Gujarati family fire Live Lost USA: અમેરિકામાં વસતા ગુજરાતી સમુદાય માટે હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. ઓહાયો રાજ્યના વુસ્ટર શહેરમાં આવેલી એક હોટલમાં લાગેલી ભીષણ આગમાં ગુજરાતના ખેડા જિલ્લાના નડિયાદના એક પરિવારના ત્રણ સભ્યોએ જીવ ગુમાવ્યો છે. આ દુર્ઘટનાએ માત્ર અમેરિકામાં રહેતા ભારતીય સમુદાયને જ નહીં, પરંતુ ગુજરાતમાં તેમના સ્વજનો અને ઓળખીતાઓને પણ ગાઢ આઘાતમાં મૂકી દીધા છે. મૂળ નડિયાદના રહેવાસી હિતેષભાઈ સુથાર, તેમની પત્ની હિનાબેન અને 20 વર્ષીય પુત્રી ઈશાની છેલ્લા બે વર્ષથી અમેરિકા સ્થાયી થયા હતા અને ઓહાયોના વુસ્ટર શહેરમાં નવી જિંદગીની શરૂઆત કરી હતી. પરંતુ વિદેશમાં ઉજ્જવળ ભવિષ્યના સપના જોનાર આ પરિવારનું જીવન એક જ રાતમાં અગ્નિકાંડની ભયાનક ઘટનામાં સમાપ્ત થઈ ગયું.
મધરાતે હોટલમાં ભભૂકી આગ
માહિતી અનુસાર ઘટના ઓહાયોના વુસ્ટર શહેરમાં આવેલી Econo Lodge Motelમાં બની હતી, જ્યાં હિતેષભાઈ સુથાર કામ કરતા હતા અને પરિવાર સાથે ત્યાં જ રહેતા હતા. ગુરુવારે વહેલી સવારે અંદાજે 1:30 વાગ્યાના સમયે હોટલમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગ ઝડપથી ફેલાતાં હોટલમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. તે સમયે સુથાર પરિવાર પોતાના રૂમમાં હાજર હતો. સ્થાનિક અહેવાલો મુજબ, આગ વધતી જોઈ પરિવારે હોટલના ફ્રન્ટ ડેસ્કનો સંપર્ક કરીને મદદ માંગી હતી. તેમને સલાહ આપવામાં આવી હતી કે, બાથરૂમમાં પાણી ચાલુ રાખીને અંદર જ રહેવું વધુ સુરક્ષિત રહેશે.
જીવ બચાવવા બાથરૂમમાં લીધું આશ્રય, પરંતુ બચી ન શક્યા
આ સૂચન બાદ હિતેષભાઈ, હિનાબેન અને તેમની પુત્રી ઈશાની બાથરૂમમાં જઈ અંદરથી દરવાજો બંધ કરીને બેઠા હતા, જેથી ધુમાડા અને આગથી પોતાનો બચાવ કરી શકાય. પરંતુ, આગ એટલી વિકરાળ બની ગઈ હતી કે, ફાયર વિભાગને તેના પર કાબૂ મેળવવામાં સમય લાગ્યો હતો. આ દરમિયાન બાથરૂમમાં ધુમાડો ભરાઈ ગયો હતો અને ગૂંગળામણના કારણે ત્રણેયના મોત થયા હોવાનું માનવામાં આવી રહ્યું છે. સ્થાનિક સત્તાવાળાઓના જણાવ્યા મુજબ, ત્રણેયનું મોત સંભવતઃ ધુમાડાથી ગૂંગળાઈ જવાના કારણે થયું છે.
બચાવ દળોએ અનેક પ્રયાસો કર્યા
ફાયર વિભાગના કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા બાદ અંદર ફસાયેલા લોકોને બચાવવા માટે અનેક પ્રયાસો કરવામાં આવ્યા હતા. જોકે, જ્યારે બચાવ ટીમ પરિવાર સુધી પહોંચી ત્યારે ખૂબ મોડું થઈ ચૂક્યું હતું. અહેવાલો અનુસાર, આ દુર્ઘટનામાં અન્ય કોઈ વ્યક્તિને ઈજા પહોંચી નથી. જોકે, સમગ્ર ઘટનાએ સ્થાનિક સમુદાયને હચમચાવી દીધો છે.
બે વર્ષ પહેલાં અમેરિકા સ્થાયી થયો હતો પરિવાર
મૂળ ખેડા જિલ્લાના નડિયાદના રહેવાસી સુથાર પરિવાર લગભગ બે વર્ષ પહેલાં અમેરિકામાં સ્થાયી થયો હતો. પરિવાર નવી તકો અને વધુ સારા ભવિષ્યની આશા સાથે વિદેશ ગયો હતો. પરંતુ અચાનક બનેલી આ દુર્ઘટનાએ તેમના તમામ સપનાઓને પળવારમાં ખાખ કરી નાખ્યા છે. પરિવારના મોતના સમાચાર મળતા જ નડિયાદમાં તેમના સ્વજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
આગ લાગવાનું કારણ હજુ સ્પષ્ટ નથી
સ્થાનિક પોલીસ અને ફાયર વિભાગે આગ લાગવાના કારણોની તપાસ શરૂ કરી છે. આગ કેવી રીતે લાગી અને સુરક્ષા વ્યવસ્થામાં ક્યાં ખામી રહી તે જાણવા માટે અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. ભારતીય સમુદાયના આગેવાનો અને પરિવારજનો અમેરિકામાં ભારતીય દૂતાવાસ તથા સ્થાનિક તંત્રના સંપર્કમાં હોવાનું પણ જાણવા મળ્યું છે. આ ઘટનાને લઈ અમેરિકામાં વસતા ગુજરાતી સમાજમાં આ ઘટના બાદ શોકની લાગણી વ્યાપી ગઈ છે. અનેક લોકોએ સોશિયલ મીડિયા મારફતે સુથાર પરિવારને શ્રદ્ધાંજલિ પાઠવી છે. એક જ પરિવારના ત્રણ સભ્યોનું આ રીતે અકાળે અવસાન થવું સમગ્ર સમાજ માટે અત્યંત દુઃખદ ઘટના ગણાઈ રહી છે.





