બનાસકાંઠાના વડગામ તાલુકાના મોટી ગીરાસણ ગામના આર્મી જવાન જીગ્નેશ ચૌધરીની જમ્મુતાવી સાબરમતી એક્સપ્રેસના સ્લીપર કોચમાં હત્યા થઈ હતી. ત્યાર બાદ આર્મી જવાનના પાર્થિવ દેહને આજે વતન મોટી ગીડાસણ લવાયો હતો અને ગાર્ડ ઓફ ઓનર સાથે આ જવાનને અંતિમ વિદાય આપી હતી.
જીગ્નેશ ચૌધરીની અંતિમયાત્રામાં વડગામ તાલુકાના હજારો લોકો જોડાયા હતા. સમગ્ર મામલો જોઈએ તો આર્મી જવાન જીગ્નેશ ચૌધરી જે જમ્મુ કાશ્મીરના ઉધમપુરમાં ફરજ બજાવતો હતો. અને તે શનિવારે જમ્મુતાવી સાબરમતી એક્સપ્રેસ દ્વારા તે પોતાના વતન આવી રહ્યો હતો. ત્યારે રવિવારે રાત્રે ટ્રેનમાં બિકાનેરના રહેવાસી એસી કોચ એટેન્ડટ જુબેર મેમણ સાથે ઝઘડો થયો હતો. આ ઝઘડામાં ન જેવી બાબતે જુબેર મેમણે છરી કાઢી અને આર્મી જવાનની પીઠ પર હુમલો કર્યો હતો.
છરીના ઘા માર્યા બાદ હુમલાખોર જુબેર મેમણ ભાગી ગયો હતો ત્યારે જીગ્નેશ ત્યાં ઢળી પડ્યો હતો. જો કે, ઘટનાની જાણ થતા બિકાનેર જીઆરપી અને આરપીએફએ એટેન્ડન્ટ જુબેર મેમણની અટકાયત કરી હતી. મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવાવમાં આવ્યો હતો. જોકે આર્મી જવાન જીગ્નેશ ચૌધરીના મોતથી વડગામ તાલુકામાં ગમગીન માહોલ છવાયો હતો, જ્યારે પરિવાર માથે પણ મોટી આફત આવી પડી હતી. 5 નવેમ્બરે અંતિમ વિદાયમાં અશ્રુભીની આંખે પરિવાર અને સમગ્ર વડગામ તાલુકાએ આરોપીને કડક સજા અને ન્યાયની માંગ કરી છે.





















