Sonam Raghuvanshi Bail, Ketan Agarwal Murder Case: હનિમૂન દરમિયાન પતિ રાજા રઘુવંશીની હત્યાના આરોપમાં ચર્ચામાં રહેલી સોનમ રઘુવંશીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. દેશની સર્વોચ્ચ અદાલતે હાલમાં તેના જામીન પર રોક લગાવવાનો ઈનકાર કર્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે સોનમ પહેલેથી જ જેલમાંથી મુક્ત થઈ ચૂકી છે અને આવી સ્થિતિમાં જામીન પર સ્ટે આપવાનો અર્થ જામીન રદ કરવા જેવો થશે. મેઘાલય સરકાર દ્વારા હાઈકોર્ટના નિર્ણયને પડકારતી અરજી દાખલ કરવામાં આવી હતી, જેમાં સોનમને આપવામાં આવેલા જામીનનો વિરોધ કરવામાં આવ્યો હતો. જોકે સુપ્રીમ કોર્ટે તાત્કાલિક હસ્તક્ષેપ કરવાથી ઈનકાર કરતાં હાલ માટે સોનમને મળેલી રાહત યથાવત રાખી છે.
હાઈકોર્ટ બાદ હવે સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત
રાજા રઘુવંશીની હત્યાના કેસમાં લગભગ એક વર્ષ સુધી જેલમાં રહેલી સોનમ રઘુવંશીને 29 જૂને મેઘાલય હાઈકોર્ટે કેટલીક શરતો સાથે જામીન મંજૂર કર્યા હતા. ત્યારબાદ મેઘાલય સરકારે આ નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. જસ્ટિસ એમ.એમ. સુન્દ્રેશ અને જસ્ટિસ શીલ નાગુની બેન્ચે નોંધ્યું કે સોનમ હાલ જેલમાંથી મુક્ત થઈ ચૂકી છે અને નીચલી અદાલત દ્વારા નક્કી કરાયેલી શરતો હેઠળ શિલોંગમાં રહે છે. કોર્ટે કહ્યું કે આવી પરિસ્થિતિમાં જામીન પર રોક લગાવવાનો નિર્ણય તાત્કાલિક લેવો યોગ્ય નથી.
મેઘાલય સરકારે હાઈકોર્ટના નિર્ણયનો કર્યો વિરોધ
સુનાવણી દરમિયાન મેઘાલય સરકાર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ દલીલ કરી કે હાઈકોર્ટે મુખ્ય આરોપીને જામીન આપીને ભૂલ કરી છે. તેમણે અદાલતને જણાવ્યું કે સોનમ પર પોતાના પતિની હત્યાનો ગંભીર આરોપ છે અને કેસના તથ્યો અત્યંત ચોંકાવનારા છે. તેમના જણાવ્યા અનુસાર દંપતી હનિમૂન માટે ગયેલું અને ત્યારબાદ પતિની હત્યા કરીને મૃતદેહને
આ પણ વાંચો: મીડિયા સામે સિયા ગોયલે બતાવી મિડલ ફિંગર : ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો
ખીણમાં ફેંકી દેવામાં આવ્યો હતો.
સુનાવણી દરમિયાન જસ્ટિસ સુન્દ્રેશે પૂછ્યું કે, મૃતદેહને ધક્કો મારીને ફેંકવામાં આવ્યો હતો કે, પછી અન્ય રીતે ખીણમાં નાખવામાં આવ્યો હતો. તેના જવાબમાં તુષાર મહેતાએ જણાવ્યું કે પહેલા હત્યા કરવામાં આવી હતી અને ત્યારબાદ મૃતદેહને ખીણમાં ફેંકવામાં આવ્યો હતો.
'માત્ર ટાઈપોની ભૂલ હતી' – મેઘાલય સરકાર
મેઘાલય સરકારે અદાલતમાં એવી પણ દલીલ કરી કે સોનમની ધરપકડના દસ્તાવેજોમાં માત્ર ટાઈપોની ભૂલ થઈ હતી.
સરકારે જણાવ્યું કે ધરપકડ મેમોમાં ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 101(1)ની જગ્યાએ ભૂલથી 403(1) લખાઈ ગયું હતું. આ તકનિકી ભૂલના આધારે હાઈકોર્ટે જામીન આપ્યા હોવાનું રાજ્ય સરકારે દલીલમાં જણાવ્યું. સરકારનું કહેવું હતું કે, આ માત્ર ટાઈપોગ્રાફિકલ ભૂલ હતી અને તેના આધારે મુખ્ય આરોપીને રાહત આપવી યોગ્ય ગણાવી શકાય નહીં.
સોનમના વકીલે શું દલીલ કરી?
સોનમ રઘુવંશીના વકીલે સુપ્રીમ કોર્ટ સમક્ષ દલીલ કરી કે તેમની ક્લાયન્ટ પર પહેલેથી જ કડક શરતો લાગુ કરવામાં આવી છે અને તે હાલ શિલોંગમાં રહે છે. વકીલે કહ્યું કે, તપાસ એજન્સીઓને હવે તેમની પાસેથી કોઈ વધુ પુરાવા કે જપ્તી કરવાની જરૂર નથી. જો અદાલત હાલમાં હાઈકોર્ટના આદેશ પર સ્ટે આપે તો તે જામીન રદ કરવા સમાન ગણાશે.
સુનાવણી દરમિયાન કેતન અગ્રવાલ અને સિયા ગોયલ કેસનો ઉલ્લેખ
સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલ તુષાર મહેતાએ તાજેતરના કેટલાક ચર્ચિત કેસોનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કેતન અગ્રવાલ અને સિયા ગોયલના કેસનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, આવા પ્રકારની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. આ કેસમાં પણ આરોપ છે કે યુવતીએ પોતાના પ્રેમી સાથે મળીને મંગેતરની હત્યા કરી હતી. આ મુદ્દે જસ્ટિસ સુન્દ્રેશે ટિપ્પણી કરતાં કહ્યું કે સમાજના વિવિધ વર્ગોએ આત્મચિંતનની જરૂર છે. જોકે તેમણે સ્પષ્ટ કર્યું કે અદાલત આ મુદ્દે વધુ કોઈ ટિપ્પણી કરવા માંગતી નથી.
કેસ પર સૌની નજર
હાલમાં સુપ્રીમ કોર્ટ દ્વારા સોનમ રઘુવંશીને મળેલા જામીન પર કોઈ રોક લગાવવામાં આવી નથી, પરંતુ મેઘાલય સરકારની અરજી પર આગળની સુનાવણી હજુ બાકી છે. આ કેસ શરૂઆતથી જ દેશભરમાં ચર્ચાનો વિષય રહ્યો છે અને હવે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી કાર્યવાહી પર સૌની નજર ટકેલી છે. આગામી સુનાવણીમાં અદાલત શું નિર્ણય લે છે તે મહત્વપૂર્ણ રહેશે.





