મિલકત વેરો ઓછો આવે તે માટે આકારણી સમયે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આધિકારીઓ દ્વારા મિલકત ધારકોને ધાકધમકી આપી મોટી રકમ ઉઘરાવવામાં આવતી હોવાની ACB ને મળેલી ફરિયાદ બાદ ACB એ છટકું ગોઠવી AMC ના નિવૃત્ત અધિકારીને ગેરકાયદેસર રીતે રૂપિયા 4 હજારની રકમ લેતા ઝડપી પાડી AMCના અધિકારીઓના ભ્રષ્ટાચારનો પર્દાફાશ કર્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિરાટનગર વોર્ડના પ્રોપર્ટી ટેક્ષને લગતી આકારણીની કામગીરી કરનાર AMC ના કર્મચારીઓ દ્રારા વિરાટનગર વિસ્તારના કોમર્શીયલ તેમજ રહેણાંક મકાનને લગતા આકારણીના કામોમાં વિરાટનગરના રહીશો તેમજ વેપારીઓને જુદા-જુદા બહાના બતાવી તેમની પાસેથી ગેરકાયદેસર રીતે રૂ.1000/- થી રૂ.10,000/- સુધીની લાંચની માંગણી કરવમા આવતી હોવાની હોવાની માહિતી ગુજરાત એ.સી.બીને મળી હતી
AMCના નિવૃત્ત કર્મચારી ગોવિંદભાઇ ડાભીને અટકાયત
આ માહિતી બાદ ગુજરાત ACB ના અમદાવાદ શહેર પી આઈ ડી.એન.પટેલ અને તેઓની ટીમે એક ડીકોયરને સાથે રાખી છટકું ગોઠવી ગોવિંદભાઇ પરમાભાઇ ડાભી નામના મ્યુનિસિપલ કોર્પોરેશનાના નિવૃત્ત કર્મચારી સાથે મિલકતની આકારણી કરાવવા માટેની વાતચીત કરી રૂપિયા ચાર હજારની લેવડ દેવડ કરી હતી, આયોજન મુજબ ડીકોયર પાસેથી રૂપિયા 4 હજાર સ્વીકારતાજ ACBની ટીમ પ્રગટ થઇ હતી અને AMCના નિવૃત્ત કર્મચારી ગોવિંદભાઇ ડાભીને અટકાયતમાં લઇ લીધો હતો. ACB દ્વારા AMCના નિવૃત્ત કર્મચારી ગોવિંદભાઇ ડાભી વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમો મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે.
AMCના નિવૃત્ત કર્મચારી ઉઘરાણા કરી કોને પહોંચાડતા હતા?
AMC ના જુદા જુદા વિભાગોમાં સામાન્ય બાબતોએ અને નાના નાના કામો માટે પણ નાગરિકો પાસેથી મોટી રકમ ઉઘરાવવામાં આવતી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠેલી છે.ઉચ્ચ સ્તર સુધી આ મામલે રજુઆતો થઇ છે ત્યારે ACB એ આકારણીના કામોમાં થતા ભ્રષ્ટાચારને ખુલ્લો પાડી દીધો છે. પરંતુ ઉઘરાણાની રકમ કોને કોને પહોંચતી હતી તે અંગે ઊંડાણપૂર્વક તપાસ કરી જવાબદારો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે. સાથેજ એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે શું AMCના ભ્રષ્ટ અધિકારીઓ નિવૃત કર્મચારીઓ થકી ઉઘરાણા અને ભ્રષ્ટાચાર ની દુકાન ચલાવી રહ્યા છે?