સંસ્કારી નગરી તરીકે જાણીતા વડોદરા શહેરના ગીચ ગણાતા વાડી વિસ્તારમાં ગંભીર દૂર્ઘટના સર્જાઈ હતી. જેમાં 100 વર્ષ જૂનું મકાન અચાનક ધરાશાયી થતા આસપાસમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બપોરના સમયે બનેલી આ ઘટનાને પગલે વિસ્તારમાં ગભરાટનો માહોલ ફેલાઈ ગયો હતો. આ અકસ્માતમાં બે વ્યક્તિઓ કાટમાળ નીચે દબાઈ ગઈ હતી. જૂનું બાંધકામ હોવાથી મકાનની છત અચાનક નીચે પડતા જોરદાર અવાજ આવ્યો હતો. જેને જોતાં રહીશોએ કાટમાળ નીચે ફસાયેલા લોકોને બચાવવા માટે સ્થાનિકોએ તાત્કાલિક દોડી આવી વડોદરા ફાયર બ્રિગેડને જાણ કરી હતી. કંટ્રોલ રૂમમાંથી મેસેજ મળતાની સાથે જ ફાયરની ટીમો ગણતરીની મિનિટોમાં જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
ફાયરની કામગીરીથી 2ના જીવ બચ્યા
ઘટના સ્થળે પહોંચી ફાયર વિભાગે ગણતરીની મિનિટોમાં રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરી દીધું હતું. રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન ફાયર જવાનોએ અત્યંત સાવચેતીપૂર્વક કામગીરી કરી કાટમાળ નીચે દબાઈ ગયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. કાટમાળ નીચે દબાયેલા બંને વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી, તેમ છતાં જવાનોએ ભારે જહેમત ઉઠાવી તેમને બહાર કાઢવામાં સફળતા મેળવી હતી. બહાર કાઢ્યા બાદ તુરંત જ 108 એમ્બ્યુલન્સ મારફતે બંને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલ (SSG) ખાતે ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર, હાલ બંનેની સારવાર ચાલી રહી છે અને તેમની સ્થિતિ પર તબીબોની ટીમ નજર રાખી રહી છે.
આ પણ વાંચો: સુરતના નિવૃત્ત PI જયરાજસિંહ ગઢવીના વિદાય સમારોહમાં ડાયરાની રંગત : માયાભાઈ આહીર-કીર્તિદાન ગઢવી-મૈથિલી ઠાકુર એક જ મંચ પર
ઘટના બાદ વહીવટી તંત્રની લોકોને ખાસ અપિલ
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વાડી પોલીસ મથકનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે આસપાસના વિસ્તારને કોર્ડન કરી લોકોની ભીડને કાબૂમાં લીધી હતી અને તપાસ શરૂ કરી હતી. પ્રાથમિક તપાસમાં મકાન ખૂબ જૂનું અને જર્જરિત હાલતમાં હોવાનું સામે આવ્યું છે. સદનસીબે, સમયસર રેસ્ક્યુ ઓપરેશન પાર પાડતા મોટી જાનહાનિ ટળી હતી. હાલમાં પોલીસે મકાન માલિકની પૂછપરછ અને મકાનની સ્થિતિ અંગે વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટના બાદ વહીવટી તંત્ર દ્વારા જૂના અને જર્જરિત મકાનોના રહેવાસીઓને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.





