જુનાગઢ: શહેરના ઓઘડનગર વિસ્તારમાં ગટર અને રસ્તાની કામગીરીને લઈને ફરી એકવાર સવાલો ઊભા થયા છે. વરસાદી પાણી ભરાવાને કારણે રસ્તા પર પડેલા ખાડા દેખાયા નહોતા અને તેના પરિણામે એક જ સ્થળે ચાર અલગ-અલગ અકસ્માત સર્જાયા હોવાનું સામે આવ્યું છે. સમગ્ર ઘટનાના સીસીટીવી દૃશ્યો પણ પ્રકાશમાં આવ્યા છે, જેને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, વરસાદ બાદ રસ્તા પર પાણી ભરાઈ જતાં વાહનચાલકો અને રાહદારીઓને રસ્તાની વાસ્તવિક સ્થિતિનો અંદાજ આવ્યો નહોતો. જેના કારણે એક પછી એક લોકો ખાડામાં ખાબક્યા હતા. સદનસીબે આ ઘટનાઓમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ અકસ્માતોને કારણે લોકોમાં ભય અને અસંતોષનું વાતાવરણ સર્જાયું છે.
ગટર અને રસ્તાની કામગીરી સામે ઉઠ્યા સવાલ
સ્થાનિકોનો આક્ષેપ છે કે ગટર અને રસ્તાની કામગીરી યોગ્ય ગુણવત્તા સાથે કરવામાં આવી નથી. વરસાદ પડતાં જ રસ્તાની ખામીઓ બહાર આવી ગઈ છે. તેમનું કહેવું છે કે જો સમયસર યોગ્ય સમારકામ અને દેખરેખ રાખવામાં આવી હોત તો આવા અકસ્માતો ટાળી શકાયા હોત. રહેવાસીઓએ મહાનગરપાલિકા સામે પણ નારાજગી વ્યક્ત કરી છે. તેમનું કહેવું છે કે વારંવાર રજૂઆતો છતાં રસ્તાની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી. વરસાદી મોસમ દરમિયાન આવી સ્થિતિ વાહનચાલકો માટે ગંભીર જોખમ ઊભું કરી રહી છે.
આ પણ વાંચો: જૂનાગઢમાં રસ્તાનો ખાડો બન્યો મોતનો ખાડો? : બાઈકચાલક પટકાયો, CCTV આવ્યા સામે
CCTV માં કેદ થઈ સમગ્ર ઘટના
એક જ સ્થળે સર્જાયેલા ચારેય અકસ્માત નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થયા હોવાનું સામે આવ્યું છે. વીડિયોમાં વરસાદી પાણીથી ભરાયેલા રસ્તા પરથી પસાર થતાં વાહનો અચાનક ખાડામાં ખાબકતા જોવા મળે છે. આ દૃશ્યો સોશિયલ મીડિયામાં પણ ચર્ચાનો વિષય બન્યા છે.
સ્થાનિકોએ તાત્કાલિક રસ્તાનું સમારકામ કરવા, જોખમી સ્થળોએ ચેતવણીના બોર્ડ મૂકવા તેમજ સમગ્ર વિસ્તારના રસ્તાઓનું સર્વેક્ષણ કરીને જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. બીજી તરફ, સમગ્ર મામલે મહાનગરપાલિકાની સત્તાવાર પ્રતિક્રિયાની રાહ જોવામાં આવી રહી છે.






