Vadodara News: વડોદરાની સયાજી હોસ્પિટલના પરિસરમાં નિર્માણાધીન બહુમાળી ઈમારતમાં શુક્રવારે એક દુઃખદ અકસ્માત સર્જાયો હતો. ઈમારતના નવમા માળે કામ કરી રહેલા 29 વર્ષીય શ્રમિક જગન્દુ ચૌહાણનું સીડી પરથી નીચે પટકાતા મોત નીપજ્યું હતું. ઘટનાના પગલે સમગ્ર હોસ્પિટલ પરિસરમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ગંભીર હાલતમાં સાથી શ્રમિકો તેને તાત્કાલિક સયાજી હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં લઈ આવ્યા હતા, પરંતુ ફરજ પર હાજર તબીબોએ તપાસ બાદ તેને મૃત જાહેર કર્યો હતો. પ્રાથમિક માહિતી મુજબ આ ઘટના અકસ્માત હોવાનું માનવામાં આવી રહ્યું છે, જોકે ઘટનાના ચોક્કસ કારણ અંગે હજુ સ્પષ્ટતા થઈ નથી. બીજી તરફ હોસ્પિટલ પરિસરમાં એવી ચર્ચાઓ પણ ચાલી રહી છે કે યુવકને કરંટ લાગ્યા બાદ અકસ્માત સર્જાયો હોઈ શકે છે. જોકે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. પોલીસ તપાસ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ સમગ્ર ઘટનાની વાસ્તવિક હકીકત સામે આવશે.
સુરક્ષા વ્યવસ્થાને લઈને ફરી ઉઠ્યા પ્રશ્નો
આ ઘટનાએ સયાજી હોસ્પિટલમાં ચાલી રહેલા નિર્માણ કાર્ય દરમિયાન મજૂરોની સુરક્ષા વ્યવસ્થા અંગે ફરી ગંભીર સવાલો ઊભા કર્યા છે. સ્થાનિક સૂત્રોના જણાવ્યા મુજબ આ જ બહુમાળી ઈમારતમાં ચાર દિવસ પહેલાં સેફ્ટી બેલ્ટ વગર ઊંચાઈ પર કામ કરતા મજૂરો અંગે મીડિયા દ્વારા અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો હતો. તે સમયે પણ સંબંધિત અધિકારીઓનું ધ્યાન દોરવામાં આવ્યું હતું, છતાં સુરક્ષા વ્યવસ્થામાં કોઈ અસરકારક સુધારો કરવામાં આવ્યો હતો કે નહીં તે હવે ચર્ચાનો વિષય બન્યો છે. આ પહેલા પણ આ જ સાઇટ પર એક મહિલા શ્રમિક ઊંચાઈ પરથી પટકાતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હોવાનો બનાવ સામે આવ્યો હતો. તે સમયે પણ કન્સ્ટ્રક્શન સાઇટ પર સુરક્ષા ધોરણોના પાલન અંગે સવાલો ઊઠ્યા હતા. હવે ફરી એક વખત શ્રમિકના મોત બાદ કોન્ટ્રાક્ટર અને દેખરેખ રાખતા વિભાગની કામગીરીને લઈને અનેક ચર્ચાઓ શરૂ થઈ છે.
કોન્ટ્રાક્ટરની કામગીરી ચર્ચામાં
નિર્માણ કાર્ય સંભાળી રહેલી નીલકંઠ ઇન્ફ્રાના સંચાલકો સામે પણ સુરક્ષા વ્યવસ્થામાં બેદરકારીના આક્ષેપો થઈ રહ્યા છે. ઘટનાના પગલે મીડિયા દ્વારા કોન્ટ્રાક્ટરનો પક્ષ જાણવા પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે ઘટનાની માહિતી આપવાને બદલે મીડિયા સાથે ઘર્ષણ થયું હોવાનું પણ સામે આવ્યું છે. ઘટનાનો વીડિયો પણ ઉપલબ્ધ હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઘટનાએ માત્ર અકસ્માત સુધીનો મુદ્દો સીમિત રાખ્યો નથી, પરંતુ ઊંચાઈ પર કામ કરતા શ્રમિકોની સુરક્ષા માટેના નિયમોનું પાલન થાય છે કે નહીં તે મુદ્દો પણ કેન્દ્રસ્થાને આવ્યો છે. બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન દરમિયાન હેલ્મેટ, સેફ્ટી બેલ્ટ અને અન્ય સુરક્ષા સાધનો ફરજિયાત હોવા છતાં તેના અમલ અંગે પ્રશ્નો ઉઠી રહ્યા છે.
PIU વિભાગની ભૂમિકા પણ ચર્ચામાં
ઘટના બાદ મોડા પહોંચેલા PIU વિભાગના અધિકારી મહેશ દવેએ પ્રાથમિક પ્રતિક્રિયામાં જણાવ્યું હતું કે તેમને ઘટનાની જાણ નહોતી. તેમણે યુવકનું મોત અકસ્માત કે હૃદયરોગના હુમલાના કારણે થયું હોઈ શકે તેવી શક્યતા વ્યક્ત કરી હતી. સાથે જ તેમણે સમગ્ર મામલે અન્ય વિભાગોની જવાબદારી તરફ પણ ઈશારો કર્યો હતો. સ્થાનિક સ્તરે એવી ચર્ચા છે કે અગાઉ પણ કન્સ્ટ્રક્શન સાઇટ પર સુરક્ષા સંબંધિત મુદ્દાઓ સામે આવ્યા ત્યારે કડક કાર્યવાહી કરવાને બદલે માત્ર મૌખિક ચેતવણી આપીને મામલો પૂર્ણ કરવામાં આવ્યો હતો. જોકે આ તમામ આક્ષેપોની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. હવે આ ઘટનાના પગલે સંબંધિત વિભાગો દ્વારા કયા પગલાં લેવામાં આવે છે તેના પર સૌની નજર છે.
આ પણ વાંચો: રસ્તો તો ખુલ્યો... પણ ભેદભાવના ઉભા થયા સવાલો : સુરેન્દ્રનગરની દબાણ હટાવો ઝુંબેશ આવી ચર્ચામાં
હોસ્પિટલ તંત્ર અને પોલીસ તપાસમાં વ્યસ્ત
ઘટનાની જાણ થતાં સયાજી હોસ્પિટલનું તંત્ર પણ સક્રિય બન્યું હતું. હોસ્પિટલ દ્વારા તાત્કાલિક રાવપુરા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ સ્થળ પર પહોંચી પ્રાથમિક તપાસ શરૂ કરી છે અને ઘટનાસ્થળેથી જરૂરી માહિતી એકત્રિત કરવાની કાર્યવાહી હાથ ધરી છે. સયાજી હોસ્પિટલના આરએમઓ ડૉ. હિતેન્દ્ર ચૌહાણે જણાવ્યું હતું કે સમગ્ર મામલો હાલ તપાસ હેઠળ છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ મૃત્યુનું ચોક્કસ કારણ જાણી શકાશે. તેથી હાલ કોઈપણ તારણ પર પહોંચવું યોગ્ય નથી.
આ પણ વાંચો: રથયાત્રા પહેલાં ગુજરાત ATSનું મોટું ઓપરેશન : જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા 8 આતંકીઓની ધરપકડ
પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ થશે સ્પષ્ટતા
હાલ સમગ્ર ઘટનાને લઈને અનેક પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે. એક તરફ સીડી પરથી પડી જવાથી અકસ્માત થયો હોવાની વાત સામે આવી રહી છે, જ્યારે બીજી તરફ કરંટ લાગવાથી અકસ્માત સર્જાયો હોવાની ચર્ચા પણ જોર પકડી રહી છે. જોકે બંને મુદ્દે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. આ ઘટનાએ ફરી એક વખત મોટા સરકારી પ્રોજેક્ટોમાં કામ કરતા શ્રમિકોની સુરક્ષા, દેખરેખ અને જવાબદારીના પ્રશ્નોને કેન્દ્રમાં લાવી દીધા છે. હવે રાવપુરા પોલીસની તપાસ, ફોરેન્સિક માહિતી અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ સમગ્ર ઘટનાની સાચી હકીકત સામે આવશે. જો તપાસમાં સુરક્ષા ધોરણોમાં બેદરકારી સામે આવશે તો સંબંધિત જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી થાય છે કે નહીં તેના પર પણ સૌની નજર રહેશે.





