Cyber Cell Gujarat: ગુજરાત CID ક્રાઇમના સાયબર સેન્ટર ઑફ એક્સલન્સ દ્વારા ચલાવવામાં આવેલા 'ઓપરેશન યુથ હન્ટ 2.0' અંતર્ગત સાયબર ગુનાઓ સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અમદાવાદ અને સુરતમાંથી કુલ ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં આરોપીઓ દ્વારા ₹3.61 કરોડથી વધુની સાયબર છેતરપિંડી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. સાયબર સેલના જણાવ્યા મુજબ, આરોપીઓ વિવિધ લોકોના નામે ફેક બેંક એકાઉન્ટ ખોલાવી, તેમાં સાયબર ફ્રોડની રકમ ટ્રાન્સફર કરાવી કમિશનના આધારે નાણાંની હેરફેર કરતા હતા.
253 સાયબર ગુનાઓ સાથે કડી
તપાસ દરમિયાન આરોપીઓના બેંક એકાઉન્ટ અને મોબાઇલ ડેટાની ચકાસણી કરતાં NCRP (National Cyber Crime Reporting Portal) પર દેશભરમાં નોંધાયેલા 253 સાયબર ગુનાઓ સાથે તેમની કડી સામે આવી છે. આ તમામ કેસોમાં અંદાજે ₹3.61 કરોડથી વધુની છેતરપિંડી થઈ હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. આ ગુનાઓ ગુજરાત ઉપરાંત આંધ્ર પ્રદેશ, અરુણાચલ પ્રદેશ, આસામ, બિહાર, છત્તીસગઢ, દિલ્હી, હરિયાણા, જમ્મુ-કાશ્મીર, ઝારખંડ, કર્ણાટક, કેરળ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા, પંજાબ, રાજસ્થાન, તમિલનાડુ, તેલંગાણા, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને પશ્ચિમ બંગાળ સહિત અનેક રાજ્યોમાં નોંધાયેલા હોવાનું જણાવાયું છે.
બે અલગ કેસમાં કાર્યવાહી
1. ફેક કંપનીના નામે બેંક એકાઉન્ટ
પ્રથમ કેસમાં આરોપી વિશાલ સુરેન્દ્રભાઈ ડોડિયાએ 'ચામુંડા કોર્પોરેશન' નામની ફેક ફર્મ બનાવી તેના નામે વિવિધ બેંકોમાં ત્રણ ખાતાં ખોલાવ્યા હતા. આ ખાતાઓનો ઉપયોગ દેશભરના સાયબર ઠગાઈના નાણાં ટ્રાન્સફર કરવા માટે થતો હતો. આ એકાઉન્ટ્સ સામે દેશભરમાં 253 ફરિયાદો નોંધાયેલી હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
આ કેસમાં અમદાવાદના વસણામાં રહેતા વિશાલ ડોડિયાની ધરપકડ કરવામાં આવી છે.
2. ભાવનગર કો-ઓપરેટિવ બેંક ફ્રોડ
બીજા કેસમાં આરોપીઓએ ભાવનગર જિલ્લા કો-ઓપરેટિવ બેંકની સર્વર સિસ્ટમમાં ગેરકાયદેસર પ્રવેશ મેળવી કોર બેન્કિંગ સિસ્ટમમાં ચેડાં કર્યા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. આરોપીઓએ ઇલેક્ટ્રોનિક રેકોર્ડમાં ફેરફાર કરીને અસ્તિત્વમાં ન હોય તેવા કૃત્રિમ બેંક બેલેન્સ ઉભા કર્યા અને તે રકમ વિવિધ બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરી લીધી હતી. આ કેસમાં બે ખાતાધારકોની ભૂમિકા સામે આવતા સુરતમાંથી બે આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસ મુજબ આ કેસમાં ₹7.34 કરોડથી વધુની ગેરરીતિ આચરવામાં આવી હોવાનું નોંધાયું છે.
મોબાઇલ ફોનની તપાસમાં વધુ ખુલાસા
સાયબર સેલે અન્ય એક કેસની તપાસ દરમિયાન આરોપીઓના મોબાઇલ ફોનનું ફોરેન્સિક વિશ્લેષણ કરતાં વધુ 178 બેંક એકાઉન્ટ્સની વિગતો મળી આવી હતી. ત્યારબાદ NCRP પર તપાસ કરતાં આ એકાઉન્ટ્સ સામે દેશભરમાં 132થી વધુ સાયબર ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે, જેમાં અંદાજે ₹53.55 કરોડથી વધુની છેતરપિંડી થઈ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. આ કેસમાં અત્યાર સુધી 10 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને વધુ આરોપીઓની શોધખોળ ચાલુ હોવાનું CIDએ જણાવ્યું છે.
આ પણ વાંચો: ગુજરાત ATSનું મોટું ઓપરેશન : જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા હોવાના શંકાસ્પદ 8 શખ્સોની ધરપકડ
સાયબર સેલની અપીલ
CID ક્રાઇમે નાગરિકોને અજાણ્યા વ્યક્તિઓના નામે બેંક ખાતાં ખોલાવવાની કે પોતાના બેંક ખાતાનો ઉપયોગ અન્ય કોઈને કરવા આપવા સામે ચેતવણી આપી છે. સાયબર ગુનાનો ભોગ બનતા જ તાત્કાલિક 1930 હેલ્પલાઇન અથવા NCRP પોર્ટલ પર ફરિયાદ નોંધાવવાની અપીલ પણ કરવામાં આવી છે.






