અમદાવાદ : સાયબર અને આર્થિક છેતરપિંડીના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે હવે અમદાવાદની પ્રતિષ્ઠિત ગુજરાત કોલેજમાંથી પણ વિદ્યાર્થીઓ સાથે વિશ્વાસઘાતનો ગંભીર મામલો સામે આવ્યો છે. કોલેજના સ્પોર્ટ્સ વિભાગમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ પ્રોફેસર સામે એરફોર્સમાં નોકરી અપાવવાની અને સ્ટેટ લેવલ ક્રિકેટ ટીમમાં પસંદગી કરાવી આપવાની લાલચ આપી વિદ્યાર્થીઓ પાસેથી લાખો રૂપિયા પડાવ્યાનો આરોપ લાગ્યો છે. ફરિયાદના આધારે એલિસબ્રિજ પોલીસે ગુનો નોંધી સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે.
ફરિયાદ મુજબ સાણંદમાં રહેતો અને ગુજરાત કોલેજમાં અભ્યાસ કરતો પ્રતીક મિશ્રા નિયમિત રીતે કોલેજના વોલીબોલ ગ્રાઉન્ડમાં પ્રેક્ટિસ કરવા જતો હતો. તે દરમિયાન તેની ઓળખ કોલેજના સ્પોર્ટ્સ વિભાગમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવતા પ્રજ્ઞેશ બારહાટ સાથે થઈ હતી. ઓળખાણનો લાભ લઈ પ્રોફેસરે પ્રતીકને એરફોર્સમાં ભરતી ચાલી રહી હોવાનું કહી સેટિંગ દ્વારા નોકરી અપાવી આપવાનો દાવો કર્યો હતો. તેના બદલામાં રૂ. 15 હજાર ફી ચૂકવવાની વાત કરવામાં આવી હતી. જોકે પ્રતીકે એરફોર્સમાં નોકરીમાં રસ ન હોવાનું જણાવી આ ઓફર નકારી દીધી હતી.
આ પણ વાંચો : ચૈતર વસાવાને છોડાવવા ધોધમાર વરસાદ વચ્ચે આદિવાસીઓ ઉમટ્યાં : ડેડીયાપાડામાં આદિવાસી મહાસંમેલન, ગુજરાતમાં AAPનું એપી સેન્ટર બન્યું નર્મદા
સ્ટેટ ક્રિકેટ એસોસિએશનમાં પસંદગી અપાવવાનું કહી રૂ. 99 હજાર પડાવ્યાનો આરોપ
ફરિયાદમાં જણાવ્યા મુજબ ત્યારબાદ પ્રોફેસરે પ્રતીકને સ્ટેટ લેવલ ક્રિકેટમાં પસંદગી કરાવી આપવાની ખાતરી આપી હતી. તેના બદલામાં રૂ. 45,500 ચૂકવવાના હોવાનું જણાવ્યું હતું. ક્રિકેટમાં આગળ વધવાની ઇચ્છા ધરાવતા પ્રતીકે આ વાત પર વિશ્વાસ મૂક્યો હતો. માત્ર પોતાનું જ નહીં પરંતુ પોતાના એક મિત્રનું પણ સિલેક્શન કરાવી આપવાની ખાતરી મળતા બંને માટે મળીને રૂ. 99 હજાર પ્રજ્ઞેશ બારહાટના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.
આરોપ છે કે રૂપિયા મળ્યા બાદ પ્રોફેસરે ટૂંક સમયમાં સિલેક્શન અંગે ઈ-મેલ આવશે તેવી ખાતરી આપી હતી. પરંતુ લાંબા સમય સુધી કોઈ ઈ-મેલ ન મળતા પ્રતીકે પ્રોફેસરનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે તેમનો મોબાઇલ ફોન સતત સ્વીચ ઓફ આવતો હોવાથી વિદ્યાર્થીઓને શંકા ગઈ હતી.
અન્ય વિદ્યાર્થીઓ પણ બન્યા ભોગ
તપાસ દરમિયાન પ્રતીકને જાણ થઈ હતી કે આ જ પ્રોફેસરે કોલેજના અન્ય બે વિદ્યાર્થીઓ પાસેથી પણ એરફોર્સમાં નોકરી અપાવવાના બહાને રૂ. 15-15 હજાર વસૂલ્યા હતા. આમ કુલ ચાર વિદ્યાર્થીઓ પાસેથી અંદાજે રૂ. 1.29 લાખની રકમ વિવિધ બહાનાં હેઠળ પડાવવામાં આવી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
ઘટનાની ગંભીરતા સમજી વિદ્યાર્થીઓએ એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પ્રજ્ઞેશ બારહાટ સામે છેતરપિંડી સહિતની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસે નાણાંના વ્યવહારો, બેંક ટ્રાન્સફરની વિગતો તેમજ અન્ય પુરાવાઓ એકત્ર કરવાની કાર્યવાહી હાથ ધરી છે. સાથે જ આરોપીનો સંપર્ક સાધવા અને સમગ્ર ઘટનાક્રમની સત્યતા ચકાસવા માટે પણ તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે.
આ પણ વાંચો: જૂનાગઢમાં રસ્તાનો ખાડો બન્યો મોતનો ખાડો? : બાઈકચાલક પટકાયો, CCTV આવ્યા સામે
વિશ્વાસનો દુરુપયોગ થતા ચિંતા
શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચે વિશ્વાસનું વિશેષ સ્થાન હોય છે. આવી સ્થિતિમાં કોઈ શિક્ષક સામે વિદ્યાર્થીઓને નોકરી અથવા રમતગમતમાં પસંદગી અપાવવાના બહાને રૂપિયા પડાવ્યાના આરોપો સામે આવતાં સમગ્ર ઘટનાએ ચર્ચા જગાવી છે. જો તપાસમાં આક્ષેપો સાચા સાબિત થાય તો તે માત્ર આર્થિક છેતરપિંડીનો નહીં પરંતુ વિદ્યાર્થીઓના વિશ્વાસના ભંગનો પણ ગંભીર મામલો બની શકે છે.
પોલીસે વિદ્યાર્થીઓને પણ અપીલ કરી છે કે સરકારી ભરતી, રમતગમતમાં પસંદગી અથવા અન્ય કોઈપણ સત્તાવાર પ્રક્રિયામાં વ્યક્તિગત સેટિંગના નામે રૂપિયા માંગવામાં આવે તો તેની સત્યતા ચકાસ્યા વિના કોઈપણ પ્રકારની ચૂકવણી ન કરવી અને શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક પોલીસ અથવા સંબંધિત સત્તાવાળાઓનો સંપર્ક કરવો.





