સુરત: શહેરના સચિન પાલીગામ વિસ્તારમાં આવેલા વિરાજ કોમ્પલેક્ષમાં મોડી રાત્રે અચાનક ગેલેરીનો અંદાજે 40 મીટર લાંબો ભાગ ધડાકાભેર તૂટી પડતાં વિસ્તારમાં ભારે દોડધામ મચી ગઈ હતી. સદનસીબે ઘટના સમયે ગેલેરી પર કોઈ હાજર ન હોવાથી જાનહાનિ થઈ નથી, જેના કારણે મોટી દુર્ઘટના ટળી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે.
ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો મોટી સંખ્યામાં સ્થળ પર દોડી આવ્યા હતા. ગેલેરીનો મોટો ભાગ ધરાશાયી થતાં કોમ્પલેક્ષમાં રહેતા પરિવારોમાં ભયનો માહોલ ફેલાયો છે. રહેવાસીઓએ ઇમારતની સુરક્ષા અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે અને તાત્કાલિક વૈકલ્પિક રહેવાની વ્યવસ્થા તેમજ તંત્ર દ્વારા યોગ્ય પગલાં ભરવાની માંગ કરી છે.
આ પણ વાંચો: ચોમાસામાં ફરી સામે આવ્યો જર્જરિત મકાનોનો ખતરો : સુરતના પાંડેસરામાં પહેલા જ વરસાદે મકાનની ગેલેરી ધરાશાયી
વર્ષ 2014માં બનેલા કોમ્પલેક્ષની ગુણવત્તા સામે સવાલ
પ્રાથમિક માહિતી મુજબ વિરાજ કોમ્પલેક્ષનું નિર્માણ વર્ષ 2014માં થયું હતું. માત્ર એક દાયકાથી થોડા વધુ સમયગાળામાં જ ગેલેરીનો આટલો મોટો ભાગ તૂટી પડતાં બાંધકામની ગુણવત્તા અને જાળવણી અંગે અનેક સવાલો ઊભા થયા છે. ઘટનાના ચોક્કસ કારણો અંગે હજુ સુધી સત્તાવાર માહિતી સામે આવી નથી, પરંતુ સંબંધિત વિભાગ દ્વારા ટેક્નિકલ તપાસ હાથ ધરાય તેવી શક્યતા છે.
કોમ્પલેક્ષમાં વસતા અનેક મધ્યમવર્ગીય પરિવારો હાલ અસુરક્ષાની લાગણી અનુભવી રહ્યા છે. રહેવાસીઓનું કહેવું છે કે સમગ્ર ઇમારતનું સ્ટ્રક્ચરલ ઓડિટ કરાવી સુરક્ષા અંગે સ્પષ્ટતા કરવામાં આવે અને જરૂર પડે તો વૈકલ્પિક રહેઠાણની વ્યવસ્થા પણ કરવામાં આવે.
આ પણ વાંચો: ભરૂચમાં પહેલા જ વરસાદે ઉજાડી દીધો આખો પરિવાર : મોલની દીવાલ ધરાશાયી થતાં પિતા-પુત્રના મોત
ત્રણ દિવસમાં ત્રીજી ઘટના, તંત્ર સામે ઉઠ્યા સવાલ
છેલ્લા ત્રણ દિવસ દરમિયાન શહેરમાં જર્જરીત ઇમારતોના ભાગ તૂટી પડવાની આ ત્રીજી ઘટના હોવાનું સામે આવતાં પાલિકા તંત્રની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે. સ્થાનિકોનું કહેવું છે કે જોખમી ઇમારતોની સમયસર ઓળખ, સર્વે અને જરૂરી કાર્યવાહી કરવામાં આવી હોત તો આવી ઘટનાઓ ટાળી શકાત.
ઘટના બાદ વિસ્તારમાં ભારે રોષ જોવા મળ્યો હતો. રહેવાસીઓએ પાલિકા દ્વારા શહેરની જૂની અને જોખમી ઇમારતોનું તાત્કાલિક સર્વેક્ષણ કરાવી જરૂરી મરામત અથવા સુરક્ષાત્મક પગલાં લેવા માંગ કરી છે, જેથી ભવિષ્યમાં કોઈ મોટી જાનહાનિ ન સર્જાય.
હાલ સમગ્ર મામલે સંબંધિત તંત્ર દ્વારા તપાસની કાર્યવાહી શરૂ કરવામાં આવી રહી છે. ગેલેરી તૂટી પડવાનું ચોક્કસ કારણ શું હતું, ઇમારતની હાલની સ્થિતિ કેટલી સુરક્ષિત છે અને આગળ શું કાર્યવાહી થશે તેના પર સ્થાનિકો તેમજ શહેરવાસીઓની નજર મંડાઈ છે.






