Home Gujarat Aap Gujarat Farmers Mass Fast Gandhinagar July 5

'સરકાર ખેડૂતોને સાંભળતી નથી' : વીજપોલ મુદ્દે ખેડૂતોની લડતમાં AAPની એન્ટ્રી, ગાંધીનગરમાં 5 જુલાઈએ કરશે સામૂહિક ઉપવાસ

ગાંધીનગરમાં ખેડૂતોના પ્રશ્નોને લઈને સામૂહિક ઉપવાસની જાહેરાત કરતા AAPના નેતાઓ.
Published by: OBS Bureau
Last Updated: Jul 03, 2026, 11:27 AM IST

ગુજરાતમાં ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈને આમ આદમી પાર્ટી (AAP) ફરી એકવાર મેદાને ઉતરી છે. પાર્ટી દ્વારા આગામી 5 જુલાઈ, 2026ના રોજ ગાંધીનગર સ્થિત સત્યાગ્રહ છાવણી ખાતે સામૂહિક ઉપવાસનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં પાર્ટીના પ્રદેશ નેતૃત્વ, કિસાન સેલના હોદ્દેદારો, ખેડૂતોના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ભાગ લેશે. પાર્ટીનું કહેવું છે કે રાજ્યના ખેડૂતો વીજપોલ, ખેતીના વધતા ખર્ચ, કુદરતી આફતો અને પાકના યોગ્ય ભાવ જેવા અનેક પ્રશ્નોથી ઘેરાયેલા છે, પરંતુ સરકાર તરફથી અસરકારક કાર્યવાહી થતી નથી. આમ આદમી પાર્ટીના પ્રદેશ કિસાન સેલ પ્રમુખ પ્રવીણ રામે જણાવ્યું હતું કે ગુજરાતના ખેડૂતો હાલ અનેક મોરચે સંઘર્ષ કરી રહ્યા છે. ખાસ કરીને ખેડૂતોના ખેતરોમાં વીજપોલ ઉભા કરવાની પ્રક્રિયાને લઈને અનેક વિસ્તારોમાં વિરોધ થઈ રહ્યો છે. તેમના જણાવ્યા અનુસાર, રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ખેડૂતો લાંબા સમયથી લોકશાહી ઢબે પોતાના પ્રશ્નો માટે લડત ચલાવી રહ્યા છે, પરંતુ સરકાર ખેડૂતો સાથે સંવાદ સ્થાપિત કરવામાં પણ નિષ્ફળ રહી છે.

વીજપોલથી લઈને પાકના ભાવ સુધીના મુદ્દા રહેશે કેન્દ્રમાં

પ્રવીણ રામના જણાવ્યા મુજબ, વીજપોલનો મુદ્દો માત્ર એક વિસ્તાર પૂરતો મર્યાદિત નથી, પરંતુ સમગ્ર ગુજરાતના ખેડૂતો માટે ચિંતાનો વિષય બન્યો છે. તેમણે દાવો કર્યો કે દેવભૂમિ દ્વારકાના જેતપર વિસ્તારમાં ખેડૂતો ઘણા દિવસોથી આમરણ ઉપવાસ પર બેઠા છે, છતાં સરકાર તરફથી કોઈ સંતોષકારક ઉકેલ મળ્યો નથી.

તેમણે વધુમાં જણાવ્યું કે ચોમાસાની ઋતુ દરમિયાન ખેડૂતોને અનેક પ્રકારની અનિશ્ચિતતાઓનો સામનો કરવો પડે છે. ક્યાંક અતિવૃષ્ટિથી પાકને નુકસાન થાય છે તો ક્યાંક અનાવૃષ્ટિના કારણે ઉત્પાદન ઘટે છે. બિયારણ અને ખાતરની ઉપલબ્ધતા પણ ખેડૂતો માટે પડકારરૂપ બની રહી છે. બીજી તરફ જો પાકનું સારું ઉત્પાદન થાય તો પણ ખેડૂતોને યોગ્ય બજારભાવ ન મળતા આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

સરકાર પર ઉદાસીનતાનો આરોપ

આમ આદમી પાર્ટીએ રાજ્ય સરકાર પર ખેડૂતોના પ્રશ્નો પ્રત્યે ઉદાસીન રહેવાનો આરોપ લગાવ્યો છે. પ્રવીણ રામે જણાવ્યું કે ખેડૂતો દ્વારા વિવિધ પ્રકારના આંદોલનો કરવામાં આવ્યા, જ્યારે આમ આદમી પાર્ટીએ પણ અગાઉ કિસાન મહાપંચાયતનું આયોજન કરીને ખેડૂતોના પ્રશ્નોને વાચા આપી હતી. તેમ છતાં સરકાર દ્વારા ખેડૂતો સાથે ચર્ચા કરવા અથવા પ્રશ્નોના નિરાકરણ માટે અસરકારક બેઠક યોજવામાં આવી નથી.

પાર્ટીનું માનવું છે કે ખેડૂતોના પ્રશ્નોને લઈને સરકાર ગંભીરતા દાખવે તે જરૂરી છે. વીજપોલનો મુદ્દો હોય કે ખેતીના વધતા ખર્ચ, કુદરતી પરિસ્થિતિઓના કારણે થતું નુકસાન અથવા પાકના યોગ્ય ભાવનો પ્રશ્ન—આ તમામ મુદ્દાઓ પર તાત્કાલિક નિર્ણય લેવાની જરૂરિયાત છે.


સમગ્ર ગુજરાતના ખેડૂતોને જોડાવા અપીલ

AAPએ રાજ્યના તમામ ખેડૂતોને 5 જુલાઈએ ગાંધીનગર ખાતે યોજાનારા સામૂહિક ઉપવાસમાં જોડાવા માટે આમંત્રણ આપ્યું છે. પાર્ટીનું કહેવું છે કે આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ખેડૂતોના પ્રશ્નોને રાજ્ય સરકાર સુધી અસરકારક રીતે પહોંચાડવાનો છે અને લોકશાહી માધ્યમથી સરકારનું ધ્યાન ખેંચવાનો છે.પાર્ટીના જણાવ્યા મુજબ આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના તમામ પ્રદેશ નેતાઓ પણ ખેડૂતો સાથે સામૂહિક ઉપવાસ કરશે. પાર્ટીનો દાવો છે કે ખેડૂતોના પ્રશ્નોના યોગ્ય અને ઝડપી નિરાકરણ માટે આ કાર્યક્રમ મહત્વપૂર્ણ સાબિત થશે અને સરકાર પર જરૂરી દબાણ ઊભું કરશે.

રાજકીય રીતે પણ આ કાર્યક્રમ મહત્વનો માનવામાં આવી રહ્યો છે, કારણ કે ખેડૂતોના પ્રશ્નોને કેન્દ્રમાં રાખીને વિરોધ પક્ષ રાજ્ય સરકારને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યો છે. હવે સરકાર તરફથી આ મુદ્દે શું પ્રતિસાદ આવે છે અને ખેડૂતોના પ્રશ્નોના ઉકેલ માટે શું પગલાં લેવામાં આવે છે તેના પર સૌની નજર રહેશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now