ઉત્તર ભારત માટે પર્યાવરણીય સુરક્ષા કવચ સમાન પ્રાચીન અરવલ્લી પર્વતમાળા હાલમાં એક ગંભીર કાયદાકીય વિવાદના કેન્દ્રમાં છે. વર્ષોથી રણના પ્રસારને રોકતી આ પર્વતમાળા હવે માત્ર 100 મીટરની ઊંચાઈના માપદંડને કારણે અસ્તિત્વની લડાઈ લડી રહી છે. સુપ્રીમ કોર્ટ દ્વારા અરવલ્લીની ઓળખ નક્કી કરવા માટે અપાયેલી નવી વ્યાખ્યાએ પર્યાવરણશાસ્ત્રીઓમાં ભારે ચિંતા જગાવી છે. આ નિર્ણય માત્ર ટેકનિકલ માપદંડ નથી, પરંતુ તે આપણી જમીન, વાયુ અને જળ સ્ત્રોતોના ભવિષ્ય પર થતો પ્રહાર હોવાનું મનાય છે.
શા માટે અરવલ્લીની ઓળખનો સવાલ ઊભો થયો?
અરવલ્લી પર્વતમાળામાં કઈ ટેકરીઓનો સમાવેશ કરવો તે બાબતે લાંબા સમયથી સ્પષ્ટતાનો અભાવ હતો. અદાલતી કાર્યવાહી દરમિયાન જાણવા મળ્યું કે અલગ-અલગ રાજ્યો અને વિભાગો અરવલ્લીને વ્યાખ્યાયિત કરવા માટે જુદા-જુદા ધોરણો અપનાવી રહ્યા હતા. આ અસંગતતાને દૂર કરવા માટે સુપ્રીમ કોર્ટે નિષ્ણાતોની એક સમિતિની રચના કરી હતી. આ સમિતિએ ૨૦૨૫ માં પોતાનો અહેવાલ રજૂ કર્યો, જેના આધારે પર્વતમાળાની સીમાઓ નક્કી કરવામાં આવી છે.
100 મીટરના માપદંડ સામે વિરોધનો સૂર
20 નવેમ્બરના રોજ સર્વોચ્ચ અદાલતે સમિતિના સૂચનો સ્વીકારતા જાહેર કર્યું કે હવેથી 100 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતી પહાડીઓને જ અરવલ્લીનો હિસ્સો ગણવામાં આવશે. જોકે, અદાલત દ્વારા નિયુક્ત એમિકસ ક્યુરી કે. પરમેશ્વરે આ વ્યાખ્યા સામે વાંધો ઉઠાવ્યો છે. તેમણે ચેતવણી આપી છે કે 100 મીટરથી ઓછી ઊંચાઈની તમામ ટેકરીઓ હવે ખનન અને બાંધકામ જેવી પ્રવૃત્તિઓ માટે ખુલ્લી પડી જશે, જે આખી પર્વતમાળાના ઇકોલોજીકલ બેલેન્સને ખોરવી નાખશે.
રાજસ્થાનના પહાડી વિસ્તારો પર માઠી અસર
અરવલ્લી પર્વતમાળાનો કુલ વિસ્તાર અંદાજે 800 કિલોમીટર છે, જેમાંથી મોટો હિસ્સો એટલે કે 550 કિલોમીટર જેટલો ભાગ રાજસ્થાનમાં આવેલો છે. નવા ભૌગોલિક અને ટેકનિકલ ડેટા મુજબ, રાજસ્થાનની લગભગ 90 ટકા પહાડીઓ 100 મીટરની ઊંચાઈની નવી શરત પૂર્ણ કરવામાં નિષ્ફળ જાય છે. પરિણામે, કાયદાકીય રીતે રાજ્યની માત્ર 8થી 10 ટકા ટેકરીઓ જ અરવલ્લી તરીકે સંરક્ષિત રહેશે, જ્યારે બાકીનો વિસ્તાર સુરક્ષાના કાયદાઓમાંથી મુક્ત થઈ જશે.
સમગ્ર ઇકોસિસ્ટમ માટે જોખમ
પર્યાવરણના નિષ્ણાતો માને છે કે અરવલ્લીને માત્ર ઊંચાઈના આધારે માપવી એ વૈજ્ઞાનિક રીતે જોખમી છે. અરવલ્લી ભૂગર્ભ જળ રિચાર્જ કરવા, જૈવવિવિધતા જાળવવા અને આબોહવા પરિવર્તનની અસરો ઘટાડવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. જો આ ટેકરીઓ કાપવામાં આવશે અને કુદરતી પ્રવાહ તોડવામાં આવશે, તો તેને ફરીથી જીવંત કરવી અશક્ય બની જશે. અરવલ્લીનું આ સંકટ હવે માત્ર કાયદાકીય ગૂંચવણ નથી, પરંતુ તે સામાજિક અને પર્યાવરણીય આપત્તિ તરફનો સંકેત છે.





















