Home Gujarat Ahmedabad Nasirnagar Demolition Case Surat Municipal Engineers Suspended Gujarat High Court

"રાજ્ય સરકાર વધુ સક્રિય કેમ નથી" : નાસીરનગર ડિમોલિશન કેસમાં HC એ રાજ્ય અને પોલીસને પૂછ્યા આકરા સવાલ

નાસિરનગર ડિમોલિશન
Published by: Chintan Chavda
Last Updated: Jul 02, 2026, 11:08 AM IST

અમદાવાદ : સુરતના નાસીરનગર વિસ્તારમાં થયેલી વિવાદાસ્પદ ડિમોલિશન કાર્યવાહી મામલે ગુજરાત હાઇકોર્ટમાં ચાલી રહેલી સુનાવણી વચ્ચે સુરત મહાનગરપાલિકાએ મહત્વપૂર્ણ કાર્યવાહી કરી છે. કોર્પોરેશને વિશેષ તપાસ સમિતિના અહેવાલના આધારે પાંચ એન્જિનિયરોને સસ્પેન્ડ કરી તેમની સામે વિધિવત ખાતાકીય તપાસ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. બીજી તરફ, હાઇકોર્ટે સુનાવણી દરમિયાન સુરત મહાનગરપાલિકા, રાજ્ય સરકાર અને સુરત પોલીસની ભૂમિકાને લઈને અનેક ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા હતા.

સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન હેઠળ આવેલા નાસીરનગર વિસ્તારમાં 30 મે, 2026ના રોજ મિલકતોનું ડિમોલિશન કરવામાં આવ્યું હતું. આ કાર્યવાહી બાદ સ્થાનિક રહેવાસીઓએ ડિમોલિશનની કાયદેસરતા અને પ્રક્રિયા અંગે પ્રશ્નો ઉઠાવતા મામલો ગુજરાત હાઇકોર્ટ સુધી પહોંચ્યો હતો. વિવાદ બાદ મનપાએ ડેપ્યુટી કમિશનરના અધ્યક્ષસ્થાને વિશેષ તપાસ સમિતિની રચના કરી હતી.

સમિતિના અહેવાલ બાદ સુરત મહાનગરપાલિકાએ સુજલ પ્રજાપતિ, જયંગ રામજીવાલા, મોનિક ગઢીયા, અર્પણ પરમાર અને નરેશ ગલચર નામના પાંચ એન્જિનિયરોને સસ્પેન્ડ કર્યા છે. તેમના વિરુદ્ધ ખાતાકીય તપાસ શરૂ કરવાની પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નોંધનીય છે કે આ પાંચેય અધિકારીઓ સામે હાઇકોર્ટમાં પણ અરજી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો: હાઈકોર્ટની ફટકાર છતાં અધિકારીને મળ્યો સરકારનો શિરપાવ : નાસીરનગર ડિમોલિશન વિવાદમાં ઘેરાયેલાં DCP નકુમ સહિત 6ને IPSનું પ્રમોશન

હાઇકોર્ટે તપાસની સ્વતંત્રતા અને રાજ્યની ભૂમિકા અંગે વ્યક્ત કરી ચિંતા

સુનાવણી દરમિયાન ગુજરાત હાઇકોર્ટે મનપા દ્વારા ડેપ્યુટી કમિશનરના અધ્યક્ષસ્થાને રચાયેલી તપાસ સમિતિ અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા. કોર્ટે પૂછ્યું હતું કે, આટલા ગંભીર મામલે માત્ર સ્થાનિક સ્તરની તપાસ પૂરતી કેમ માનવામાં આવે છે અને રાજ્ય સરકાર વધુ સક્રિય કેમ નથી. કોર્ટે એવી ટિપ્પણી પણ કરી હતી કે તપાસ ઉચ્ચ સ્તરના અધિકારી દ્વારા થવી જોઈએ જેથી તેની વિશ્વસનીયતા જળવાઈ રહે.

કોર્ટે રાજ્ય સરકારને પૂછ્યું હતું કે આ સમગ્ર મામલે રાજ્યનું સ્પષ્ટ વલણ શું છે. તેના જવાબમાં સરકારી વકીલે રજૂઆત કરી હતી કે પોલીસ સિવાય રાજ્યની સીધી સંડોવણી નથી. તેના પર કોર્ટે સવાલ કર્યો હતો કે રાજ્યની પોતાના નાગરિકો પ્રત્યે જવાબદારી શું છે અને જો કોઈ કાર્યવાહી ગેરકાયદેસર હોવાનું જણાય તો રાજ્ય તેની સામે સ્પષ્ટ વલણ કેમ અપનાવતું નથી.

પોલીસની કામગીરી અંગે પણ કોર્ટે વ્યક્ત કરી નારાજગી

સુનાવણી દરમિયાન હાઇકોર્ટે ડિમોલિશન દરમિયાન પોલીસની કથિત હાજરી અને ત્યારબાદની કાર્યવાહી અંગે પણ સવાલો કર્યા હતા. કોર્ટે નોંધ્યું હતું કે ઘટનાને એક મહિનાથી વધુ સમય વીતી ગયો હોવા છતાં હજુ સુધી પોલીસ ફરિયાદ નોંધાઈ નથી અને માત્ર તપાસ ચાલી રહી હોવાનું જણાવવામાં આવે છે.


આ પણ વાંચો: સુરતના નિવૃત્ત PI જયરાજસિંહ ગઢવીના વિદાય સમારોહમાં ડાયરાની રંગત : માયાભાઈ આહીર-કીર્તિદાન ગઢવી-મૈથિલી ઠાકુર એક જ મંચ પર

કોર્ટે પૂછ્યું હતું કે જો કોઈનું ઘર તોડી પાડવામાં આવ્યું હોય તો શું તે સંજોગોમાં ફોજદારી ગુનાનો પ્રશ્ન ઊભો થતો નથી. કોર્ટે પોલીસની કાર્યવાહીની ગતિ અને ગંભીરતા અંગે પણ અસંતોષ વ્યક્ત કર્યો હતો.

પુનર્વસન અંગે યોજના રજૂ કરવા નિર્દેશ

સુનાવણી દરમિયાન કોર્ટે પ્રાથમિક દૃષ્ટિએ ડિમોલિશનની કાર્યવાહી અંગે ગંભીર અવલોકનો વ્યક્ત કર્યા હતા. કોર્ટે નોંધ્યું હતું કે અરજદારોને સીધા દબાણકર્તા તરીકે ગણાવવું યોગ્ય જણાતું નથી. સાથે જ અસરગ્રસ્ત પરિવારોને મૂળ સ્થળે અથવા અન્ય યોગ્ય સ્થળે વસાવવા માટે શું આયોજન છે તેની વિગતવાર યોજના રજૂ કરવા પણ સંબંધિત પક્ષોને જણાવ્યું હતું.

કોર્ટે વધુમાં એવી પણ ટિપ્પણી કરી હતી કે આવા પ્રકારની ઘટનાઓમાં સ્વતંત્ર અને ઉચ્ચસ્તરીય તપાસ જરૂરી બની જાય છે. કોર્ટે સૂચવ્યું હતું કે જો સ્થાનિક તંત્ર સામે જ પ્રશ્નો ઊભા થયા હોય તો તેની તપાસ પણ વધુ ઉચ્ચ અધિકારી દ્વારા થવી જોઈએ.

આ પણ વાંચો: વડોદરામાં 100 વર્ષ જૂનું મકાન અચાનક પત્તાના મહેલની જેમ ધરાશાયી : અકસ્માતમાં બે વ્યક્તિઓ કાટમાળ નીચે દટાયા

આગામી સુનાવણી પર રહેશે નજર

હાઇકોર્ટમાં કેસની સુનાવણી હજુ ચાલુ છે અને આ મામલે અંતિમ નિર્ણય આવ્યો નથી. સુરત મહાનગરપાલિકા દ્વારા શરૂ કરાયેલી ખાતાકીય તપાસ અને હાઇકોર્ટમાં ચાલી રહેલી ન્યાયિક પ્રક્રિયા બંનેના પરિણામો પર હવે સૌની નજર રહેશે. આગામી સુનાવણી દરમિયાન રાજ્ય સરકાર, સુરત મહાનગરપાલિકા અને પોલીસ તરફથી રજૂ થનારા જવાબો કેસની દિશા નક્કી કરવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now