Home Gujarat Amreli Lion Attack Lallubhai Sheldiya 2001 Story

5 હુમલામાં સિંહે 4 લોકોને ફાડી ખાધા : લલ્લુભાઈએ 10 મિનિટ બાથભીડી અને ઊભી પૂંછડીએ ભાંગ્યો સિંહ, જાણો 2001નો કિસ્સો

માનવ સિંહ સંઘર્ષ
Image Credit: AI
Published by: Chintan Chavda
Last Updated: Jul 03, 2026, 07:28 AM IST

અમરેલી જિલ્લામાં છેલ્લા એક મહિનામાં સિંહ હુમલાની પાંચ ગંભીર ઘટનાઓ સામે આવી છે, જેમાં ચાર લોકોના મોત થયા છે જ્યારે એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો છે. વધતા માનવ-સિંહ સંઘર્ષ વચ્ચે આજે 2001ની એક એવી ઘટના ફરી ચર્ચામાં આવી છે, જ્યારે ખાંભા ગીરના ભાડ ગામના ખેડૂત લલ્લુભાઈ વશરામભાઈ શેલડીયાએ જીવના જોખમે સિંહ સામે બાથ ભીડીને પોતાનો જીવ બચાવ્યો હતો.

તે સમયે ગ્રામ્ય વિસ્તારોમાં સિંહોની અવરજવર આજની સરખામણીએ ખૂબ ઓછી હતી અને સિંહ ગામની સીમ સુધી આવી પહોંચે તેવો વિચાર પણ દુર્લભ માનવામાં આવતો હતો. જોકે, મીતિયાળા જંગલમાંથી શિકારની શોધમાં નીકળેલો એક સિંહ અચાનક ભાડ ગામની સીમમાં આવી પહોંચ્યો અને વાડીએથી ઘરે પરત ફરી રહેલા લલ્લુભાઈ તથા તેમની પત્ની સામે આવી ગયો. સિંહે કોઈ પૂર્વ સંકેત વિના સીધો લલ્લુભાઈ પર હુમલો કર્યો.

દસ મિનિટ સુધી સિંહ સાથે જીવલેણ સંઘર્ષ

લલ્લુભાઈ શેલડીયાના જણાવ્યા મુજબ હુમલા દરમિયાન લગભગ દસ મિનિટ સુધી તેમની અને સિંહ વચ્ચે જીવલેણ ઝપાઝપી ચાલી હતી. સિંહે તેમના શરીરના વિવિધ ભાગોમાં ઊંડા નખના ઘા કર્યા હતા અને કુલ નવ ગંભીર ઇજાઓ પહોંચી હતી. છાતીના ભાગે બે જગ્યાએ ફ્રેક્ચર થયું હતું જ્યારે શ્વાસનળી પણ ગંભીર રીતે અસરગ્રસ્ત થઈ હતી. હુમલા દરમિયાન સિંહે તેમને બે વખત ઊંચકીને જમીન પર પછાડી દીધા હતા. ગંભીર ઇજાઓ છતાં લલ્લુભાઈએ હિંમત હારી નહોતી. તેમણે સિંહનું મોઢું અને હોઠ મજબૂત રીતે પકડી રાખ્યા હતા, જેના કારણે સિંહને હુમલો ચાલુ રાખવામાં મુશ્કેલી પડી હતી. યોગ્ય તક મળતા તેમણે સિંહને જોરદાર લાત મારી, જેના કારણે આખરે સિંહ ત્યાંથી ભાગી ગયો અને તેમનો જીવ બચી ગયો.

આ પણ વાંચો: અમરેલી-ભાવનગરમાં સિંહોના હુમલાની વધતી ઘટનાઓ : શું બદલાઈ રહ્યું છે? 'મેન-ઈટર' સિંહને પકડ્યા પછી શું થાય છે? સમગ્ર ઘટનાક્રમ અને ગ્રાઉન્ડ રિયાલિટી

લોહીલુહાણ હાલતમાં જાતે જ બચાવનો પ્રયાસ કર્યો

હુમલો ટળ્યા બાદ લલ્લુભાઈએ જોયું કે તેમના શરીરના અનેક ભાગોમાંથી ભારે પ્રમાણમાં લોહી વહી રહ્યું હતું. તેમણે તરત જ પોતાનો શર્ટ ઉતારી છાતી પર બાંધી લોહી રોકવાનો પ્રયાસ કર્યો. તે સમયે તેમની ઉંમર આશરે 35 વર્ષની હતી. આ ગંભીર હુમલા બાદ તેમને સારવાર માટે વન વિભાગ તરફથી પ્રાથમિક સહાયરૂપે માત્ર ₹10 હજાર આપવામાં આવ્યા હતા. જોકે, લાંબી સારવાર અને થયેલા ખર્ચની સામે આ સહાય અપૂરતી હોવાનું જણાતાં તેમણે યોગ્ય વળતર માટે ફરિયાદ નોંધાવી અને કાનૂની લડત શરૂ કરી. લાંબા સમય બાદ તેમને ન્યાય મળ્યો અને વન વિભાગ દ્વારા આશરે ₹97 હજારનું વળતર ચૂકવવામાં આવ્યું હતું.

આજની સ્થિતિ વધુ ચિંતાજનક: લલ્લુભાઈ

લલ્લુભાઈ શેલડીયા આજે પણ માને છે કે તેઓ માત્ર નસીબના બળે બચી ગયા હતા. જોકે, તેઓ કહે છે કે હાલની સ્થિતિ 2001 કરતાં ઘણી વધુ ચિંતાજનક બની ગઈ છે. તેમના જણાવ્યા મુજબ ખાંભા અને આસપાસના ગીર પંથકમાં છેલ્લા કેટલાક વર્ષોમાં સિંહોની અવરજવર અને હુમલાના બનાવોમાં નોંધપાત્ર વધારો થયો છે. ખેડૂતો ખેતરોમાં જતાં ભય અનુભવે છે, ગ્રામજનોમાં સતત અસુરક્ષાની લાગણી છે અને નાના બાળકોને એકલા બહાર મોકલવામાં પણ લોકો અચકાય છે. છેલ્લા એક મહિનામાં જ અમરેલી જિલ્લામાં ચાર લોકોના સિંહ હુમલામાં મોત થયા હોવાના બનાવો આ ચિંતાને વધુ ગંભીર બનાવે છે.

આ પણ વાંચો: 'માનવભક્ષી' સિંહને શું સજા થાય છે? : શું ખરેખર આદમખોર સિંહને થાય છે આજીવન કેદ? જાણો નિયમો અને વન વિભાગની સમગ્ર પ્રક્રિયા

માનવ-સિંહ સંઘર્ષ સામે અસરકારક પગલાંની જરૂર

લલ્લુભાઈ શેલડીયાની આ ઘટના માત્ર વ્યક્તિગત બહાદુરીની કહાની નથી, પરંતુ ગીર વિસ્તારને અડીને વસતા હજારો ગ્રામજનોના જીવનમાં રહેલા સતત જોખમનું પણ પ્રતિબિંબ છે. સિંહોની વધતી વસતિ અને વિસ્તરતા રહેણાંક ક્ષેત્ર વચ્ચે માનવ-વન્યજીવ સંઘર્ષ હવે મોટો પડકાર બની રહ્યો છે. આવા સંજોગોમાં સ્થાનિકોની સુરક્ષા માટે અસરકારક વ્યવસ્થા, સિંહોની સતત મોનિટરિંગ, જોખમગ્રસ્ત વિસ્તારોમાં ઝડપી પ્રતિસાદ વ્યવસ્થા, સમયસર તબીબી સહાય અને યોગ્ય વળતર જેવી બાબતો વધુ મહત્વપૂર્ણ બની ગઈ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now