Home Gujarat Palanpur Angadia Theft Case Solved Three Arrested

પાલનપુરમાં 6 આંગડિયા પેઢીઓમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો : મુંબઈથી ‘સેતાન ગેંગ’ના મુખ્ય સૂત્રધાર સહિત 3 ઝડપાયા

Palanpur News
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jul 02, 2026, 12:59 PM IST

Palanpur News: પાલનપુર શહેરમાં ગત દિવસોમાં એક જ રાતમાં એકસાથે 6 જેટલી આંગડિયા પેઢીઓને નિશાન બનાવી લાખોની ચોરી કરનાર તસ્કરોને પકડવામાં પોલીસને મોટી સફળતા મળી છે. પાલનપુરમાં તરખાટ મચાવી પોલીસને પડકાર ફેંકનારી આંતરરાજ્ય ‘સેતાન ગેંગ’ના મુખ્ય સૂત્રધાર સહિત ત્રણ સાગરીતોને એલસીબી (Local Crime Branch)ની ટીમે મુંબઈથી દબોચી લીધા છે.

સંચાલકની ફરિયાદ બાદ પોલીસ એક્શનમાં

પાલનપુરની પ્રતિષ્ઠિત આંગડિયા પેઢીઓમાં થયેલી આ સામૂહિક ચોરીની ઘટનાને પગલે વેપારી આલમમાં ભારે ફફડાટ ફેલાયો હતો. આ અંગે આંગડિયા પેઢીના સંચાલક દ્વારા સ્થાનિક પોલીસ સ્ટેશનમાં વિધિવત ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને જોતાં બનાસકાંઠા પોલીસ વડાની સૂચનાથી એલસીબી સહિતની ટીમો આ કેસનો ભેદ ઉકેલવા માટે કાર્યરત થઈ હતી.

આ પણ વાંચો: વડોદરા મહાનગરપાલિકામાં વહીવટી ભૂકંપ : 5 ઉચ્ચ અધિકારીઓએ VRS માંગી, કર્મચારીઓની અછતથી તંત્ર પર સંકટ

CCTV અને હ્યુમન ઈન્ટેલિજન્સની મદદથી મળ્યો સગડ

ચોરો સુધી પહોંચવા માટે પોલીસે આધુનિક ટેકનોલોજી અને પરંપરાગત બાતમીદારોના નેટવર્કનો સહારો લીધો હતો. ઘટનાસ્થળ અને તેની આસપાસના વિસ્તારોના સીસીટીવી (CCTV) ફૂટેજ ખૂબ જ બારીકાઈથી ચેક કરવામાં આવ્યા હતા. સીસીટીવીમાં કેદ થયેલી શંકાસ્પદ હલચલ અને હ્યુમન ઈન્ટેલિજન્સ (બાતમીદારો) દ્વારા મળેલી સચોટ માહિતીના આધારે પોલીસને કડી મળી હતી કે આ ચોરી પાછળ કોઈ સ્થાનિક નહીં, પરંતુ અન્ય રાજ્યની રીઢા ગુનેગારોની ગેંગનો હાથ છે.

મુંબઈથી થઈ ધરપકડ

ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીઓ મુંબઈ તરફ ભાગી ગયા હોવાનું લોકેશન ટ્રેસ થયું હતું. જેથી પાલનપુર એલસીબીની એક ખાસ ટીમ તાત્કાલિક મુંબઈ રવાના થઈ હતી. મુંબઈમાં સ્થાનિક સ્તરે તપાસ કરીને પોલીસે ફિલ્મી ઢબે ઓપરેશન પાર પાડી ‘સેતાન ગેંગ’ના મુખ્ય સૂત્રધાર સહિત ત્રણેય આરોપીઓને ઝડપી લીધા હતા અને તેમને પાલનપુર લાવવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: અમેરિકામાં ગુજરાતી પરિવાર પર કાળનો કહેર! : હોટલની આગમાં જીવ બચવા બાથરૂમમાં પુરાયા, છતાં પતિ-પત્ની અને દીકરીનો કરૂણ અંત

અગાઉ પણ અનેક ગુનાઓને આપી ચૂક્યા છે અંજામ

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે પકડાયેલા ત્રણેય તસ્કરો રીઢા ગુનેગાર છે. આ આંતરરાજ્ય ગેંગે અગાઉ પણ ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં આ પ્રકારે અનેક મોટી ચોરીઓ અને ઘરફોડના ગુનાઓને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી છે. પાલનપુરમાં પણ તેઓ મોટી રકમની આશાએ આવ્યા હતા.

મુદ્દામાલ રિકવર, વધુ તપાસ ચાલુ

પોલીસે પકડાયેલા ત્રણેય આરોપીઓ પાસેથી હાલ રૂપિયા 1.10 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો છે. આ ગેંગ સાથે અન્ય કેટલા લોકો જોડાયેલા છે, તેમજ તેઓએ અગાઉ કઈ-કઈ જગ્યાએ ચોરી કરી છે તે દિશામાં પોલીસે રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરીને વધુ તપાસ શરૂ કરી છે. આ સફળ કામગીરીથી પાલનપુરના વેપારીઓએ પોલીસ તંત્રનો આભાર માન્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now