Home Gujarat Gujarat Mobile Forensic Vans Crime Scene Investigation 37269 Cases

ગુજરાતમાં ગુનાખોરી સામે ફોરેન્સિક ટેક્નોલોજીનું મજબૂત હથિયાર : બે વર્ષમાં 37 હજારથી વધુ ક્રાઇમ સીન પર પહોંચી મોબાઇલ ફોરેન્સિક વેન

Mobile Forensic Vehicles-MFVs
Published by: Chintan Chavda
Last Updated: Jul 02, 2026, 11:41 AM IST

ગાંધીનગર : ગુજરાતમાં ગુનાખોરીની તપાસને વધુ વૈજ્ઞાનિક, ઝડપી અને પારદર્શક બનાવવા માટે મોબાઇલ ફોરેન્સિક વેન (Mobile Forensic Vehicles-MFVs) મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. રાજ્યમાં હાલમાં 47 મોબાઇલ ફોરેન્સિક વેન કાર્યરત છે, જે ગુનાના સ્થળે પહોંચીને પુરાવાનું સંરક્ષણ, પ્રાથમિક વૈજ્ઞાનિક તપાસ અને ઘટનાસ્થળનું દસ્તાવેજીકરણ કરવાની કામગીરી કરે છે. રાજ્ય સરકારના જણાવ્યા મુજબ છેલ્લા બે વર્ષમાં આ વેનોએ 37,269થી વધુ ક્રાઇમ સીન પર પહોંચી પોલીસ તપાસને વૈજ્ઞાનિક આધાર પૂરો પાડ્યો છે.

આધુનિક ગુનાખોરીમાં વૈજ્ઞાનિક પુરાવાનું મહત્વ સતત વધી રહ્યું છે. ગુનાના સ્થળેથી સમયસર અને યોગ્ય રીતે પુરાવા એકત્ર કરવામાં આવે તો તપાસ વધુ અસરકારક બને છે અને કોર્ટમાં મજબૂત પુરાવા રજૂ કરવામાં મદદ મળે છે. આ જ હેતુથી ગુજરાતમાં મોબાઇલ ફોરેન્સિક વેનને પોલીસ તપાસનો અભિન્ન ભાગ બનાવવામાં આવી છે. આ વેનો ઘટનાસ્થળે જ પ્રાથમિક ફોરેન્સિક પરીક્ષણ કરી શકે છે, જેના કારણે પુરાવા નષ્ટ થવાની અથવા દૂષિત થવાની શક્યતા ઘટે છે.

આ પણ વાંચો: હાઈકોર્ટની ફટકાર છતાં અધિકારીને મળ્યો સરકારનો શિરપાવ : નાસીરનગર ડિમોલિશન વિવાદમાં ઘેરાયેલાં DCP નકુમ સહિત 6ને IPSનું પ્રમોશન

નવા ફોજદારી કાયદા બાદ ફોરેન્સિક તપાસનું વધ્યું મહત્વ

રાજ્ય સરકારના જણાવ્યા મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અમલમાં આવેલા નવા ફોજદારી કાયદાઓમાં સાત વર્ષ કે તેથી વધુ સજાપાત્ર ગુનાઓમાં ફોરેન્સિક તપાસને ફરજિયાત બનાવવામાં આવી છે. તેના કારણે ગુનાની તપાસમાં વૈજ્ઞાનિક અભિગમનું મહત્વ વધુ વધ્યું છે.
ગુજરાતમાં ફોરેન્સિક વિજ્ઞાનના વિકાસ માટે ગુજરાત ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી હતી, જેને હવે કેન્દ્રીય યુનિવર્સિટીનો દરજ્જો પ્રાપ્ત થયો છે. રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર આ સંસ્થા પોલીસ તપાસમાં વૈજ્ઞાનિક પદ્ધતિઓના ઉપયોગને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે.

બે વર્ષમાં 37 હજારથી વધુ સ્થળોની મુલાકાત

સરકારી માહિતી અનુસાર વર્ષ 2024 દરમિયાન 47 પૈકી 28 મોબાઇલ ફોરેન્સિક વેનને કેન્દ્રીય ગૃહ મંત્રાલયના માર્ગદર્શિકા મુજબ અપગ્રેડ કરવામાં આવી હતી.

છેલ્લા બે વર્ષ દરમિયાન આ વેનોએ કુલ 37,269 સ્થળોની મુલાકાત લીધી છે. તેમાં 1,529 હત્યાના કેસ, 3,746 બળાત્કાર, પોક્સો અને બાળ અત્યાચારના કેસ, 1,583 હત્યાના પ્રયાસના કેસ, 728 લૂંટના બનાવ, 2,758 ઘરફોડ અને ચોરીના કેસ, 154 ફાયરિંગની ઘટનાઓ, 43 વિસ્ફોટના કેસ, 2,893 આગની ઘટનાઓ, 1,968 નાર્કોટિક્સ સંબંધિત કેસ અને 9,022 જીવલેણ માર્ગ અકસ્માતો તથા અન્ય ફેટલ કેસોનો સમાવેશ થાય છે.

તે ઉપરાંત 10,457 અન્ય સ્થળોની મુલાકાત દરમિયાન આકસ્મિક મૃત્યુ, કસ્ટોડિયલ ડેથ, શંકાસ્પદ મૃત્યુ અને કાયદો-વ્યવસ્થા સંબંધિત અન્ય ઘટનાઓમાં પણ ફોરેન્સિક સહાય પૂરી પાડવામાં આવી હોવાનું જણાવાયું છે.

આ પણ વાંચો: સુરતના નિવૃત્ત PI જયરાજસિંહ ગઢવીના વિદાય સમારોહમાં ડાયરાની રંગત : માયાભાઈ આહીર-કીર્તિદાન ગઢવી-મૈથિલી ઠાકુર એક જ મંચ પર

હરતી-ફરતી મિની ફોરેન્સિક લેબોરેટરી

મોબાઇલ ફોરેન્સિક વેનને હરતી-ફરતી મિની ફોરેન્સિક લેબોરેટરી તરીકે વિકસાવવામાં આવી છે. તેમાં વિવિધ પ્રકારના ગુનાઓની તપાસ માટે 12 વિશેષ વૈજ્ઞાનિક કિટ ઉપલબ્ધ છે.

આ કિટમાં ડીએનએ અને સેક્સ્યુઅલ અસોલ્ટ એવિડન્સ કિટ, નાર્કોટિક્સ સ્ક્રીનિંગ કિટ, વિસ્ફોટક પદાર્થોની તપાસ માટેની કિટ, ગન શોટ રેસિડ્યુ કિટ, આગની તપાસ માટેની કિટ, ફૂટપ્રિન્ટ અને ટાયર પ્રિન્ટ કાસ્ટિંગ કિટ સહિતની અદ્યતન વ્યવસ્થા સામેલ છે.
આ ઉપરાંત સ્ટિરિયો માઇક્રોસ્કોપ, DSLR કેમેરા, GPS આધારિત બોડી-વોર્ન કેમેરા, લેપટોપ, પ્રિન્ટર, મિની રેફ્રિજરેટર, LED ડિસ્પ્લે, હાઈ ઇન્ટેન્સિટી ફોરેન્સિક લાઇટ સોર્સ અને જનરેટર જેવી આધુનિક સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. જેના કારણે ઘટનાસ્થળે જ લોહીના ડાઘ, ફિંગરપ્રિન્ટ, વાળ, ફાઇબર, માટીના નમૂનાઓ, કાચના ટુકડા, નાર્કોટિક્સ, વિસ્ફોટક અવશેષો અને અન્ય સૂક્ષ્મ પુરાવાની પ્રાથમિક તપાસ શક્ય બને છે.

પુરાવાનું સંરક્ષણ અને ઝડપી તપાસમાં મદદરૂપ

ફોરેન્સિક નિષ્ણાતોના જણાવ્યા મુજબ ગુનાની તપાસમાં પ્રથમ થોડા કલાકો અત્યંત મહત્વના હોય છે. જો આ સમય દરમિયાન વૈજ્ઞાનિક રીતે પુરાવા એકત્ર કરવામાં આવે તો કેસની તપાસ વધુ મજબૂત બની શકે છે. ખાસ કરીને બળાત્કાર, પોક્સો, હત્યા અને નાર્કોટિક્સ જેવા ગંભીર ગુનાઓમાં જૈવિક અને ભૌતિક પુરાવાનું સમયસર સંરક્ષણ અત્યંત જરૂરી ગણાય છે.
મોબાઇલ ફોરેન્સિક વેન દ્વારા ઘટનાસ્થળનું વૈજ્ઞાનિક દસ્તાવેજીકરણ, ફોટોગ્રાફી, વિડિયોગ્રાફી અને ક્રાઇમ સીન રિકન્સ્ટ્રક્શન કરવામાં આવે છે, જેના કારણે તપાસ અધિકારીઓને કેસની દિશા નક્કી કરવામાં સરળતા રહે છે અને કોર્ટમાં પુરાવાની વિશ્વસનીયતા પણ વધે છે.

આ પણ વાંચો: વડોદરામાં 100 વર્ષ જૂનું મકાન અચાનક પત્તાના મહેલની જેમ ધરાશાયી : અકસ્માતમાં બે વ્યક્તિઓ કાટમાળ નીચે દટાયા

આધુનિક તપાસ પદ્ધતિ તરફ ગુજરાતનું પગલું

રાજ્યમાં મોબાઇલ ફોરેન્સિક વેનના વધતા ઉપયોગથી ગુનાની તપાસ વધુ ટેક્નોલોજી આધારિત બની રહી છે. પોલીસ અને ફોરેન્સિક નિષ્ણાતો વચ્ચેના સંકલનથી પુરાવા ઝડપથી એકત્ર થાય છે, તપાસનો સમય ઘટે છે અને પુરાવાની ગુણવત્તા જળવાઈ રહે છે. બદલાતા ગુનાખોરીના સ્વરૂપને ધ્યાનમાં રાખીને ફોરેન્સિક વિજ્ઞાન હવે કાયદા અમલની પ્રક્રિયાનો મહત્વપૂર્ણ આધારસ્તંભ બની રહ્યું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now