Isudan Gadhvi Tribal Women Aid: ગુજરાતના આદિવાસી વિસ્તારોમાંથી રોજગારી માટે થતાં સ્થળાંતરના મુદ્દાને લઈને આમ આદમી પાર્ટીએ ફરી એકવાર રાજ્ય સરકારને ઘેરી છે. ડેડિયાપાડાની સરહદી વિસ્તારની મુલાકાતે પહોંચેલા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ મહારાષ્ટ્ર સરકારની 'લાડકી બહેન યોજના'નો ઉલ્લેખ કરીને ગુજરાત સરકારને સવાલ કર્યો કે જ્યારે સરહદની પેલે પાર રહેતી મહિલાઓને દર મહિને આર્થિક સહાય મળી શકે છે તો ગુજરાતની આદિવાસી મહિલાઓને આવી સુવિધાથી વંચિત કેમ રાખવામાં આવી રહી છે. ઇસુદાન ગઢવીએ જણાવ્યું કે, આર્થિક રીતે નબળા પરિવારોને ખાસ કરીને આદિવાસી સમાજની મહિલાઓને નિયમિત સહાય આપવામાં આવે તો રોજગારી માટે થતું મોટા પાયે સ્થળાંતર અટકાવી શકાય છે. તેમણે સરકારને આ મુદ્દે ગંભીરતાથી વિચાર કરવાની અપીલ કરી હતી.
ડેડિયાપાડાની સરહદ પરથી ઉઠાવ્યો સ્થળાંતરનો મુદ્દો
ડેડિયાપાડાના સરહદી વિસ્તારમાંથી સંબોધન કરતા ઇસુદાન ગઢવીએ કહ્યું કે તેઓ હાલ ગુજરાત અને મહારાષ્ટ્રની સરહદ પાસે ઉભા છે અને બંને રાજ્યોની પરિસ્થિતિ વચ્ચેનો તફાવત સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યો છે. તેમણે જણાવ્યું કે, મહારાષ્ટ્રમાં અમલમાં રહેલી યોજનાઓના કારણે મહિલાઓને દર મહિને રૂ.1,500 સુધીની આર્થિક સહાય મળે છે. એક જ પરિવારમાં બે કે ત્રણ મહિલાઓ હોય તો તેમને મળતી કુલ સહાય રૂ.4,000થી રૂ.4,500 સુધી પહોંચી જાય છે, જેના કારણે ઘણા પરિવારોને રોજગારી માટે અન્ય શહેરોમાં સ્થળાંતર કરવાની જરૂર પડતી નથી. તેમણે દાવો કર્યો કે,ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં આજે પણ મોટી સંખ્યામાં લોકો મજૂરી માટે અંકલેશ્વર, ભરૂચ અને અન્ય ઔદ્યોગિક વિસ્તારોમાં જવા મજબૂર બને છે.
'ચોમાસાના થોડા મહિના ગામમાં, બાકીના મહિના મજૂરી માટે બહાર'
ઇસુદાન ગઢવીએ જણાવ્યું કે આદિવાસી વિસ્તારોના અનેક પરિવારો વર્ષના માત્ર ત્રણથી ચાર મહિના પોતાના ગામમાં રહે છે, જ્યારે બાકીના આઠથી નવ મહિના રોજગારી માટે અન્ય જિલ્લાઓ કે શહેરોમાં જવું પડે છે. તેમના જણાવ્યા પ્રમાણે, જો મહિલાઓને દર મહિને નિશ્ચિત આર્થિક સહાય આપવામાં આવે તો પરિવારોની આવકમાં વધારો થશે અને સ્થળાંતરની સમસ્યા પર નોંધપાત્ર નિયંત્રણ મેળવી શકાશે. તેમણે કહ્યું કે મહારાષ્ટ્રમાં ભાજપ સરકાર દ્વારા અમલમાં મૂકાયેલી યોજનાઓના કારણે સ્થળાંતરમાં ઘટાડો જોવા મળ્યો છે અને આર્થિક રીતે નબળા પરિવારોને સીધો લાભ મળી રહ્યો છે.
પંજાબ મોડેલનો પણ કર્યો ઉલ્લેખ
આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખે પંજાબ સરકારની યોજનાઓનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે પંજાબમાં પણ મુખ્યમંત્રી ભગવંત માન અને અરવિંદ કેજરીવાલે ચૂંટણી દરમિયાન આપેલી ગેરંટી અનુસાર મહિલાઓને આર્થિક સહાય આપવાની શરૂઆત કરવામાં આવી છે. તેમણે દાવો કર્યો કે, પંજાબમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સમાજની મહિલાઓને દર મહિને રૂ.1,500 અને અન્ય વર્ગની મહિલાઓને રૂ.1,000ની સહાય આપવામાં આવી રહી છે. તાજેતરમાં જ ત્રણ મહિનાની સહાયની રકમ લાભાર્થીઓના ખાતામાં જમા કરવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું.
ગુજરાત સરકારને કરી અપીલ
ઇસુદાન ગઢવીએ ગુજરાત સરકારને વિનંતી કરતાં કહ્યું કે, રાજ્યની સરહદની એક બાજુ રહેતી મહિલાઓને આર્થિક સહાય મળે છે, જ્યારે બીજી બાજુ એટલે કે ગુજરાતમાં રહેતી મહિલાઓને આવી કોઈ સીધી સહાય ઉપલબ્ધ નથી. તેમણે રાજ્ય સરકારને અપીલ કરી કે ગુજરાતની મહિલાઓને પણ દર મહિને રૂ.1,500થી રૂ.2,000 સુધીની સહાય આપવાની યોજના પર વિચાર કરવામાં આવે જેથી આદિવાસી વિસ્તારોમાં સ્થળાંતરની સમસ્યા હળવી થઈ શકે.
'2027માં આપની સરકાર બનશે તો ગેરંટી પૂરી કરીશું'
ઇસુદાન ગઢવીએ આગામી વિધાનસભા ચૂંટણીનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, જો વર્ષ 2027માં ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર સત્તામાં આવશે તો મહિલાઓને આર્થિક સહાય આપવાની ગેરંટી અમલમાં મૂકવામાં આવશે. તેમણે દાવો કર્યો કે,એસસી-એસટી સમાજની મહિલાઓને રૂ.2,000 સુધીની સહાય અને અન્ય મહિલાઓને પણ નિશ્ચિત આર્થિક લાભ આપવાની યોજના અમલમાં મૂકવામાં આવશે. રાજ્ય સરકાર આ મુદ્દે સકારાત્મક અભિગમ અપનાવે અને આદિવાસી વિસ્તારોના લોકોના જીવનમાં પરિવર્તન લાવવા માટે મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવે તેવી અપેક્ષા પણ તેમણે વ્યક્ત કરી.






