ગુજરાતમાં આમ આદમી પાર્ટી દ્વારા વધુ એકવાર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. AAP પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ વીડિયોના માધ્યમથી જણાવ્યું કે, 'ભાજપવાળા પેરિસ જેવા રસ્તા બનાવવાની ફાંકા ફોજદારી કરે છે પરંતુ દ્વારકા જિલ્લામાં ખરાબ રોડ રસ્તા છે'.
'...નેતા મલાઈ ખાય છે'
ઈસુદાન ગઢવીએ સરકાર પર આકરા પ્રહાર કરતા કહ્યું કે, 'ગુંદાથી જામપરના રસ્તા પરથી ડામર ગાયબ થઈ ગયો છે. આ રોડ પરથી પસાર થતી તમામ ગાડીઓને નુકસાન થાય છે અને લોકોને પીઠ દર્દ થઈ જાય છે જેનો દવાનો ખર્ચ લોકોએ ભોગવવો પડે છે. આ ખાડાવાળા રસ્તા પરથી ટુ વ્હીલર ચાલકો પસાર થતી વખતે પડી જાય તો મૃત્યુ પણ થઈ શકે છે. ભાજપના નેતા મલાઈ ખાય છે એટલા માટે આવા રસ્તા છે. અહીંના રોડ રસ્તા તૂટી જાય છે પણ ભાજપના મંત્રી કે મુખ્યમંત્રીના બંગલા તૂટતાં નથી કારણ કે તેઓને તેમની પોતાની ચિંતા છે''.
'...રસ્તા, બ્રિજ, ડામર, કપચી બધું જ તમે ખાઈ જાવ છો'
વધુમાં કહ્યું કે, 'રસ્તામાં ખાડા છે કે ખાડામાં રસ્તા છે એ જ ખબર પડી રહી નથી. ખંભાળિયા જિલ્લામાં ભાજપના નેતાઓ કે અધિકારીઓને ખરાબ રોડ રસ્તા દેખાતા નથી કારણ કે તેઓ મલાઈ ખાઈ રહ્યા છે. ભાજપના નેતાઓ રસ્તામાં, બ્રિજમાં,પવનચક્કીમાં, જમીનમાં મલાઈ ખાય છે, ગૌચરની જમીનો દબાવી નાખે એટલા માટે એને ભાજપ સરકાર કહીએ છીએ. ખેડૂતોને ભાવ આપવાની વાત આવે ત્યારે પંજાબ અને દિલ્હીના લોકો અહીંયા આવીને અરાજકતા ફેલાવે છે તેવું કહે છે. કડદા તમે કરો છો, રસ્તા, બ્રિજ, ડામર, કપચી બધું જ તમે ખાઈ જાવ છો અને કોઈ અવાજ ઉઠાવે તો અરાજકતા ફેલાવે છે તેવું કહો છો''.





















