Home Gujarat Surat Nasirnagar Demolition Dcp Rajdeepsinh Nakum Ips Promotion 6 Police Officers Promoted

હાઈકોર્ટની ફટકાર છતાં અધિકારીને મળ્યો સરકારનો શિરપાવ : નાસીરનગર ડિમોલિશન વિવાદમાં ઘેરાયેલાં DCP નકુમ સહિત 6ને IPSનું પ્રમોશન

Nasirnagar Demolition DCP Nakum IPS Promotion
Published by: Nirali Gohil
Last Updated: Jul 02, 2026, 10:17 AM IST

Nasirnagar Demolition DCP Nakum IPS Promotion: ગુજરાત પોલીસ વિભાગમાં મહત્વપૂર્ણ વહીવટી ફેરફારો વચ્ચે કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયે ગુજરાત પોલીસ સેવાના છ અધિકારીઓને ભારતીય પોલીસ સેવા (IPS) કેડરમાં બઢતી આપવાનો નિર્ણય કર્યો છે. જોકે આ નિર્ણયમાં સૌથી વધુ ચર્ચાનું કેન્દ્ર બન્યા છે સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)ના ડીસીપી રાજદીપસિંહ નકુમ, જેમનું નામ થોડા સમય પહેલાં નાસીરનગર ડિમોલિશન વિવાદમાં સામે આવ્યું હતું. ખાસ વાત એ છે કે, સુરતના નાસીરનગરમાં થયેલા વિવાદાસ્પદ ડિમોલિશન મામલે ગુજરાત હાઇકોર્ટે 25 જૂનની સુનાવણી દરમિયાન ડીસીપી નકુમની હાજરી અંગે અનેક સવાલો ઉઠાવ્યા હતા. તે ઘટનાના માત્ર સાત દિવસની અંદર જ કેન્દ્ર સરકાર દ્વારા તેમને IPS કેડરમાં પ્રમોશન આપવામાં આવતા હવે રાજકીય અને સામાજિક વર્તુળોમાં ચર્ચા તેજ બની છે.

કેન્દ્ર સરકારે ગુજરાતના 6 અધિકારીઓને IPS કેડરમાં આપી બઢતી

કેન્દ્રીય ગૃહ મંત્રાલય (MHA) દ્વારા જાહેર કરાયેલી સત્તાવાર સૂચના મુજબ સિલેક્ટ લિસ્ટ-2025 હેઠળ ગુજરાત પોલીસ સેવાના છ અધિકારીઓને પ્રમોશન આધારે IPS કેડરમાં સામેલ કરવામાં આવ્યા છે.

બઢતી મેળવનાર અધિકારીઓમાં નીચેના નામો સામેલ છે:

  • રાજદીપસિંહ એન. નકુમ

  • ભરતકુમાર બી. રાઠોડ

  • પ્રફુલ વી. વાણિયા

  • રાજેશકુમાર ટી. પરમાર

  • કલ્પેશકુમાર એમ. ચાવડા

  • રાકેશ ડી. દેસાઈ

આ તમામ અધિકારીઓને એક વર્ષ માટે પ્રોબેશન પર નિયુક્ત કરવામાં આવશે અને ત્યારબાદ નિર્ધારિત ઇન્ડક્શન ટ્રેનિંગ પૂર્ણ કરવાની રહેશે.

હાલ કયા અધિકારી ક્યાં ફરજ બજાવે છે?

હાલમાં રાજદીપસિંહ નકુમ સુરત SOGમાં ડીસીપી તરીકે ફરજ બજાવી રહ્યા છે. ભરતકુમાર રાઠોડ અમદાવાદ શહેરમાં ઝોન-2ના ડીસીપી તરીકે કાર્યરત છે, જ્યારે રાકેશ દેસાઈ રાજકોટ શહેર પોલીસમાં ઝોન-2ના ડીસીપી તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે. કલ્પેશ ચાવડા હાલમાં એસઆરપી ગ્રુપ ગોંડલ ખાતે ફરજ પર છે. અન્ય અધિકારીઓ પણ ગુજરાત પોલીસમાં મહત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળી રહ્યા છે.

આ પણ વાંચો: ઘર તૂટ્યાં પછી હવે મળી રાહત! : હાઈકોર્ટની ફટકાર બાદ નાસિરનગરના અસરગ્રસ્ત પરિવારો માટે SMCનો મોટો નિર્ણય

નાસીરનગર ડિમોલિશન કેસમાં હાઇકોર્ટના વેધક સવાલો

નાસીરનગર ડિમોલિશન કેસ છેલ્લા કેટલાક અઠવાડિયાથી રાજ્યભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. અરજદારોનો આરોપ છે કે સુરતના નાસીરનગર વિસ્તારમાં 30 મેના રોજ કોઈ પૂર્વ નોટિસ, રજૂઆતનો અવસર કે યોગ્ય કાનૂની પ્રક્રિયા વિના 150થી વધુ મકાનો તોડી પાડવામાં આવ્યા હતા. ગુજરાત હાઇકોર્ટમાં 25 જૂનના રોજ યોજાયેલી સુનાવણી દરમિયાન કોર્ટે અનેક ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા હતા. કોર્ટે પૂછ્યું હતું કે જો ડિમોલિશનની કાર્યવાહી સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી ન હોય તો સ્થળ પર હાજર કર્મચારીઓ શું કરી રહ્યા હતા? પોલીસ અધિકારીઓની ભૂમિકા શું હતી? તેમજ અરજદારો દ્વારા રજૂ કરાયેલા આક્ષેપોનો આધાર શું છે? સુનાવણી દરમિયાન અરજદારો તરફથી જણાવાયું હતું કે સુરત SOGના ડીસીપી રાજદીપસિંહ નકુમ સ્થળ પર હાજર હતા. આ મુદ્દે પણ કોર્ટે સ્પષ્ટતા માગી હતી.

હાઇકોર્ટના સવાલો વચ્ચે મળેલી બઢતી ચર્ચામાં

ડિમોલિશન કેસમાં હાઇકોર્ટ દ્વારા ઉઠાવવામાં આવેલા સવાલો અને ત્યારબાદના માત્ર સાત દિવસમાં મળેલી IPS બઢતીને લઈને અનેક વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ છે. વિરોધ પક્ષ અને સામાજિક કાર્યકરોનો પ્રશ્ન છે કે જ્યારે કોઈ અધિકારીની ભૂમિકા અંગે ન્યાયપાલિકા પ્રશ્નો ઉઠાવી રહી હોય ત્યારે તેમને તાત્કાલિક પ્રમોશન આપવાના નિર્ણય પાછળના કારણો શું છે. બીજી તરફ વહીવટી સૂત્રોનું કહેવું છે કે IPS પ્રમોશનની પ્રક્રિયા લાંબા સમયથી ચાલતી હોય છે અને તે પસંદગી યાદી તથા સેવાની વરિષ્ઠતા સહિતના માપદંડોના આધારે કરવામાં આવે છે.

ચૂંટણી દરમિયાન પણ વિવાદોમાં રહ્યું હતું SOGનું નામ

રાજદીપસિંહ નકુમનું નામ અગાઉ સુરત મહાનગરપાલિકાની ચૂંટણી દરમિયાન પણ ચર્ચામાં આવ્યું હતું. તે સમયે કોંગ્રેસ દ્વારા કેટલાક પોલીસ અધિકારીઓ સામે સત્તાના દુરુપયોગ અને પક્ષપાતી વલણના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન SOGના અધિકારીઓની ભૂમિકા અંગે પણ રાજકીય વિવાદ સર્જાયો હતો, જોકે આ મામલે કોઈ સત્તાવાર દોષારોપણ નોંધાયું નહોતું.

આ પણ વાંચો: “જ્યુડિશિયલ મેટર પર ટિપ્પણી કરવી યોગ્ય નથી” : સુરતના 'ભૂતિયા' ડિમોલિશન વિવાદ પર ધારાસભ્ય અરવિંદ રાણાનું નિવેદન

કોંગ્રેસના નેતાઓએ પણ ઉઠાવ્યા સવાલો

સુરત કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાલાએ તાજેતરમાં નકુમ સામે કડક નિવેદન આપતાં ડિમોલિશન કાર્યવાહી અંગે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે આક્ષેપ કર્યો હતો કે નાસીરનગરમાં ગરીબ પરિવારોને ઘરવિહોણા બનાવવામાં આવ્યા છે અને સમગ્ર કાર્યવાહી અંગે સ્વતંત્ર તપાસ થવી જોઈએ. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે SOG દ્વારા જાહેર કરાયેલા કેટલાક આરોપીઓ તે વિસ્તારમાં રહેતા જ નહોતા, જેના કારણે સમગ્ર ઘટનાક્રમ અંગે વધુ પ્રશ્નો ઊભા થયા છે.

એક તરફ હાઇકોર્ટના સવાલો, બીજી તરફ IPS કેડરમાં એન્ટ્રી

રાજદીપસિંહ નકુમને મળેલી બઢતી હવે માત્ર વહીવટી નિર્ણય પૂરતી મર્યાદિત રહી નથી, પરંતુ તે જાહેર ચર્ચાનો વિષય બની ગઈ છે. એક તરફ હાઇકોર્ટ નાસીરનગર ડિમોલિશન મામલે વેધક સવાલો પૂછે છે તો, બીજી તરફ કેન્દ્ર સરકાર દ્વારા IPS કેડરમાં તેમની પસંદગી કરવામાં આવી છે. આ સમગ્ર ઘટનાક્રમ આગામી દિવસોમાં વધુ ચર્ચાનું કેન્દ્ર બની શકે છે, ખાસ કરીને નાસીરનગર કેસની આગામી સુનાવણીઓ દરમિયાન.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now