Ahmedabad News: અમદાવાદમાં બનેલી એક ઘટનાને પગલે સમગ્ર શહેરમાં હડકંપ મચી ગયો છે. શહેરના રખિયાલ વિસ્તારમાં કપાયેલી હાલતમાં પશુનું માથું મળી આવતા ભારે વિવાદ છેડાયો છે. આ ઘટનાને પગલે ટોળેટોળા રસ્તા પર ઉતરી આવ્યાં હતાં. આ પ્રકારની ઘટનાને કારણે લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો. ત્યારે રોષે ભરાયેલાં લોકોને રોકવા અને પરિસ્થિતિને કાબુમાં લેવા મોટી સંખ્યામાં પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો.
રખિયાલ વિસ્તારમાં જાહેર રસ્તાના પર ડિવાઇડર પર અજાણ્યા શખ્સે પશુનું માથું નાંખી જતાં વિસ્તારમાં તણાવ સર્જાયો હતો. જાણ મળતાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને હોબાળો શરૂ કર્યો હતો. ઉલ્લેખનીય છેકે, સ્થળ પર હિન્દુ સંગઠનોના કાર્યકરો પણ એકઠા થયા હતા અને "જય શ્રીરામ"ના નારા લગાવતાં ઘટના વધુ ગંભીર બની હતી. ઘટના વિશે જાણ થતાં તાત્કાલિક બાપુનગર પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને લોકોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસના આશ્વાસન બાદ ટોળું શાંતિપૂર્વક વિખેરાયું હતું.
પશુનું માથું FSL માટે મોકલાયું-
H ડિવિઝનના ACP આર.ડી. ઓઝાએ જણાવ્યું હતું કે, "ગુજરાત બોટલિંગ ચાર રસ્તા નજીકથી મળેલું પશુનું માથું એફએસએલ (ફોરેન્સિક વિજ્ઞાન લેબોરેટરી) મોકલવામાં આવ્યું છે જેથી પશુના પ્રકાર અને અન્ય મહત્વની માહિતી મળી શકે. હાલમાં ઘટનાની તપાસ ચાલી રહી છે અને પોલીસે બનાવને ગંભીરતાથી લઈ સ્થળ પર બંદોબસ્ત ગોઠવી દીધો છે."
ઘટનાની નિષ્પક્ષ તપાસની ખાતરી-
પોલીસે લોકોને અફવા ન ફેલાવવાની અપીલ કરી છે અને જણાવ્યું છે કે હાલમાં કોઈ પણ પ્રકારનો તણાવ કે અશાંતિ ટાળવા માટે પોલીસ તદ્ન ચુસ્ત ચાંપતી છે. અધિકારીઓએ સમજી-વિચારીને કાર્યવાહી શરૂ કરી છે જેથી અજાણી વ્યક્તિની ઓળખ કરવામાં આવે અને આવી ઘટનાઓ ફરી ન બને તે માટે યોગ્ય પગલાં લેવાય. એફએસએલના રિપોર્ટ બાદ વધુ માહિતી બહાર આવશે, જે પરથી જાણવા મળશે કે આ ઘટના પાછળ કોઈ ષડયંત્ર છે કે નહિ. હાલ માટે, પોલીસ સોશિયલ મિડિયા પર પણ દેખરેખ રાખી રહી છે જેથી ખોટી માહિતીના પ્રસારને રોકી શકાય.