સુરતના નાસિરનગર ડિમોલિશન વિવાદને આજે 21 દિવસ પૂર્ણ થયા હોવા છતાં સમગ્ર મામલો હજુ ચર્ચાના કેન્દ્રમાં છે. સ્થાનિક રહીશો દ્વારા મહાનગરપાલિકાની કાર્યવાહી સામે ગંભીર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે, ત્યારે આ મુદ્દે ધારાસભ્ય અરવિંદ રાણાએ જણાવ્યું છે કે સમગ્ર મામલો હાલ હાઈકોર્ટમાં વિચારાધીન હોવાથી કોર્ટનો નિર્ણય જ અંતિમ રહેશે.
ધારાસભ્ય અરવિંદ રાણાએ મીડિયા સાથેની વાતચીત દરમિયાન સ્પષ્ટ કર્યું હતું કે જ્યારે કોઈ મુદ્દો ન્યાયપાલિકાના વિચારાધીન હોય ત્યારે તેના પર જાહેર ચર્ચા કરવી યોગ્ય નથી. તેમણે કહ્યું કે હાઈકોર્ટ જે નિર્ણય આપશે તે તમામ પક્ષો માટે માન્ય રહેશે અને કાયદાકીય પ્રક્રિયા મુજબ દરેકને ન્યાય મળશે.
આ પણ વાંચો: અમદાવાદમાં AMCની પ્રિમોનસૂન કામગીરી ગઈ પાણીમાં! : સામાન્ય વરસાદમાં જ SG હાઈવે પર પાણી ભરાયા, અકસ્માતનો ખતરો વધ્યો
“જ્યુડિશિયલ મેટર પર ટિપ્પણી કરવી યોગ્ય નથી”
નાસિરનગર મુદ્દે અધિકારીઓ તરફથી સ્પષ્ટતા ન મળતી હોવા અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં અરવિંદ રાણાએ જણાવ્યું હતું કે આ મામલો હાઈકોર્ટમાં હોવાથી તેના પર કોઈ ટિપ્પણી કરવી યોગ્ય નથી. તેમણે કહ્યું કે જ્યુડિશિયલ પ્રક્રિયા ચાલી રહી હોય ત્યારે જાહેર મંચ પર ચર્ચા કરવાથી કોઈ અર્થ રહેતો નથી.
પત્રકાર દ્વારા મહાનગરપાલિકા દ્વારા રચાયેલી કમિટી અને તેના રિપોર્ટ અંગે સવાલ પૂછવામાં આવતા તેમણે કહ્યું કે કમિટીની કામગીરી પણ હાઈકોર્ટની પ્રક્રિયા સાથે સંકળાયેલી છે અને અંતિમ નિર્ણય કોર્ટના આદેશના આધારે જ આગળ વધશે.
સ્થાનિકોના ગંભીર આક્ષેપો યથાવત્
નાસિરનગર ડિમોલિશનને લઈને સ્થાનિક રહીશો સતત અનેક ગંભીર આક્ષેપો કરી રહ્યા છે. રહીશોના જણાવ્યા મુજબ યોગ્ય નોટિસ આપ્યા વિના ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેના કારણે અનેક પરિવારો ઘરવિહોણા બન્યા છે. કેટલાક સ્થાનિકોએ તો બિલ્ડરના ઈશારે કાર્યવાહી કરવામાં આવી હોવાનો પણ આરોપ લગાવ્યો છે.
જોકે, આ ગંભીર આક્ષેપો અંગે ધારાસભ્ય અરવિંદ રાણાએ કોઈ સીધી પ્રતિક્રિયા આપી નહોતી. બિલ્ડરના ઈશારે ડિમોલિશન થયું હોવાના પ્રશ્નના જવાબમાં તેમણે માત્ર એટલું જ કહ્યું હતું કે જે મુદ્દો ન્યાયપાલિકાના વિચારાધીન હોય તેમાં તેઓ કોઈ પ્રતિક્રિયા આપી શકતા નથી.
આ પણ વાંચો: વડોદરામાં ટ્રાફિક પોલીસની દાદાગીરી! : PSI એ કાર માલિકને લાફો ઝીંકી દીધો, સામે આવ્યો Video
“દરેકને ન્યાય મળશે”
ડિમોલિશનથી પ્રભાવિત પરિવારોને ન્યાય મળશે કે મહાનગરપાલિકાને, તે અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં ધારાસભ્યએ જણાવ્યું હતું કે ન્યાયપાલિકાની પ્રક્રિયા એવી છે કે દરેક પક્ષને કાયદા અને બંધારણની જોગવાઈઓ અનુસાર ન્યાય મળે.
તેમણે સ્વીકાર્યું હતું કે અસરગ્રસ્ત લોકોની સ્થિતિ ગંભીર છે અને આ કારણે જ ન્યાય માટે અદાલતનો દરવાજો ખટખટાવવામાં આવ્યો છે. હવે ન્યાયપાલિકા જે નિર્ણય કરશે તે તમામ પક્ષો માટે સ્વીકાર્ય રહેશે.
અધિકારીઓની ચુપ્પીથી વધ્યા સવાલ
વિવાદને ત્રણ સપ્તાહ પૂર્ણ થવા છતાં મહાનગરપાલિકાના કેટલાક જવાબદાર અધિકારીઓ હજુ પણ મીડિયા સામે ખુલાસો કરવાનું ટાળી રહ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ખાસ કરીને સેન્ટ્રલ ઝોનના વડા આશિષ નાયક દ્વારા હજુ સુધી જાહેરમાં સ્પષ્ટ નિવેદન ન આપતાં અનેક સવાલો ઉભા થયા છે.
આ પણ વાંચો: રસ્તાના 'ખાડામાં' AMC ના દાવા! : ડેડલાઇન ફેલ, તંત્રએ આપી નવી તારીખ
સ્થાનિકો અને સામાજિક સંગઠનો દ્વારા પણ સમગ્ર ઘટનાક્રમ અંગે પારદર્શક તપાસ અને જવાબદારી નક્કી કરવાની માંગ ઉઠાવવામાં આવી રહી છે. બીજી તરફ મહાનગરપાલિકાની કાર્યવાહી કાયદેસર હતી કે નહીં અને રહીશોના આક્ષેપોમાં કેટલું તથ્ય છે તે અંગે હવે સૌની નજર હાઈકોર્ટની કાર્યવાહી પર ટકેલી છે.
હાઈકોર્ટના નિર્ણયની રાહ
નાસિરનગર ડિમોલિશન વિવાદ હવે સંપૂર્ણપણે કાયદાકીય અને ન્યાયિક પ્રક્રિયાના તબક્કામાં પહોંચી ગયો છે. રાજકીય નિવેદનો અને સ્થાનિકોના આક્ષેપો વચ્ચે હાઈકોર્ટનો નિર્ણય સમગ્ર મામલામાં મહત્વપૂર્ણ સાબિત થવાનો છે.
આગામી દિવસોમાં અદાલતમાં થનારી સુનાવણી અને તેના આધારે આવનારા આદેશો નાસિરનગરના અસરગ્રસ્ત રહીશો, મહાનગરપાલિકા અને અન્ય સંબંધિત પક્ષો માટે નિર્ણાયક બની શકે છે.





