Home Gujarat Junagadh Keshod Heavy Rain Pipli Village Cattle Swept Away

કેશોદમાં ધોધમાર વરસાદથી પૂર જેવી સ્થિતિ : પીપળી ગામે ચાર ગાયો તણાઈ હોવાનો વીડિયો વાયરલ

પાણીમાં તણાંતિ ગાયો
Published by: Chintan Chavda
Last Updated: Jul 03, 2026, 11:03 AM IST

જૂનાગઢ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી વરસી રહેલા ભારે વરસાદ વચ્ચે કેશોદ તાલુકામાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. કેશોદ નજીકના પીપળી ગામ પાસે આવેલા વોકળામાં અચાનક આવેલા પૂરનાં પાણીમાં ચાર જેટલી ગાયો તણાઈ ગઈ હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જોકે, આ ઘટનાને લઈને સત્તાવાર રીતે હજુ સુધી કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી.

મળતી માહિતી મુજબ, કેશોદમાંથી પસાર થતા વોકળામાં ભારે વરસાદના કારણે પાણીનો પ્રવાહ અચાનક વધી ગયો હતો. પાણીનો પ્રવાહ એટલો પ્રચંડ હતો કે તેમાં ચાર જેટલી ગાયો તણાઈ ગઈ હોવાનું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે. ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં પૂરનાં પાણીમાં પશુઓ તણાતા હોવાના દૃશ્યો જોવા મળે છે.

અવિરત વરસાદથી જનજીવન પ્રભાવિત

કેશોદ અને આસપાસના વિસ્તારોમાં વરસાદ હજુ પણ અવિરત ચાલુ હોવાથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા નાના નાળા અને વોકળાઓમાં પાણીની આવક સતત વધી રહી છે, જેના કારણે સ્થાનિક લોકોમાં ચિંતા વ્યાપી છે. પ્રશાસને નદી-નાળા અને વોકળાની આસપાસ રહેતા લોકોને સાવચેતી રાખવા તેમજ પૂરનાં પાણી નજીક ન જવાની અપીલ કરી છે. ખાસ કરીને પશુપાલકોને પોતાના પશુઓને સલામત સ્થળે ખસેડવા સૂચના આપવામાં આવી રહી છે.

આ પણ વાંચો: મેઘરાજા આફત બનીને વરસ્યા : રાજકોટ બેડી યાર્ડમાં કાળા તલનો લાખોનો જથ્થો પલળ્યો

સત્તાવાર પુષ્ટિની રાહ

ગાયો તણાઈ હોવાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ સ્થાનિક તંત્ર દ્વારા ઘટનાની માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે. હાલ ચાર ગાયો તણાઈ હોવાના દાવાની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. વરસાદ યથાવત રહેતાં બચાવ અને રાહત ટીમો પણ પરિસ્થિતિ પર નજર રાખી રહી છે. હવામાન વિભાગે આગામી કલાકોમાં પણ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી હોવાથી લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવા અને સ્થાનિક તંત્રની સૂચનાઓનું પાલન કરવાની સલાહ આપવામાં આવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now