Home Gujarat Ahmedabad Ahmedabad History Sheeter Kalim Attacks Police Crime Branch Firing

અમદાવાદમાં હિસ્ટ્રીશીટર કલીમની ધરપકડ બાદ JCP પર જીવલેણ હુમલો : આત્મરક્ષામાં પોલીસે કર્યું ફાયરિંગ

breaking news
Play Video
Published by: Chintan Chavda
Last Updated: Jul 02, 2026, 01:37 PM IST

અમદાવાદમાં ક્રાઇમ બ્રાન્ચની કસ્ટડીમાં રહેલા હિસ્ટ્રીશીટર આરોપીએ પૂછપરછ દરમિયાન પોલીસ અધિકારીઓ પર જીવલેણ હુમલો કરતાં ચકચાર મચી ગઈ હતી. આત્મરક્ષામાં પોલીસે સર્વિસ રિવોલ્વરમાંથી ફાયરિંગ કરતાં આરોપીના પગમાં ગોળી વાગી હતી. ઘટના બાદ ઘાયલ પોલીસ અધિકારી અને આરોપી બંનેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

મળતી માહિતી મુજબ, અમદાવાદના ઇસાનપુર વિસ્તારનો હિસ્ટ્રીશીટર કલીમ ગેરકાયદેસર હથિયારો સાથે હોવાની ચોક્કસ બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચે તેની ધરપકડ કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર આરોપી પાસેથી કુલ ચાર ગેરકાયદેસર હથિયારો કબજે કરવામાં આવ્યા છે.

પૂછપરછ દરમિયાન અચાનક હુમલો

ધરપકડ બાદ આરોપીને વધુ પૂછપરછ માટે ક્રાઇમ બ્રાન્ચ કચેરીમાં લાવવામાં આવ્યો હતો. ત્યાં સંયુક્ત પોલીસ કમિશનર (ક્રાઇમ) અને પોલીસ ઇન્સ્પેક્ટર ઘાસુરા સહિતના અધિકારીઓ તેની પૂછપરછ કરી રહ્યા હતા. આ દરમિયાન આરોપી અચાનક ઉશ્કેરાઈ ગયો હતો અને તેણે પોતાની પાસે છુપાવેલી છરી કાઢીને સંયુક્ત પોલીસ કમિશનર પર જીવલેણ હુમલો કર્યો હોવાનું પોલીસનું કહેવું છે. હુમલામાં અધિકારીને ઈજા પહોંચી હતી, જેના કારણે ત્યાં હાજર પોલીસકર્મીઓમાં દોડધામ મચી ગઈ હતી.

આત્મરક્ષામાં સર્વિસ રિવોલ્વરમાંથી કરાયું ફાયરિંગ

પોલીસના જણાવ્યા અનુસાર પરિસ્થિતિ બેકાબૂ બનતા અને આત્મરક્ષા માટે સંયુક્ત પોલીસ કમિશનરે પોતાની સર્વિસ રિવોલ્વરમાંથી ફાયરિંગ કર્યું હતું. ગોળી આરોપી કલીમના પગમાં વાગતા તે ઘાયલ થયો હતો. ઘટના બાદ તરત જ ઘાયલ અધિકારી અને આરોપીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ બંનેની સારવાર ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે.

આરોપી સામે 30થી વધુ ગુનાઓ નોંધાયેલા

પોલીસના જણાવ્યા અનુસાર આરોપી કલીમ ઇસાનપુર વિસ્તારનો હિસ્ટ્રીશીટર છે અને તેના વિરુદ્ધ હત્યા, મારામારી, હથિયાર સંબંધિત ગુનાઓ સહિત 30થી વધુ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. તાજેતરમાં પણ તે ગેરકાયદેસર હથિયારો સાથે ઝડપાયો હતો.

સમગ્ર ઘટનાને લઈને ક્રાઇમ બ્રાન્ચે વધુ તપાસ શરૂ કરી છે. હુમલા દરમિયાન છરી આરોપી સુધી કેવી રીતે પહોંચી અને સુરક્ષા વ્યવસ્થામાં કોઈ ખામી રહી હતી કે નહીં તે મુદ્દે પણ તપાસ કરવામાં આવી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now