'સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના' અંતર્ગત થયેલ વિકાસ કાર્યોના વિધાનસભામા પૂછાયેલ પ્રશ્નના ઉત્તરમાં મંત્રી ઋષિકેશ પટેલે વિગતો આપતા જણાવ્યું હતું કે,આ યોજના અંતર્ગત રાજ્યમાં પ્રથમ તબક્કા(વર્ષ 2009થી 2012) માટે રૂ. 7 હજાર કરોડની જોગવાઇ કરવામાં આવી હતી. તેવી જ રીતે બીજા તબક્કા(વર્ષ 2012 થી 2017) માટે રૂ. 15 હજાર કરોડ અને વર્ષ 2017-18 થી વર્ષ 2023-24 સુધી કુલ રૂ. 35,700 કરોડની જોગવાઇ કરવામાં આવી હતી. આમ, રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2009 થી 2024 સુધીમાં રૂ. 57,700 કરોડની જોગવાઈ કરવામાં આવી હતી.
મંત્રીએ વધુમાં ઉમેર્યું કે, રાજ્યના તત્કાલિન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં વર્ષ 2009માં 'સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના' અમલમાં મુકવામાં આવી હતી. વડાપ્રધાનએ સમગ્ર દેશમાં 1 લાખથી વધુ વસ્તીવાળા 500 શહેરો પસંદ કરી જૂન-20215માં અમૃત મિશન શરૂ કર્યું હતું, જેમાં ગુજરાતના 31 શહેરોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
જુનાગઢ મહાનગરપાલિકા
મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે, આ યોજના અંતર્ગત જુનાગઢ મહાનગરપાલિકામાં પાણી પુરવઠા યોજનાના કુલ 03 પ્રોજેક્ટ મંજૂર કરવામાં આવ્યા છે, જે પૈકી 01 પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં આવ્યો છે, તેમજ 02 પ્રોજેક્ટમાં કામગીરી પ્રગતિમાં છે, જે વર્ષ 2026માં પૂર્ણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કામગીરી પાછળ કુલ રૂ. 70.89 કરોડનો ખર્ચ કરવામાં આવશે.
તેમણે વધુમાં ઉમેર્યુ હતું કે, આ યોજના અંતર્ગત જૂનાગઢ મહાનગરપાલિકાના ઝોન-9 અને 10 માં પાણી પુરવઠા યોજનાના રૂ. 22.17 કરોડના કામોમાંથી રૂ. 21.09 કરોડના કામ પૂર્ણ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ઝોન-3માં પાણી પુરવઠા યોજનાના રૂ. 21.72 કરોડના તેમજ ઝોન-7માં રૂ. 13.27 કરોડના કામ પૂર્ણ કરવામાં આવ્યા છે.
વલસાડ નગરપાલિકા
અમૃત 2.0 મિશન અંતર્ગત વલસાડ નગરપાલિકાની કામગીરી વિશે મંત્રીએ જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં આ મિશન અંતર્ગત વલસાડ નગરપાલિકામાં કુલ 09 કામ હાથ ધરવામાં આવ્યા છે. જે પૈકી કુલ 03 કામ પૂર્ણ કરવામાં આવ્યા છે. તેમજ બાકી રહેલા કુલ 06 કામો વર્ષ 2027 સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.
મુખ્યમંત્રીના નેતૃત્વમાં આગામી 20 થી 25 વર્ષના આગોતરા આયોજન થકી પાણી પુરવઠા યોજના અંતર્ગત રાજ્યના દરેક શહેરીજનોને પોતાના ઘર સુધી પીવાનું શુધ્ધ પાણી પાઈપ લાઈન મારફત પુરૂ પાડવામાં આવશે, તેમ મંત્રીએ ઉમેર્યું હતું.