહત્વપૂર્ણ સંકલ્પ લેવા અપીલ કરી છે.
PM મોદીએ યાત્રાને ગણાવી આધ્યાત્મિક અને રાષ્ટ્રીય એકતાનું પ્રતિક
પત્રમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે પવિત્ર અમરનાથ યાત્રા માત્ર ધાર્મિક આસ્થા સાથે જોડાયેલી નથી, પરંતુ ભારતની સાંસ્કૃતિક એકતા, આધ્યાત્મિક પરંપરા અને વિવિધતામાં એકતાનું જીવંત પ્રતિક છે.
તેમણે જણાવ્યું કે દેશના વિવિધ રાજ્યોમાંથી, અલગ-અલગ ભાષા અને પરંપરાવાળા લાખો ભક્તો દર વર્ષે બાબા બર્ફાનીના દર્શન માટે જમ્મુ-કાશ્મીર પહોંચે છે. આ યાત્રા સમગ્ર દેશને એકતાના સૂત્રમાં બાંધે છે.
સુરક્ષા દળો અને સ્થાનિક લોકોની કરી પ્રશંસા
વડાપ્રધાને ભારતીય સેના, CRPF, ITBP, BSF, જમ્મુ-કાશ્મીર પોલીસ, NDRF, આરોગ્ય કર્મચારીઓ, વહીવટી તંત્ર અને સ્વચ્છતા કર્મચારીઓના યોગદાનની પ્રશંસા કરી. તેમણે કહ્યું કે હજારો કર્મચારીઓ યાત્રા સુરક્ષિત અને સુવ્યવસ્થિત રીતે પૂર્ણ થાય તે માટે સતત સેવા આપી રહ્યા છે.
તેમણે જમ્મુ-કાશ્મીરના સ્થાનિક નાગરિકોના આતિથ્યની પણ પ્રશંસા કરી અને જણાવ્યું કે સ્થાનિક લોકો યાત્રાળુઓનું ઉષ્માભેર સ્વાગત કરે છે તેમજ અનેક સેવાકીય પ્રવૃત્તિઓમાં જોડાય છે.
આ 5 સંકલ્પ લેવા કરી અપીલ
1. સ્વચ્છતાનો સંકલ્પ
યાત્રા દરમિયાન સમગ્ર માર્ગ પર સ્વચ્છતા જાળવવી અને કચરો ન ફેંકવો.
2. સુરક્ષા નિયમોનું પાલન
વહીવટીતંત્ર દ્વારા આપવામાં આવેલી તમામ સૂચનાઓ, ટ્રાફિક નિયમો અને સુરક્ષા માર્ગદર્શિકાનું પાલન કરવું તેમજ વરસાદ અને લપસણા રસ્તાઓથી સાવચેત રહેવું.
3. 'લોકલ ફોર લોકલ'ને પ્રોત્સાહન
યાત્રા દરમિયાન પોતાના કુલ ખર્ચમાંથી ઓછામાં ઓછા 10 ટકા સ્થાનિક ઉત્પાદનો ખરીદવામાં ખર્ચવા, જેથી જમ્મુ-કાશ્મીરના સ્થાનિક વેપારીઓ અને યુવાનોને રોજગારમાં મદદ મળે.
4. 'એક વૃક્ષ માતાના નામે' અભિયાનમાં જોડાવું
અમરનાથ યાત્રાના અંતિમ દિવસે એટલે કે રક્ષાબંધનના અવસરે પોતાના ભાઈ કે બહેનને એક છોડ ભેટ આપીને પર્યાવરણ સંરક્ષણમાં યોગદાન આપવું.
5. રાષ્ટ્ર નિર્માણ માટે પ્રતિબદ્ધ રહેવું
સમગ્ર વર્ષ દરમિયાન પોતાના કર્તવ્યો પ્રત્યે નિષ્ઠાવાન રહી વિકસિત ભારતના નિર્માણમાં સક્રિય યોગદાન આપવાનો સંકલ્પ લેવો.
સેવા અને સમર્પણની ભાવનાને કર્યો નમન
પત્રમાં વડાપ્રધાને જણાવ્યું કે અમરનાથ યાત્રા માત્ર દર્શનની યાત્રા નથી, પરંતુ સેવા, સમર્પણ અને સામાજિક જવાબદારીનું પણ ઉત્તમ ઉદાહરણ છે. દેશના અનેક ભાગોમાંથી આવેલા સેવાભાવી લોકો યાત્રાળુઓ માટે લંગર અને અન્ય સેવાઓનું આયોજન કરે છે, જે ભારતની 'સર્વે ભવન્તુ સુખિનઃ'ની પરંપરાને જીવંત રાખે છે.
સલામત અને સફળ યાત્રા માટે શુભેચ્છા
વડાપ્રધાને તમામ યાત્રાળુઓને સલામત અને સફળ યાત્રાની શુભેચ્છા પાઠવતા કહ્યું કે બાબા બર્ફાનીના આશીર્વાદથી દરેક ભક્તના જીવનમાં નવી ઊર્જા, નવી ચેતના અને આધ્યાત્મિક શક્તિનો સંચાર થાય. સાથે જ તેમણે આશા વ્યક્ત કરી કે યાત્રાળુઓ પોતાના કર્તવ્યો પ્રત્યે વધુ સમર્પિત બની દેશના વિકાસમાં પણ યોગદાન આપશે.






