Home Gujarat Gopal Italia Allegations On Bjp Over Chaitar Vasava Case Rajpipla

'ચૂંટણીમાં હરાવી ન શક્યા એટલે કોર્ટના રસ્તે હરાવવાનો પ્રયાસ' : ચૈતર વસાવા મુદ્દે CM અને DyCM સામે ગોપાલ ઈટાલિયાના ગંભીર આક્ષેપ

Chaitar Vasava Case
Play Video
Published by: Nirali Gohil
Last Updated: Jul 03, 2026, 11:18 AM IST

Chaitar Vasava Case: રાજપીપળામાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પ્રેસ કોન્ફરન્સ યોજીને ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સાથે જોડાયેલા કેસને લઈને ભાજપ સરકાર અને રાજ્યના ઉચ્ચ નેતાઓ પર ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે આરોપ લગાવ્યો કે ચૈતર વસાવાને રાજકીય રીતે નબળા પાડવા અને આદિવાસી સમાજના ઉદયમાન નેતૃત્વને રોકવા માટે તેમને ખોટા કેસોમાં ફસાવવામાં આવ્યા છે. ગોપાલ ઇટાલિયાએ દાવો કર્યો કે,ચૈતર વસાવાની લોકપ્રિયતાને કારણે નર્મદા જિલ્લામાં આમ આદમી પાર્ટીને મજબૂત રાજકીય આધાર મળ્યો હતો અને સ્થાનિક સ્તરે સત્તા સ્થાપિત કરવામાં સફળતા મળી હતી. તેમણે કહ્યું કે રાજકીય રીતે ચૈતર વસાવાને હરાવવામાં નિષ્ફળ ગયા બાદ હવે કાયદાકીય પ્રક્રિયાનો ઉપયોગ કરીને તેમને નિશાન બનાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

'2022માં ભાજપમાં જોડાવા માટે પ્રયાસ થયા હતા'

પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું કે, વર્ષ 2022 દરમિયાન ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ દ્વારા ચૈતર વસાવાને ભાજપમાં સામેલ કરવા માટે પ્રયાસો કરવામાં આવ્યા હતા. તેમણે દાવો કર્યો કે, જ્યારે આ પ્રયાસો સફળ થયા નહીં અને ચૂંટણીમાં પણ ચૈતર વસાવાને હરાવી શકાયા નહીં, ત્યારબાદ રાજકીય ષડયંત્રના ભાગરૂપે તેમની સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી. ઇટાલિયાના જણાવ્યા અનુસાર, ચૈતર વસાવાની લોકપ્રિયતા આદિવાસી વિસ્તારોમાં સતત વધી રહી હતી અને તેના કારણે ભાજપ માટે રાજકીય પડકાર ઉભો થયો હતો.

મુખ્યમંત્રી અને ગૃહમંત્રી પર લગાવ્યા ગંભીર આરોપ

ગોપાલ ઇટાલિયાએ આરોપ લગાવ્યો કે, રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના ઇશારે કાર્યવાહી કરવામાં આવી હોવાનું હાઇકોર્ટમાં સરકારી વકીલ દ્વારા જણાવાયું હોવાનું તેઓ માને છે. તેમણે કહ્યું કે, આ મુદ્દો ગંભીર છે કારણ કે, જો સરકારના ઉચ્ચ સ્તરે સૂચનાઓ આપવામાં આવી હોય તો તે ન્યાયતંત્રની સ્વતંત્રતા અંગે અનેક પ્રશ્નો ઊભા કરે છે. ઇટાલિયાએ એવો પણ દાવો કર્યો કે, ચૈતર વસાવા અને તેમના સમર્થકોને ખોટા કેસોમાં ફસાવવામાં આવ્યા હોવાનું હવે સ્પષ્ટ થઈ રહ્યું છે.

આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં મહિલાઓને સહાય મળે તો ગુજરાતની આદિવાસી બહેનોને કેમ નહીં? : ડેડિયાપાડાની સરહદ પરથી ઇસુદાન ગઢવીનો સરકારને સવાલ

'કોર્ટની પ્રક્રિયામાં પણ હસ્તક્ષેપ થઈ રહ્યો છે'

આપના ધારાસભ્યએ આક્ષેપ કર્યો કે, ભાજપના નેતાઓ કોર્ટની પ્રક્રિયામાં પણ હસ્તક્ષેપ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે,કેસમાં સામેલ દરેક આરોપીની ભૂમિકા અલગ હોવાથી અલગ-અલગ વકીલો દ્વારા જુદી જુદી અપીલો કરવામાં આવી છે, જે સમગ્ર મામલાની જટિલતાને દર્શાવે છે. તેમણે ઉમેર્યું કે, ચૈતર વસાવા હાલ જેલમાં હોવા છતાં તેઓ તેમના પરિવારજનો અને કાર્યકરો સાથે મુલાકાત દરમિયાન જે સૂચનાઓ આપે છે, તેના આધારે પાર્ટી આગામી રાજકીય અને કાનૂની વ્યૂહરચના તૈયાર કરી રહી છે.

મનસુખ વસાવા પર કટાક્ષ

સાંસદ મનસુખ વસાવાના નિવેદનોનો ઉલ્લેખ કરતાં ગોપાલ ઇટાલિયાએ કટાક્ષ કરતાં કહ્યું કે સરકારનો કોઈ હાથ નથી એવું કહેવા કરતાં "આમાં પાકિસ્તાનનો હાથ છે" એવું કહી દેવું જોઈએ. તેમણે કહ્યું કે, જો ખરેખર આ સમગ્ર ઘટનાક્રમમાં સરકારની કોઈ ભૂમિકા નથી તો ભાજપના નેતાઓએ સ્પષ્ટતા કરવી જોઈએ અને ચૈતર વસાવાના મામલે ન્યાયસંગત અભિગમ અપનાવવો જોઈએ.

આ પણ વાંચો: રથયાત્રા પહેલાં ગુજરાત ATSનું મોટું ઓપરેશન : જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા 8 આતંકીઓની ધરપકડ

'ચૈતર વસાવા નહીં, સમગ્ર આદિવાસી સમાજને નિશાન બનાવાયો'

ગોપાલ ઇટાલિયાએ વધુમાં જણાવ્યું કે ચૈતર વસાવાને જેલમાં રાખવાનો હેતુ માત્ર એક રાજકીય નેતાને સજા કરવાનો નથી, પરંતુ સમગ્ર આદિવાસી સમાજના અવાજને દબાવવાનો પ્રયાસ છે. તેમણે કહ્યું કે, આદિવાસી સમાજમાં ઉભરી રહેલા નેતૃત્વને રોકવા માટે ચૈતર વસાવાને જેલમાં રાખવામાં આવ્યા છે અને આ સમગ્ર ઘટનાને તેઓ આદિવાસી સમાજને સજા કરવાના પ્રયાસ તરીકે જુએ છે. ઇટાલિયાએ જણાવ્યું કે, આમ આદમી પાર્ટી કોઈ વિવાદ ઊભો કરવા માંગતી નથી, પરંતુ ન્યાય માટે લોકશાહી અને કાનૂની માર્ગે લડત ચાલુ રાખશે.

મનસુખ વસાવાને અપીલ

પ્રેસ કોન્ફરન્સના અંતે, ગોપાલ ઇટાલિયાએ ભાજપના સાંસદ મનસુખ વસાવાને સંબોધતા જણાવ્યું કે, જો તેમને ખરેખર આદિવાસી સમાજની ચિંતા હોય તો તેમણે ચૈતર વસાવા જેલમાંથી કેવી રીતે મુક્ત થાય તે અંગે પ્રયત્નો કરવા જોઈએ. તેમણે કહ્યું કે, આ મુદ્દો માત્ર એક વ્યક્તિનો નથી પરંતુ સમગ્ર આદિવાસી સમાજના રાજકીય પ્રતિનિધિત્વ અને અધિકારો સાથે જોડાયેલો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now