Home National Modi Cabinet Reshuffle Nitin Gadkari Promotion Rumours July 2026

મોદી કેબિનેટમાં મોટા ફેરબદલની અટકળો તેજ : નીતિન ગડકરીનું પ્રમોશન થવાની શક્યતા, બે દિગ્ગજ મંત્રીઓનું પત્તું કપાય તેવી ચર્ચા

Modi Cabinet Reshuffle
Image Credit: pinterest
Published by: Nirali Gohil
Last Updated: Jul 03, 2026, 07:58 AM IST

Modi Cabinet Reshuffle: કેન્દ્રની મોદી સરકારમાં ટૂંક સમયમાં મોટા કેબિનેટ ફેરબદલની શક્યતાઓને લઈને રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ ગરમાઈ છે. આગામી 18 જુલાઈથી શરૂ થનારા સંસદના ચોમાસુ સત્ર પહેલાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાની ટીમમાં મહત્વપૂર્ણ બદલાવ કરી શકે તેવી અટકળો રાજકીય ગલિયારાઓમાં જોર પકડી રહી છે. જોકે આ અંગે કેન્દ્ર સરકાર કે ભાજપ તરફથી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ મીડિયા અહેવાલો અને રાજકીય ચર્ચાઓએ આ અટકળોને વધુ વેગ આપ્યો છે. અટકળો મુજબ, આ ફેરબદલ માત્ર કેન્દ્રીય મંત્રીમંડળ પૂરતો મર્યાદિત નહીં રહે, પરંતુ ભાજપના સંગઠનમાં પણ વ્યાપક ફેરફારો જોવા મળી શકે છે. કેટલાક વર્તમાન મંત્રીઓને નવી જવાબદારીઓ સોંપવામાં આવી શકે છે, જ્યારે કેટલાક નેતાઓને સંગઠનમાં મહત્વપૂર્ણ ભૂમિકાઓ આપવામાં આવે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

નીતિન ગડકરીને મળી શકે મોટી જવાબદારી

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીને મોદી સરકારમાં વધુ મહત્વની ભૂમિકા સોંપવામાં આવી શકે છે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. છેલ્લા 12 વર્ષથી તેઓ માર્ગ અને પરિવહન મંત્રાલયનું સફળતાપૂર્વક નેતૃત્વ કરી રહ્યા છે અને તેમના કાર્યકાળ દરમિયાન દેશમાં હાઈવે ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, ગડકરીને એક કરતાં વધુ મંત્રાલયોની જવાબદારી સોંપવામાં આવી શકે છે. જોકે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી, પરંતુ રાજકીય વિશ્લેષકો આ સંભાવનાને ગંભીરતાથી જોઈ રહ્યા છે.

ધર્મેન્દ્ર પ્રધાનને સંગઠનમાં મોકલવાની ચર્ચા

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને લઈને પણ વિવિધ અટકળો ચાલી રહી છે. એવી ચર્ચા છે કે તેમને મંત્રીપદેથી મુક્ત કરીને ભાજપ સંગઠનમાં નવી જવાબદારી સોંપવામાં આવી શકે છે. બીજી તરફ કેટલાક સૂત્રોનું માનવું છે કે, તેઓ હાલના પદ પર યથાવત રહી શકે છે. ભાજપ આગામી રાજ્યોની ચૂંટણી અને સંગઠનાત્મક વિસ્તરણને ધ્યાનમાં રાખીને અનુભવી નેતાઓને સંગઠનમાં મહત્વપૂર્ણ જવાબદારીઓ આપવાનો વિચાર કરી રહી હોવાનું માનવામાં આવે છે.

આ પણ વાંચો: PM મોદી રાજસ્થાન અને ગુજરાતને આપશે કરોડોના પ્રોજેક્ટ્સની ભેટ : 5 અબજ ચિપ્સ બનાવશે સાણંદની નવી ફેક્ટરી, મેટ્રો અને સેમિકન્ડક્ટર પ્લાન્ટનું થશે ઉદ્ઘાટન


કેબિનેટમાં નવા ચહેરાઓની એન્ટ્રીની ચર્ચા

સંભવિત ફેરબદલમાં કેટલાક નવા અને ચોંકાવનારા ચહેરાઓને કેન્દ્ર સરકારમાં સ્થાન મળી શકે છે. તેમાં સૌથી વધુ ચર્ચા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના પૂર્વ ગવર્નર શક્તિકાંત દાસના નામની થઈ રહી છે. અહેવાલો અનુસાર, નાણાંમંત્રી નિર્મલા સીતારમણને નવી જવાબદારી આપવામાં આવે તેવી શક્યતા વચ્ચે શક્તિકાંત દાસને મોદી કેબિનેટમાં સ્થાન મળી શકે છે. જો આવું બને તો તે સરકારના આર્થિક અને નીતિગત નિર્ણયોમાં એક મહત્વપૂર્ણ ફેરફાર ગણાશે. આ ઉપરાંત, આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા રહ્યા બાદ રાજકીય રીતે ચર્ચામાં રહેલા રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાનું નામ પણ સંભવિત નવા ચહેરાઓમાં સામેલ હોવાનું કહેવાય છે. જોકે આ અંગે કોઈ સત્તાવાર માહિતી ઉપલબ્ધ નથી. સાથે જ તૃણમૂલ કોંગ્રેસમાંથી અલગ પડેલા કેટલાક નેતાઓને પણ NDA સરકારમાં સ્થાન મળવાની અટકળો છે. સુખેન્દુ શેખર રે અને સંદીપ બંદોપાધ્યાયના નામો રાજકીય ચર્ચાઓમાં સામે આવી રહ્યા છે.

અમિત શાહ અને ભાજપ પ્રમુખની બેઠકથી ચર્ચાઓને વેગ

કેબિનેટ અને ભાજપ સંગઠનમાં સંભવિત ફેરફારો વચ્ચે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વચ્ચે થયેલી બેઠકએ રાજકીય અટકળોને વધુ વેગ આપ્યો છે. આ બેઠકમાં ભાજપના મહાસચિવ બી.એલ. સંતોષ પણ હાજર રહ્યા હતા. જોકે બેઠકના એજન્ડા અંગે કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી, પરંતુ રાજકીય વર્તુળોમાં માનવામાં આવે છે કે તેમાં સંગઠન અને સરકાર બંનેમાં થનારા ફેરફારો અંગે ચર્ચા થઈ હોઈ શકે છે. સૂત્રો મુજબ, ભાજપની નવી ટીમમાં વરિષ્ઠ નેતાઓની સાથે યુવા ચહેરાઓને પણ સ્થાન મળી શકે છે. એવી પણ ચર્ચા છે કે કેબિનેટ વિસ્તરણ અને ભાજપની નવી સંગઠનાત્મક ટીમની જાહેરાત એકસાથે કરવામાં આવી શકે છે.

બે કેન્દ્રીય મંત્રીઓની છુટ્ટીની અટકળ

નવા ચહેરાઓને સ્થાન આપવા માટે કેટલાક વર્તમાન મંત્રીઓને બહારનો રસ્તો બતાવવામાં આવી શકે તેવી અટકળો પણ ચાલી રહી છે. રાજકીય વર્તુળોમાં કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરી અને રવનીત સિંહ બિટ્ટુના નામ ચર્ચામાં છે. પંજાબ વિધાનસભાની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને રવનીત સિંહ બિટ્ટુને સંગઠનમાં મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી શકે છે તેવી ચર્ચા છે. બીજી તરફ જ્યોર્જ કુરિયન પહેલેથી જ રાજીનામું આપી ચૂક્યા હોવાનું કહેવાય છે અને તાજેતરની રાજ્યસભા ચૂંટણીમાં તેમને તથા બિટ્ટુને ભાજપ તરફથી ટિકિટ આપવામાં આવી ન હતી.

આ પણ વાંચો: કૌશાંબીમાં LPG ટેન્કર ટોલ પ્લાઝામાં ઘૂસતાં ભીષણ વિસ્ફોટ, 5ના મોત : CCTV વીડિયોમાં અકસ્માતની સમગ્ર ઘટના કેદ


સત્તાવાર જાહેરાતની રાહ

જો કે મોદી સરકારના સંભવિત કેબિનેટ ફેરબદલ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. હાલ સામે આવી રહેલી માહિતી મુખ્યત્વે મીડિયા અહેવાલો અને રાજકીય ચર્ચાઓ પર આધારિત છે. આગામી દિવસોમાં, ખાસ કરીને ચોમાસુ સત્ર શરૂ થાય તે પહેલાં, કેન્દ્ર સરકાર અથવા ભાજપ તરફથી કોઈ મહત્વપૂર્ણ જાહેરાત થાય છે કે નહીં તેના પર સૌની નજર ટકેલી છે. રાજકીય નિરીક્ષકોનું માનવું છે કે, જો આ ફેરબદલ થાય છે તો તે માત્ર મંત્રીમંડળમાં જ નહીં પરંતુ ભાજપના સંગઠનાત્મક માળખામાં પણ નોંધપાત્ર બદલાવ લાવી શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now