રાજ્યની ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં IOTના વૈજ્ઞાનિક પરિક્ષણ માટેની સુવિધા અંગે વિધાનસભા ગૃહમાં પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપતા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, રાજ્યની ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી ખાતે IOT ફોરેન્સિક ટૂલ ફોર વ્હીકલ ડિવાઇસીસની મદદથી હીટ એન્ડ રન કેસમાં બનાવ સમયે વાહનની સ્પીડ મેળવી શકાય છે. ગુજરાતની FSL આ ટેકનોલોજીની મદદથી માત્ર ગુજરાતના જ નહીં પરંતુ દેશના અન્ય રાજ્યોના હિટ એન્ડ રન જેવા કેસના ડિટેક્શનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. અમદાવાદના એક ચકચારી હિટ એન્ડ રન કેસમાં પણ આ ટેકનોલોજીનો ઉપયોગ થયો હતો જેમાં આરોપીને હજુ જામીન મળી શક્યા નથી.
તા. 31મી જુલાઈ 2025ની સ્થિતિએ રાજ્યની ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં IOTના વૈજ્ઞાનિક પરિક્ષણ માટેની સુવિધા અંગે વધુ વિગત આપતા મંત્રીએ જણાવ્યું કે, FSL ખાતે વર્તમાનમાં IOT ફોરેન્સિક ટૂલ ફોર વ્હીકલ ડિવાઇસીસ, IOT ફોરેન્સિક ટૂલ ફોર વેરેબલ અને મેડિકલ ડિવાઇસીસ અને IOT ફોરેન્સિક ટૂલ ફોર એમ્બેડેડ ડિવાઇસીસ જેવી અધ્યતન ટેકનોલોજીની સુવિધા ઉપલબ્ધ છે.
મંત્રીએ ઉમેર્યું કે, વાહનમાંથી મેળવેલા ડેટાના આધારે ગુન્હા સમયે વાહનનું જી.પી.એસ. લોકેશન, વાહન અથડાવવાથી થયેલી અસર, ટ્રીપની વિગત, વાહનમાં ખરાબી હોય તો તેની વિગત, વાહન સાથે કનેકટ થયેલા મોબાઇલ જેવા પેયર્ડ ડિવાઇસની વિગત જેમાં સ્ટોર થયેલ કોન્ટેકટ અને કોલ લોગની માહિતી મેળવી ગુન્હા સંબંધીત વૈજ્ઞાનિક પુરાવાઓ મેળવી શકાય છે.