ગુજરાત ATSએ ગુરુવારે (3 જુલાઈ) આતંકવાદ વિરોધી અભિયાન હેઠળ મોટી કાર્યવાહી હાથ ધરી હતી. ગુજરાત અને મધ્યપ્રદેશમાં અલગ-અલગ સ્થળોએ સંયુક્ત ઓપરેશન ચલાવી પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા હોવાના શંકાસ્પદ આઠ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. તમામ આરોપીઓની હાલ ગુજરાત ATS દ્વારા સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે.
પ્રાથમિક માહિતી અનુસાર, આરોપીઓ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ માટે કામ કરતા હોવાની અને ગુજરાતમાં ફરીથી સંગઠનનું નેટવર્ક સક્રિય કરવાનો પ્રયાસ કરી રહ્યા હોવાની બાતમી ATSને મળી હતી. આ માહિતીના આધારે અલગ-અલગ ટીમો બનાવી ગુજરાત તેમજ મધ્યપ્રદેશમાં એકસાથે દરોડા પાડવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: અમદાવાદમાં મિનરલ વોટર પ્લાન્ટમાં રોકાણના નામે 1.55 કરોડની છેતરપિંડી : EOWએ ઉજાસ પરીખની કરી ધરપકડ
ગુજરાતના ત્રણ જિલ્લાઓ અને મધ્યપ્રદેશમાંથી ધરપકડ
ATS દ્વારા ધરપકડ કરાયેલા શંકાસ્પદોમાં બનાસકાંઠા જિલ્લાના પાલનપુર, પાટણ જિલ્લાના સિદ્ધપુર, નવસારી જિલ્લાના ચીખલી તેમજ મધ્યપ્રદેશના દેવાસના રહેવાસીઓનો સમાવેશ થાય છે.
ધરપકડ કરાયેલા શખ્સોમાં પાલનપુરના ભગાલ વિસ્તારના અહેમદ અબ્દુલ્લા ગાજીવાળા (ઉર્ફે અબુ ઉબૈદા, 19), ઇબ્રાહિમ મહંમદ હુસેન ઘાઘા (ઉર્ફે અબુ હમઝા, 30) અને મુદસ્સિર અબ્દુલ્લા ગાજીવાળા (ઉર્ફે અબુ આયા, 22)નો સમાવેશ થાય છે.
પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના ખડીયાસણા સ્થિત જામિયા અબુલ હસન મદરસા સાથે સંકળાયેલા ઝકરીયા દુરાની મહંમદ અમ્માર ઘાઘા (ઉર્ફે ઇબ્ન અમ્માર/ઝકરીયા પાલનપુરી, 21), મુફ્તિ ફૌજાન ઇસ્માઈલ દાઉવા (ઉર્ફે મુફ્તિ સાહેબ, 40) અને મહંમદ અમીન શેરા (ઉર્ફે અમીન પાલનપુરી, 21)ની પણ ધરપકડ કરવામાં આવી છે.
આ ઉપરાંત નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના આંભેટા સ્થિત જામિયા રહમાનિયા ખાંભીયા સાથે સંકળાયેલા મહંમદ અબ્દુલ રહમાન સાવદી (ઉર્ફે મહંમદ પાલનપુરી/અબુ ઉનૈસા, 22) તથા મધ્યપ્રદેશના દેવાસ જિલ્લાના વારસી નગરના બિલાલ દુરાની મહંમદ અમ્માર ઘાઘા (ઉર્ફે અબુ દુજાના, અબુ સુફિયાન, અબુ ઝુંદલ, ઉમર બિન ખત્તાબ, 18)ની પણ ATSએ ધરપકડ કરી છે.
બાતમીના આધારે ગોઠવાયું વિશેષ ઓપરેશન
સૂત્રોના જણાવ્યા મુજબ ATSને મળેલી ગુપ્ત માહિતી બાદ સમગ્ર ઓપરેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વિવિધ સ્થળોએ દરોડા પાડી કુલ આઠ શખ્સોને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન ઇલેક્ટ્રોનિક ઉપકરણો, દસ્તાવેજો અને અન્ય સામગ્રીની પણ ચકાસણી કરવામાં આવી રહી છે.
અધિકારીઓનું કહેવું છે કે પૂછપરછ દરમિયાન આરોપીઓના સંપર્કો, નાણાકીય વ્યવહારો, સોશિયલ મીડિયા પ્રવૃત્તિ અને અન્ય રાજ્યો સાથેના સંભવિત જોડાણોની પણ તપાસ કરવામાં આવી રહી છે. આ કેસમાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે નહીં તે મુદ્દે પણ તપાસનો વ્યાપ વધારવામાં આવ્યો છે.
આ પણ વાંચો: ગુજરાત CID સાયબર સેલનું મોટું ઓપરેશન : અમદાવાદ-સુરતથી 4 સાયબર ઠગ ઝડપાયા, ₹3.61 કરોડની છેતરપિંડીનો પર્દાફાશ
ATS ની તપાસ ચાલુ
ગુજરાત ATS દ્વારા હાલમાં તમામ આરોપીઓની પૂછપરછ ચાલી રહી છે. તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર કાવતરું, આરોપીઓની ભૂમિકા અને તેઓ કેટલા સમયથી સક્રિય હતા તે અંગે વધુ વિગતો જાહેર કરવામાં આવશે. હાલ તપાસના હિતમાં વધુ વિગતો જાહેર કરવામાં આવી નથી. ઉલ્લેખનીય છે કે જૈશ-એ-મોહમ્મદ ભારત સરકાર દ્વારા પ્રતિબંધિત જાહેર કરાયેલ આતંકવાદી સંગઠન છે. સુરક્ષા એજન્સીઓ સમયાંતરે આવા સંગઠનોની પ્રવૃત્તિઓ પર નજર રાખીને જરૂરી કાર્યવાહી કરતી રહે છે.














