વડોદરા શહેરમાં કાયદો અને વ્યવસ્થાને લઈને ફરી એકવાર સવાલો ઊભા થયા છે. શહેરના ગોત્રી વિસ્તારમાં વધુ એક ફાયરિંગની ઘટના સામે આવતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો છે. બુધવારે, 2 જુલાઈની મોડી રાત્રે પ્રિયા થિયેટર નજીક આવેલા અરૈના-48 એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર 201ને નિશાન બનાવી અજાણ્યા શખસે ફાયરિંગ કર્યું હતું. તે સમયે ફ્લેટમાં રહેતો પરિવાર ઊંઘમાં હતો. ગોળીબારનો અવાજ સંભળાતા પરિવારજનો અને આસપાસના રહેવાસીઓમાં અફરાતફરી મચી ગઈ હતી.
સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી. પ્રાથમિક માહિતી મુજબ, ફાયરિંગ બાદ હુમલાખોર સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ઘટનાસ્થળેથી પોલીસે એક કારતૂસ કબજે કર્યું છે, જેને ફોરેન્સિક તપાસ માટે મોકલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ હવે સીસીટીવી ફૂટેજ, ટેક્નિકલ સર્વેલન્સ અને અન્ય પુરાવાના આધારે આરોપીની ઓળખ સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે.
પોલીસ અને એલસીબીની સંયુક્ત તપાસ
ઘટનાની જાણ થતાં જ ગોત્રી પોલીસ સ્ટેશનની ટીમ તેમજ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)ના અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા. સમગ્ર વિસ્તારનું નિરીક્ષણ કરીને પુરાવા એકત્ર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ફ્લેટને નિશાન બનાવીને ફાયરિંગ કેમ કરવામાં આવ્યું, તેના પાછળ કોઈ અંગત અદાવત, ધમકી કે અન્ય કોઈ કારણ જવાબદાર છે કે નહીં તે સહિત તમામ સંભાવનાઓને ધ્યાનમાં રાખીને તપાસ કરવામાં આવી રહી છે.
પોલીસે આસપાસના વિસ્તારોમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ એકત્ર કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. ઉપરાંત ફ્લેટમાં રહેતા પરિવારજનો અને નજીકના રહેવાસીઓના નિવેદનો પણ નોંધવામાં આવી રહ્યા છે, જેથી ઘટનાનો ચોક્કસ ક્રમ જાણી શકાય.
આ પણ વાંચો: વડોદરામાં રિક્ષાચાલકના મોતના 12 દિવસ બાદ પણ ધરપકડ નહીં : પરિવારે ન્યાય માટે ઉઠાવી માંગ
6 દિવસમાં બીજી ઘટના, સુરક્ષા વ્યવસ્થા પર પ્રશ્નો
ઉલ્લેખનીય છે કે વડોદરા શહેરમાં છેલ્લા છ દિવસ દરમિયાન ફાયરિંગની આ બીજી ઘટના છે. ટૂંકા ગાળામાં સતત બીજી વખત ગોળીબારની ઘટના સામે આવતા શહેરની કાયદો-વ્યવસ્થાની સ્થિતિ અંગે ચર્ચા તેજ બની છે. સતત આવી રહેલી ઘટનાઓના કારણે સ્થાનિક રહેવાસીઓમાં અસુરક્ષાની લાગણી વધી રહી છે.





