અમદાવાદ શહેરની આર્થિક ગુના નિવારણ શાખા (EOW)એ મિનરલ વોટર પ્લાન્ટમાં રોકાણ કરાવી કરોડો રૂપિયાની છેતરપિંડી કરવાના આરોપસર ઉજાસ સંદીપભાઈ પરીખની ધરપકડ કરી છે. આરોપી સામે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ આરોપીએ આંતરરાષ્ટ્રીય કંપનીનું મશીન અપાવવાનું કહી રોકાણકાર પાસેથી રૂ. 1.55 કરોડથી વધુની રકમ મેળવી હતી, પરંતુ બાદમાં બોગસ ટેક્સ ઇન્વોઇસ અને ખોટા બેંક સ્ટેટમેન્ટ રજૂ કરીને વિશ્વાસઘાત કર્યો હતો.
આ કેસમાં ફરિયાદી પરેશભાઈ પ્રમુખભાઈ પટેલ, રહે. શેલા, અમદાવાદે આર્થિક ગુના નિવારણ શાખામાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ અનુસાર આરોપી સંદીપભાઈ ચંદ્રકાંતભાઈ પરીખ અને તેમના પુત્ર ઉજાસ સંદીપભાઈ પરીખે મિનરલ વોટરની ખાલી બોટલો બનાવવાના વ્યવસાયમાં રોકાણ કરવાથી સારો નફો મળશે તેવી ખાતરી આપી હતી.
આ પણ વાંચો: દક્ષિણ ગુજરાતમાં દે ધનાધન! : ઘરોમાં કમર સુધી પાણી; NDRF તૈનાત વલસાડ-નવસારીમાં પૂર જેવી સ્થિતિ; ગીર સોમનાથમાં બેટમાં ફેરવાયા ખેતરો
વિદેશી કંપનીનું મશીન અપાવવાનું કહી કરાવ્યું કરોડોનું રોકાણ
ફરિયાદ મુજબ ઉજાસ પરીખે ફરિયાદી અને તેમની પત્ની સોનલબેનને કે.કે. એન્ટરપ્રાઇઝના નામે નવી પેઢી શરૂ કરવાની અને વિશ્વપ્રસિદ્ધ 'સિડલ' કંપનીનું અંદાજે રૂ. 1.14 કરોડનું નવું PET બ્લોઇંગ મશીન ખરીદીને મિનરલ વોટરની ખાલી બોટલોના ઉત્પાદનનો વ્યવસાય શરૂ કરવાની યોજના રજૂ કરી હતી. આ પ્રસ્તાવ પર વિશ્વાસ રાખીને ફરિયાદીએ તબક્કાવાર કુલ રૂ. 1,55,00,394નું રોકાણ કર્યું હતું. આ રકમ આરોપી સાથે સંકળાયેલી 'યુનાઇટેડ સોર્સિંગ પાર્ટનર્સ' નામની પેઢીના ખાતામાં જમા કરવામાં આવી હતી.
બોગસ બિલ અને બેંક સ્ટેટમેન્ટનો આરોપ
પોલીસ તપાસ મુજબ ફરિયાદી પાસેથી નાણાં મેળવ્યા બાદ આરોપીએ સિડલ કંપની પાસેથી મશીન ખરીદવાના બદલે સ્થાનિક સ્તરનું મશીન ખરીદ્યું હોવાનો આરોપ છે. એટલું જ નહીં, સિડલ કંપનીને રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હોવાનું દર્શાવવા માટે ખોટું બેંક સ્ટેટમેન્ટ તૈયાર કરવામાં આવ્યું હતું. આરોપીએ સિડલ કંપનીનું બોગસ ટેક્સ ઇન્વોઇસ પણ રજૂ કર્યું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. ફરિયાદીને શરૂઆતમાં આ દસ્તાવેજો સાચા હોવાનું લાગ્યું હતું, પરંતુ બાદમાં ક્રોસ વેરિફિકેશન કરતાં સમગ્ર હકીકત સામે આવી હતી.
આ પણ વાંચો: ગોંડલમાં માતા-પિતાએ જ કરી 23 વર્ષીય પુત્રની હત્યા : સરકારી નોકરીની તૈયારી કરતા યુવકની હત્યાના કેસમાં ચોંકાવનારો ખુલાસો
પાંચ લાખ રૂપિયાની માંગ બાદ ખુલ્યો ભાંડો
ફરિયાદ મુજબ અમેરિકા જવા માટે ફરિયાદીએ પોતાના રોકાણમાંથી પાંચ લાખ રૂપિયા પરત માંગ્યા હતા. ત્યારે ઉજાસ પરીખે પોતાની પાસે કોઈ નાણાં ન હોવાનું જણાવ્યું હતું. આ જવાબથી ફરિયાદીને શંકા જતાં તેમણે દસ્તાવેજોની તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન બોગસ બિલ, ખોટા બેંક સ્ટેટમેન્ટ અને મશીન ખરીદી સંબંધિત ગેરરીતિઓ સામે આવતાં સમગ્ર કથિત કૌભાંડનો ભાંડો ફૂટ્યો હતો. ત્યારબાદ ફરિયાદીએ અમદાવાદ શહેરની આર્થિક ગુના નિવારણ શાખાનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી.
આરોપીની ધરપકડ, રિમાન્ડ મેળવવાની કાર્યવાહી
ફરિયાદના આધારે ડી.સી.બી. પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 316(5), 336(2), 338, 336(3), 340(2) અને 61(2) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે ઉજાસ સંદીપભાઈ પરીખની ધરપકડ કરી છે. તપાસ અધિકારીઓના જણાવ્યા મુજબ બોગસ ટેક્સ ઇન્વોઇસ, ખોટા બેંક સ્ટેટમેન્ટ અને અન્ય નાણાકીય વ્યવહારો અંગે વધુ પૂછપરછ કરવા માટે આરોપીના રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉપરાંત રોકાણની રકમનો ઉપયોગ ક્યાં કરવામાં આવ્યો, અન્ય કોઈ રોકાણકાર સાથે પણ આવી જ છેતરપિંડી થઈ છે કે નહીં અને સમગ્ર કૌભાંડમાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે.





