Home Gujarat Vadodara Vadodara Laheripura Gate Reel Video Ms University Students Apology

વડોદરા: લહેરીપુરા ગેટ પર રીલ બનાવવી પડી ભારે : ટ્રાફિક રોકી શૂટિંગ કરનાર MS યુનિ.ના 4 વિદ્યાર્થીઓએ માંગી માફી

Vadodara News
Published by: OBS Bureau
Last Updated: Jul 02, 2026, 12:45 PM IST

Vadodara News: વડોદરા શહેરના ઐતિહાસિક અને વ્યસ્ત એવા લહેરીપુરા ગેટ પાસે રીલ અને ફોટોશૂટ કરવાનો ક્રેઝ ચાર વિદ્યાર્થીઓને ભારે પડ્યો છે. જાહેર માર્ગ પર વાહનોની અવરજવરને રોકીને રીલ બનાવવાના વાયરલ થયેલા વીડિયોને પગલે સિટી પોલીસે લાલ આંખ કરી હતી. આ મામલે પોલીસે એમ.એસ. યુનિવર્સિટીના ચાર વિદ્યાર્થીઓને બોલાવીને કડક ઠપકો આપ્યો હતો અને તેમની પાસે માફી મંગાવી હતી.

આ પણ વાંચો: ડેડીયાપાડામાં ચૈતર વસાવાના સમર્થનમાં આદિવાસી સમાજની વિશાળ સભા : ગોપાલ ઇટાલિયા સહિત વિવિધ રાજ્યોમાંથી આગેવાનો જોડાયા

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાતું હતું કે, વડોદરાના વ્યસ્ત એમ.જી. રોડ પર કેટલાક યુવક-યુવતીઓ બિન્દાસ્તપણે શૂટિંગ કરી રહ્યા હતા. રસ્તા વચ્ચે ઉભા રહીને ફોટોશૂટ કરવામાં આવી રહ્યું હતું અને રીલ બનાવવા માટે ચાલુ ટ્રાફિકને પણ અટકાવવામાં આવ્યો હતો. વીડિયોમાં એક વ્યક્તિ જાણે ટ્રાફિક પોલીસ હોય તેમ વાહનચાલકો અને રાહદારીઓને સાઈડમાંથી પસાર થવા માટે ઈશારા કરતો નજરે પડતો હતો. આ મનસ્વી વર્તનને કારણે સામાન્ય રાહદારીઓ અને વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો, જેથી જાહેર રસ્તા પર કાયદો હાથમાં લીધાના આક્ષેપો સાથે સુરક્ષા અંગે અનેક સવાલો ઊભા થયા હતા.

સમગ્ર મામલો પોલીસના ધ્યાને આવતા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે ચારેય વિદ્યાર્થીઓને પોલીસ મથકે બોલાવીને ટ્રાફિકના નિયમોનું ભંગ કરવા બદલ કડક સૂચના આપી હતી. વિદ્યાર્થીઓએ પોતાની ભૂલ સ્વીકારી માફી માંગી હતી. એક વિદ્યાર્થીએ જણાવ્યું કે, "24 જૂનના રોજ અમે અહીં ફોટોશૂટ માટે ગયા હતા અને ભૂલથી ટ્રાફિકને ડાયવર્ટ કર્યો હતો. અમે અમારા કૃત્ય માટે શર્મિંદા છીએ અને દિલથી માફી માંગીએ છીએ. ભવિષ્યમાં આવી ભૂલનું પુનરાવર્તન નહીં કરીએ."

આ પણ વાંચો: ગાંધીનગરમાં 2,389 મહેસૂલી તલાટીઓને મળ્યા નિમણૂક પત્રો : CM ભૂપેન્દ્ર પટેલે લોન્ચ કરી Revenue વિભાગની બે નવી ડિજિટલ સેવાઓ

આ ઘટના બાદ વિદ્યાર્થીઓએ અન્ય લોકોને અપીલ કરી હતી કે કોઈ પણ વ્યક્તિએ જાહેર જગ્યાઓ પર કાયદાનું ઉલ્લંઘન કરીને આવા કૃત્યો ન કરવા જોઈએ. જાહેર રસ્તા એ સૌની સુવિધા માટે છે, તેને ખાનગી શૂટિંગ માટે રોકવી એ ટ્રાફિક નિયમોનું ગંભીર ઉલ્લંઘન છે. વડોદરા પોલીસે પણ સ્પષ્ટ શબ્દોમાં નાગરિકોને ચેતવણી આપી છે કે જાહેર રસ્તા પર ટ્રાફિકમાં અડચણ ઉભી કરનારા કોઈપણ વ્યક્તિ સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now