Home Agriculture Pal Ambaliya Reaction On Jitu Vaghani Power Lines

"જો તમે ખેડૂતો સાથે રાજકારણ ન કરતા હોવ તો..." : કૃષિ મંત્રી જીતુ વાઘાણીના નિવેદન પર પાલ આંબલિયાનો વળતો પ્રહાર

પાલ આંબલિયા
Published by: Chintan Chavda
Last Updated: Jul 02, 2026, 07:47 AM IST

ગુજરાતમાં વીજ લાઈનોના મુદ્દે રાજકીય નિવેદનોનો દોર યથાવત્ છે. કૃષિ મંત્રી જીતુ વાઘાણીના નિવેદન બાદ કિસાન કોંગ્રેસના નેતા પાલ આંબલિયાએ મીડિયા સમક્ષ પોતાની પ્રતિક્રિયા આપી હતી.

પાલ આંબલિયાએ કહ્યું, "ગઈકાલે રાજ્ય સરકારના પ્રવક્તા અને કૃષિ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીને વીજલાઈનો બાબતે જ્યારે પત્રકારોએ પ્રશ્ન પૂછ્યો ત્યારે એણે એવું કહ્યું કે ખેડૂતો અમારા માટે રાજનીતિ નથી, એ વિપક્ષ માટે કદાચ હશે. ત્યારે મારે જીતુભાઈને કહેવું છે કે જીતુભાઈ વિપક્ષનું તો કામ જ આ છે કે જે લોકોના પ્રાણ પ્રશ્નો છે એને ઉપાડી અને સરકાર સમક્ષ મૂકવા અને આ જ સાચી રાજનીતિ છે અને વિપક્ષ તરીકે આ રાજનીતિ કરવી પણ જોઈએ. પણ સરકાર તરીકે તમે શું કામ કરો છો જીતુભાઈ?"

નીતિ અંગે ઉઠાવ્યા સવાલ

આગળ તેમણે કહ્યું, "આ પ્રશ્ન ડિસેમ્બર 2025માં વાંઢિયાથી સતત ચાલે છે. તમારી ભગિની સંસ્થાએ 12 માર્ચે 'ચલો ગાંધીનગર'નો નારો આપ્યો હતો ત્યારે તમારી સરકારના ઊર્જા મંત્રીએ કહ્યું હતું કે ટૂંક જ સમયમાં આમાં પોલિસી બનાવીશું. માર્ચ મહિનાથી લઈને હજુ સુધી સરકાર એમ કહે છે કે પોલિસી બનાવીશું, પોલિસી બનાવીશું, લાંબા ગાળાની પોલિસી બનાવીશું. જીતુભાઈ, જે કાયદાઓ બને એ લાંબા ગાળાના જ હોય. મંત્રી તરીકે આપને આટલી પણ ખબર નથી, એમાં કહેવાની જરૂર ન હોય. તમે લાંબા ગાળાની વાત કરીને આ મુદ્દાને લંબાવતા જાવ છો."

આ પણ વાંચો: ગુજરાતવાસીઓ તૈયાર રહેજો! : અંબાલાલ પટેલે આગામી 72 કલાક માટે કરી મોટી આગાહી, ખેડૂતો માટે પણ ખુશખબર

વીજ લાઈનોના કામ અંગે કરી માંગ

પાલ આંબલિયાએ વધુમાં જણાવ્યું, "જો તમે ખેડૂતો સાથે રાજકારણ ન કરતા હોવ તો આખા ગુજરાતમાં વીજલાઈનોનું કામ, જેટકો એટલે કે સરકારી કંપનીથી લઈને અદાણી-અંબાણી સુધી તમામ કંપનીઓના વીજલાઈનોના જે થાંભલા ખોડવાના કામ છે, તાર ખેંચવાના કામ છે, જ્યાં સુધી આ સરકાર લાંબા ગાળાની પોલિસી તૈયાર ન કરે ત્યાં સુધી એક પણ વીજ કંપની ખેડૂતના ખેતરમાં પ્રવેશ કરશે નહીં એવો આદેશ આપો. જો તમે ખેડૂતો સાથે રાજકારણ ન કરતા હોવ તો આદેશ અપાવો, નહીં તો બહુ સ્પષ્ટ થાય છે કે તમે અદાણી-અંબાણીના ઈશારે સંપૂર્ણ ખેડૂતો સાથે રાજકારણ કરો છો, ખેડૂતોની પીઠમાં ખંજર ભોંકો છો અને ખેડૂતોને ક્યાંક ને ક્યાંક મૂર્ખ બનાવો છો. આ સાબિત થાય છે."

વીજ લાઈનોના મુદ્દે રાજ્ય સરકાર તરફથી અગાઉ આપવામાં આવેલા નિવેદનો બાદ હવે પાલ આંબલિયાની આ પ્રતિક્રિયાને લઈને રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ છે. જોકે, આ નિવેદન અંગે સરકાર તરફથી કોઈ નવી સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now