છેલ્લા 28 કલાક દરમિયાન બનાસકાંઠા જિલ્લાના સરહદી તાલુકાઓમાં ભારે વરસાદ નોંધાયો છે. પવન સાથે ભારે વરસાદમાં ચારે તરફ વરસાદી પાણી જોવા મળી રહ્યું છે. સરહદી સુઈગામ, ભાભર, વાવ અને થરાદ તાલુકામાં ભારે વરસાદ નોંધાયો છે. બનાસકાંઠા જિલ્લા કલેકટર મિહિર પટેલની અધ્યક્ષતામાં આજે પ્રાંત કચેરી, થરાદ ખાતે ડિઝાસ્ટરની ઉચ્ચ લેવલની બેઠક યોજાઈ હતી. જિલ્લા કલેકટરએ સબંધિત અધિકારીઓને ભારે વરસાદ દરમિયાન જરૂરી તમામ પગલા લેવા સૂચનાઓ આપી હતી.
થરાદ તાલુકામાં 13 ઇંચ
કલેકટર મિહિર પટેલે જણાવ્યું કે, છેલ્લા 28 કલાક દરમિયાન વાવ અને થરાદ તાલુકામાં 13 ઇંચ, ભાભરમાં 16 ઇંચ, સુઈગામમાં 17 ઇંચથી ભારે વરસાદ નોંધાયો છે. વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને આજે 8 સપ્ટેમ્બરના રોજ જિલ્લાની તમામ શાળાઓ, આંગણવાડીઓ તથા તમામ શૈક્ષણિક સંસ્થાઓને બંધ રખાઈ છે. કલેકટરએ જણાવ્યું કે, હાલમાં 500 જેટલા લોકોનું સ્થળાંતર કરાયું છે. વાવ, થરાદ, ભાભર અને સુઈગામ તાલુકાઓમાં વધુ અસરગ્રસ્ત ૧૩ જેટલા ગામડા હાલ સંપર્ક વિહોણા બન્યા છે. જિલ્લા વહીવટી તંત્ર અને બનાસ ડેરીના સહયોગથી અત્યાર સુધી 1.50 લાખ જેટલા ફૂડ પેકેટ બનાવવામાં આવ્યા છે. આ ફૂડ પેકેટ વરસાદી પાણી ભરાવવાના કારણે જે લોકો ફસાયા છે તેમને વિતરણ કરાશે.
13 જેટલા ગામડાઓ સંપર્ક વિહોણા થયા
કલેક્ટરએ જણાવ્યું કે, ભારે પવન સાથે પડેલા વરસાદથી 258 જેટલા વીજળીના થાંભલાને નુકસાન થયું છે. હાલમાં 279 જેટલા ગામડાં છે જેમાં વીજળી નથી તે મરામત કરીને વીજળી પાછી લાવવા માટે તમામ ટીમોને સૂચના આપવામાં આવી છે. હાલમાં 6 જેટલા પશું મૃત્યુ નોંધાયેલ છે. વરસાદનું પાણી ઉતર્યા બાદ ચોક્કસ પરિસ્થિતિનો વધુ ખ્યાલ આવી શકશે. ભારે વરસાદને પગલે રસ્તાઓનું પણ ધોવાણ થયું છે. માર્ગ અને મકાન વિભાગ પંચાયતના કુલ 8 અને માર્ગ અને મકાન વિભાગ રાજ્યના કુલ 5 મળી કુલ 13 જેટલા રસ્તાઓનું ધોવાણ થતા 13 જેટલા ગામડાઓ સંપર્ક વિહોણા થયા છે. જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા પોલીસ અધિક્ષક સહિત જિલ્લાના તમામ ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક પૂર્ણ કરાઈ છે. તમામ વિભાગને એલર્ટ કરીને સૂચનાઓ આપવામાં આવી છે.
1 NDRF અને 2 SDRF ની ટીમ તૈયાર
ભારે વરસાદને પગલે ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવા માટે સૂચના આપવામાં આવી છે. જિલ્લામાં 1 NDRF અને 2 SDRF ની ટીમ તૈયાર છે. આ ઉપરાંત વધુ એક 1 NDRF અને 2 SDRF ની ટીમ સરકાર દ્વારા મોકલવામાં આવી છે. જિલ્લા કલેકટરએ નાગરિકોને નદી કાંઠા અને નીચાણવાળા વિસ્તારમાં ના જવા તથા વહીવટી તંત્ર તરફથી આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા અનુરોધ કર્યો છે.