ડેડીયાપાડામાં આમ આદમી પાર્ટીના નેતા અને ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં યોજાયેલા આદિવાસી મહાસંમેલનમાં વિસાવદરના આપ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ રાજ્ય સરકાર અને ભાજપ પર આકરા રાજકીય પ્રહારો કર્યા હતા. પોતાના સંબોધનમાં તેમણે ચૈતર વસાવાને થયેલી સજાના મુદ્દાને કેન્દ્રમાં રાખીને સરકારની કામગીરી પર સવાલો ઉઠાવ્યા અને આદિવાસી સમાજને લોકશાહી પદ્ધતિથી જવાબ આપવા અપીલ કરી હતી.
ગોપાલ ઇટાલિયાએ પોતાના ભાષણની શરૂઆતમાં ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાંથી ઉપસ્થિત આદિવાસી સમાજના આગેવાનો, યુવાનો અને વડીલોનું સ્વાગત કર્યું હતું. તેમણે કહ્યું કે મુશ્કેલ સમયમાં સમગ્ર આદિવાસી સમાજ એક થઈને ચૈતર વસાવાના સમર્થનમાં ઊભો રહ્યો છે, જે એકતાનું પ્રતિક છે.
"સરકારની અદાલતનો ચુકાદો અને જનતાની અદાલતનો નિર્ણય અલગ હોઈ શકે"
ભાષણ દરમિયાન ઇટાલિયાએ જણાવ્યું કે સરકાર દ્વારા સ્થાપિત અદાલતે ચૈતર વસાવાને સાત વર્ષની સજા ફટકારી છે, પરંતુ લોકશાહીમાં અંતિમ નિર્ણય જનતાના હાથમાં હોય છે. તેમણે કહ્યું કે સરકારની સંસ્થાઓ પોતાનું કામ કરે છે, પરંતુ જનતાની અદાલતમાં લોકો પોતાના મત દ્વારા નિર્ણય આપે છે.
તેમણે ઉપસ્થિત લોકોને સંબોધતા કહ્યું કે જો સરકારે ચૈતર વસાવાને સાત વર્ષની સજા આપી હોય તો જનતાએ મતદાન દ્વારા ભાજપને લાંબા સમય સુધી સત્તાથી દૂર રાખીને રાજકીય જવાબ આપવો જોઈએ. તેમણે આદિવાસી સમાજને આગામી ચૂંટણીમાં મતાધિકારનો ઉપયોગ કરીને પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવાની અપીલ કરી હતી.
આ પણ વાંચો: ડેડીયાપાડામાં ચૈતર વસાવાના સમર્થનમાં આદિવાસી સમાજની વિશાળ સભા : ગોપાલ ઇટાલિયા સહિત વિવિધ રાજ્યોમાંથી આગેવાનો જોડાયા
"ચૈતર વસાવા માત્ર વ્યક્તિ નહીં, આદિવાસી સમાજનો અવાજ"
ગોપાલ ઇટાલિયાએ દાવો કર્યો કે ચૈતર વસાવાએ આદિવાસી સમાજના જમીન, જંગલ અને અધિકારોના પ્રશ્નો સતત ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે વિવિધ વિકાસ પ્રોજેક્ટોના નામે આદિવાસીઓને વિસ્થાપિત કરવાની પ્રક્રિયા સામે ચૈતર વસાવાએ સતત અવાજ ઉઠાવ્યો હતો અને આ કારણે તેઓ સરકારના નિશાન પર આવ્યા હોવાનું તેમણે આક્ષેપ કર્યો.
તેમણે વધુમાં કહ્યું કે આદિવાસી સમાજમાંથી અનેક લોકો ધારાસભ્ય અને સાંસદ બન્યા, પરંતુ જમીન, શિક્ષણ, વિસ્થાપન અને સરકારી યોજનાઓના મુદ્દે જે રીતે ચૈતર વસાવાએ લડત આપી છે, તે રીતે બહુ ઓછા લોકોએ અવાજ ઉઠાવ્યો છે.
ભ્રષ્ટાચાર અને અન્ય કેસોના ઉદાહરણો આપી સરકાર પર નિશાન
ઇટાલિયાએ પોતાના ભાષણમાં કેટલાક ભ્રષ્ટાચાર અને ગંભીર ગુનાઓના આરોપોનો ઉલ્લેખ કરતાં સરકાર પર પસંદગીપૂર્વક કાર્યવાહી કરવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે આરોપ લગાવ્યો કે કરોડો રૂપિયાના કૌભાંડ અથવા ગંભીર આરોપોનો સામનો કરતા કેટલાક લોકો જાહેર જીવનમાં યથાવત્ છે, જ્યારે ચૈતર વસાવા સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે.
આ દરમિયાન તેમણે ધોરણ 7 માં આવતી કવિ ઝવેરચંદ મેઘાણીની જાણીતી પંક્તિનો ઉલ્લેખ કરતાં કહ્યું,"દેવળીએ દંડાય છે ચોર મુઠ્ઠી જારના ને લાખ ખાંડી લૂંટનારા મહેફિલે મંડાય છે" અને આ પંક્તિ દ્વારા વર્તમાન વ્યવસ્થાની ટીકા કરી હતી.
આ પણ વાંચો: ગાંધીનગરમાં 2,389 મહેસૂલી તલાટીઓને મળ્યા નિમણૂક પત્રો : CM ભૂપેન્દ્ર પટેલે લોન્ચ કરી Revenue વિભાગની બે નવી ડિજિટલ સેવાઓ
"અંતિમ જવાબ મતદાનના દિવસે આપવાનો"
ભાષણના અંતમાં ગોપાલ ઇટાલિયાએ કાર્યકરો અને આદિવાસી સમાજને સંયમ રાખવાની અપીલ કરી હતી. તેમણે જણાવ્યું કે લોકશાહીમાં સૌથી મોટું હથિયાર મત છે અને રાજકીય લડાઈનો યોગ્ય જવાબ મતદાનના દિવસે જ આપવો જોઈએ.
તેમણે કહ્યું કે ભાવનાત્મક સૂત્રોચ્ચાર અથવા આક્રોશ કરતાં વધુ મહત્વનું કામ ચૂંટણીમાં મતદાન કરીને લોકશાહી રીતે પોતાનો નિર્ણય વ્યક્ત કરવાનો છે. આ સાથે તેમણે આગામી ચૂંટણીમાં આદિવાસી સમાજને એકજૂટ રહીને પોતાના અધિકારો માટે મતદાન કરવાની અપીલ કરી.
ચૈતર વસાવાના સમર્થનમાં યોજાયેલા આ મહાસંમેલનમાં ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાંથી પણ મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ચૈતર વસાવાના સમર્થનમાં સૂત્રોચ્ચાર થયા હતા અને વિવિધ વક્તાઓએ તેમના પક્ષમાં પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.






