મોરબી બ્રિજ દુર્ઘટનાનાં મુખ્ય આરોપી જયસુખ પટેલની બીજી એક કંપનીમાં દુર્ઘટના સર્જાઈ હતી. અજંતા એનર્જી પ્રાઇવેટ લિમિટેડના લુણાવાડાના દોલાતપુરાના ટર્બાઇન પ્લાન્ટમાં 4 સપ્ટેમ્બરના રોજ પાંચ કર્મચારીના ડૂબી જવા થી મૃત્યુ થયા હતા. જે મામલે ફરિયાદ પણ નોંધાઈ ગઈ છે. ત્યારે આ મુદ્દે કોંગ્રેસ પોતાનો રોષ ઠાલવ્યો છે.
''...છતાં કર્મચારીઓને 200 ફુટ નીચે કામ કરવા શું કામ મોકલ્યા''
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ જણાવ્યું હતું કે, ''મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં આવેલ દોલતપુરામાં હાઈડ્રોપાવર પ્લાન્ટના સંચાલકો, અધિકારીઓની ગુનાહિત બેદરકારીના લીધે પાંચ નિર્દોષ કર્મચારીઓએ જીવ ગુમાવ્યા છે. મોરબી બ્રિજ કાંડના આરોપી જયસુખ પટેલની બીજી એક કંપની અજંતા એનર્જી પ્રાઇવેટ લિમિટેડ જેનો 12 મેગાવોટના ટર્બાઇન પ્લાન્ટમાં 4 સપ્ટેમ્બરના રોજ પાંચ કર્મચારીના ડૂબી જવાથી મૃત્યુ થયા છે. જીવ ગુમાવનાર વ્યક્તિઓના શરીર 50 કલાકે SDRFની મહામહેનતથી પરિવારોને મળ્યા હતા. કડાણા ડેમ દ્વારા 3 લાખ ક્યુસેક પાણી છોડવાની લેખિત માહિતી દ્વારા સાવધ કરવામાં આવ્યા હતા છતાં કર્મચારીઓને 200 ફુટ નીચે કામ કરવા શું કામ મોકલવામાં આવ્યા હતા તે મોટો સવાલ છે. સાવધ કરવાની માહિતી જેની પુષ્ટિ મીડિયાના માધ્યમથી મંત્રી કુબેરભાઈ ડિંડોર દ્વારા ઘટના બાદ કરવામાં આવી હતી''.
''આમાં ગુનાહિત બેદરકારી નથી?''
વધુમાં કહ્યું કે, ''બ્રિજ વખતે બેદરકારીના લીધે 135 લોકોએ જીવ ગુમાવ્યા અને હવે પાવર પ્લાન્ટની બેદરકારીથી 5 લોકોએ જીવ ગુમાવ્યા છે. મોરબી બ્રિજ કાંડની આટલી મોટી બેદરકારીથી શું, અજંતા - ઓરેવા કંપનીએ કોઈ બોધપાઠના લીધો? કડાણા ડેમથી ૩ લાખ ક્યુસેક પાણી છોડવા ના આદેશ હતા, તો 200 ફૂટ નીચે 15 કર્મચારીઓને કોને ઉતારવાના આદેશ આપ્યા હતા? બેદરકારીની હળવી કલમો જોડે ફરિયાદ તો નોંધાઈ, પણ આમાં ગુનાહિત બેદરકારી નથી? શું આમાં સાપરાધ માનવ વધનો ગુનો નોંધવો જોઈએ કે નહી? કોને બચાવવામાં આવી રહ્યા છે? કંપની દ્વારા સહાયની જાહેરાત તો થઈ, પણ ગુનાહિત બેદરકારીથી જેમણે પોતાના પતિ, દીકરા, પિતા ગુમાવ્યા તેમને પોતાના પરિવારજનો પાછા મળશે?
''...ક્યારે બોધપાઠ લેશું તે સમજાતું નથી?''
તેમણે આક્ષેપ કરતા કહ્યું કે, ''ક્યાં સુધી ઓરેવા અજંતા કંપની આ પ્રકારની ગુનાહિત બેદરકારી કરતી રહેશે? ગુનાહિત બેદરકારીથી પાંચ વ્યક્તિઓના મૃત્યુ બાદ એક પણ વ્યક્તિની ધરપકડ કરવામાં નથી આવી, આવો ઉપકાર શેના માટે? ઘોર ગુનાહિત બેદરકારી ઉપર ચમરબંધીને છોડવામાં નહીં આવે ત્યાં આટલી મોટી ગંભીર ઘટના છતાં કયા ચમરબંધીને પકડ્યા? ભાજપ સરકાર ચમરબંધીઓને છાવરવાની જગ્યાએ, કડક શિક્ષાત્મક પગલાની માંગ કરીએ છીએ. ગુજરાત રાજ્યમાં મોરબી બ્રિજ, સુરત તક્ષશીલા, વડોદરા હરણી, રાજકોટ ટીઆરપી કાંડ જેવી ઘટનાઓમાં ક્યારે બોધપાઠ લેશું તે સમજાતું નથી? માનવ જીવન કિંમત સત્તાધીશો સમજે તો સારું, જેથી નિર્દોષના જીવ જતા રોકી શકાય. કુદરતી દુર્ઘટના તો ના રોકી શકાય પણ માનવ સર્જિત દુર્ઘટના રોકવાનો પ્રયત્ન તો થવો જોઈએ''.