Home Gujarat Dang Twin Pit Toilet Model Swachh Bharat Mission Gujarati

જ્યાં ગટર લાઇન નાખવી હતી અશક્ય, ત્યાં ડાંગે શોધ્યો અનોખો ઉકેલ : 95% ઘરોમાં 'ટ્વિન-પિટ'થી સ્વચ્છતાની ક્રાંતિ

Twin-Pit Toilet Dang
Published by: Suman Dabhi
Last Updated: Jul 03, 2026, 05:27 AM IST

Twin-Pit Toilet Dang : દક્ષિણ ગુજરાતનો આદિવાસી અને જંગલ વિસ્તાર તરીકે ઓળખાતો ડાંગ જિલ્લો આજે સમગ્ર દેશ માટે સ્વચ્છતાનું પ્રેરણાદાયક મોડેલ બની રહ્યો છે. ગાઢ જંગલો, ડુંગરાળ ભૂપ્રદેશ અને વિખરાયેલી વસાહતો વચ્ચે જ્યાં પરંપરાગત ગટર વ્યવસ્થા ઉભી કરવી અત્યંત મુશ્કેલ હતી, ત્યાં જિલ્લાએ 'ટ્વિન-પિટ' (બે ખાડાવાળી) શૌચાલય પદ્ધતિ અપનાવીને અનોખી સફળતા મેળવી છે.

સરકારી પ્રયાસો, સ્થાનિક વહીવટીતંત્રની આયોજનબદ્ધ કામગીરી અને ગ્રામજનોના સહયોગના પરિણામે આજે ડાંગ જિલ્લાના લગભગ 95 ટકા ઘરો ટ્વિન-પિટ શૌચાલય વ્યવસ્થા સાથે જોડાઈ ચૂક્યા છે. આ મોડેલને સ્વચ્છ ભારત મિશનની મહત્વપૂર્ણ સફળતાઓમાં ગણવામાં આવી રહ્યું છે.

કઠિન ભૂપ્રદેશમાં મળ્યો વ્યવહારુ ઉકેલ

ડાંગ જિલ્લાના 310થી વધુ ગામો ડુંગરો અને ગાઢ જંગલોમાં આવેલા છે. આવા વિસ્તારોમાં પરંપરાગત ગટર લાઇન બિછાવવી ખર્ચાળ અને તકનીકી રીતે મુશ્કેલ છે.

આ પડકારને ધ્યાનમાં રાખીને જિલ્લા જળ અને સ્વચ્છતા મિશને ટ્વિન-પિટ ટેક્નોલોજી અપનાવી. આ પદ્ધતિમાં ઓછા ખર્ચે, સરળ જાળવણી સાથે સ્વચ્છતા જાળવી શકાય છે, જેના કારણે ગામડાઓમાં તેનો વ્યાપક સ્વીકાર થયો છે.

વઘઈ તાલુકાના ઉગાછીછપાડા સહિત અનેક ગામોમાં આ મોડેલ અમલમાં આવ્યા બાદ ખુલ્લામાં શૌચ જવાની સમસ્યા ઘટી છે અને આસપાસનું વાતાવરણ વધુ સ્વચ્છ બન્યું છે.

ટ્વિન-પિટ ટેક્નોલોજી કેવી રીતે કામ કરે છે?

ટ્વિન-પિટ શૌચાલયમાં બે અલગ-અલગ ખાડા બનાવવામાં આવે છે. શરૂઆતમાં એક ખાડાનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે તે ભરાઈ જાય છે ત્યારે ગંદા પાણીનો પ્રવાહ બીજા ખાડામાં ફેરવી દેવામાં આવે છે.

બંધ કરાયેલો પ્રથમ ખાડો એકથી બે વર્ષ દરમિયાન કુદરતી રીતે વિઘટિત થાય છે અને તેમાં રહેલો કચરો સુરક્ષિત, ગંધમુક્ત અને પોષક તત્વોથી ભરપૂર સેન્દ્રીય ખાતરમાં પરિવર્તિત થાય છે. ત્યારબાદ તેનો ઉપયોગ ખેતીમાં પણ થઈ શકે છે.

આ પદ્ધતિ માત્ર સ્વચ્છતા જ નહીં, પરંતુ પર્યાવરણ સંરક્ષણ અને કચરાના વૈજ્ઞાનિક વ્યવસ્થાપન માટે પણ અસરકારક માનવામાં આવે છે.

વનવાસી પરિવારોને મળ્યો મોટો લાભ

ડાંગના અનેક વિસ્તારોમાં અગાઉ લોકોને ખુલ્લામાં શૌચ માટે જંગલમાં જવું પડતું હતું. ખાસ કરીને રાત્રિના સમયે હિંસક પશુઓ, સાપ અને અન્ય ઝેરી જીવજંતુઓનો ભય રહેતો હતો.

ટ્વિન-પિટ શૌચાલય બન્યા બાદ મહિલાઓ, વૃદ્ધો અને બાળકોને સૌથી વધુ રાહત મળી છે. હવે તેમને અંધારામાં બહાર જવાની જરૂર રહેતી નથી, જેના કારણે તેમની સુરક્ષા અને આરોગ્ય બંનેમાં સુધારો નોંધાયો છે.

સ્વચ્છ ભારત મિશનને મળી મોટી સફળતા

વર્ષ 2014થી શરૂ થયેલા સ્વચ્છ ભારત મિશન હેઠળ ડાંગ જિલ્લામાં અત્યાર સુધીમાં 51 હજારથી વધુ ટ્વિન-પિટ શૌચાલયોનું નિર્માણ કરવામાં આવ્યું છે. તેનો સીધો લાભ 48 હજારથી વધુ પરિવારો સુધી પહોંચ્યો છે.

નવી વસાહતો અને મકાનોનું નિયમિત સર્વેક્ષણ કરીને પાત્ર લાભાર્થીઓને સિટિઝન પોર્ટલ મારફતે સહાય આપવામાં આવી રહી છે. આ પારદર્શક પ્રક્રિયાને કારણે યોજનાનો લાભ યોગ્ય પરિવારો સુધી ઝડપથી પહોંચી રહ્યો છે.

આ પણ વાંચો: ગુજરાતમાં મેઘતાંડવની આગાહી : આગામી 3 કલાક માટે IMDનું એલર્ટ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ

દેશ માટે પ્રેરણાદાયક મોડેલ

ડાંગ જિલ્લાની આ સફળતા દર્શાવે છે કે સ્થાનિક પરિસ્થિતિને અનુરૂપ આયોજન અને લોકોની ભાગીદારી હોય તો મુશ્કેલ લાગતી સમસ્યાઓનો પણ અસરકારક ઉકેલ મળી શકે છે.

ગટર વ્યવસ્થા શક્ય ન હોય એવા વિસ્તારો માટે ટ્વિન-પિટ મોડેલ એક સસ્તો, ટકાઉ અને પર્યાવરણમૈત્રી વિકલ્પ તરીકે સામે આવ્યો છે. સ્વચ્છતા સાથે આરોગ્ય, સુરક્ષા અને પર્યાવરણનું પણ રક્ષણ કરતી આ પહેલ હવે અન્ય જિલ્લાઓ માટે પણ પ્રેરણારૂપ બની રહી છે. પ્રકૃતિના ખોળે વસેલા ડાંગ જિલ્લાની આ સિદ્ધિ એ વાતનો પુરાવો છે કે યોગ્ય આયોજન, સરકારી સહયોગ અને જનભાગીદારી દ્વારા ગ્રામ વિકાસ અને સ્વચ્છતા બંને ક્ષેત્રમાં નોંધપાત્ર પરિવર્તન લાવી શકાય છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now