અમદાવાદના નવા વાડજ શ્રીનાથ બસ ડેપોની વર્ષો જૂની દીવાલ ધરાશાયી થઈ હતી. દીવાલ પડવાના કારણે એક યુવક નીચે દટાયો હતો. જેના કારણે તેને તાત્કાલિક સારવાર માટે મોકલવામાં આવ્યો પરંતુ ત્યાં સુધીમાં તેનું મોત થઈ ગયું હતું. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી.
કાટમાળમાં દટાઈ જવાથી યુવકનું મોત
મળતી માહિતી મુજબ, અમદાવાદના નવા વાડજ મ્યુનિસિપલ કોર્પોરેશનની AMTS બસ ડેપોની દીવાલ 16 સપ્ટેમ્બરના રોજ વહેલી સવારે ધરાશાયી થઈ હતી. દીવાલની નજીક રહેતો એક યુવક ત્યાં બેઠો હતો તેના પર દીવાલ ધરાશાયી થઈ હતી. જેથી તેના કાટમાળ નીચે દટાઈ ગયો હતો. તેની બૂમો સાંભળતાની સાથે જ સ્થાનિક લોકોએ તેને કાટમાળ નીચેથી બહાર કાઢ્યો અને સારવાર માટે મોકલ્યો. પરંતુ ત્યાં તેનું મોત થઈ ગયું હતું.
વર્ષો જૂની દીવાલ છતાં તંત્રએ ધ્યાન ન આપ્યુંને દુર્ઘટના બની
AMTS બસ ડેપોની આ દીવાલ વર્ષો જૂની હતી આમ છતાં પણ તંત્ર દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવ્યું નહતું. જેના પરિણામે અચાનક જ દીવાલ પડી ગઈ હતી. બસ ડેપોની ચારે બાજુ આવી દીવાલો છે અને દીવાલ પાસે ઘણા લોકો બેસતા હોય છે, નાના છોકરાઓ પણ ત્યાં રમતા હોય છે ત્યારે આવી ગંભીર દુર્ઘટના બની છે.