logo-img
108 Emergency Service Completes 18 Years In Gujarat

ગુજરાતમાં 108 ઈમરજન્સી સેવાને 18 વર્ષ પૂર્ણ : 108 અત્યારસુધી અંદાજે 17.34 લાખથી વધુ લોકોના બચાવ્યા જીવ

ગુજરાતમાં 108 ઈમરજન્સી સેવાને 18 વર્ષ પૂર્ણ
Published by: Offbeat Team
| Last Updated: Aug 30, 2025, 10:42 AM IST

રાજ્યમાં મેડિકલ ઇમરજન્સીને પહોંચી વળવા માટે 2007માં શરૂ થયેલી 108 ઇમરજન્સી સેવાને આગામી 29મી ઓગસ્ટે 18 વર્ષ પૂર્ણ થવા જઇ રહ્યા છે. 108 ઇમરજન્સી સેવા 29 ઓગસ્ટ 2007ના રોજ શરૂ થઈ હતી. એક જ કોલમાં દર્દીને હોસ્પિટલ સુધી પહોંચાડનારી આ સેવા થકી 18 વર્ષમાં અંદાજે 17.34 લાખથી વધુ લોકોના જીવ બચ્યા છે.

ગુજરાતમાં આપત્તિગ્રસ્ત અને આપાતકાલીન સ્થિતિમાં કોઈ પણ સ્થળે અને કોઈ પણ સમયે તાત્કાલિક મેડીકલ સારવાર અને મદદ માટે સૌ ના હૈયે અને હોઠે ચડતો એકમાત્ર ટોલ ફ્રી નંબર એટલે 108 ઈમરજન્સી મેડિકલ સર્વિસ. 29 ઓગસ્ટનો એ ઐતિહાસિક દિવસ કે જ્યારે 108 સેવાનો ગુજરાત રાજ્યમાં સૌ પ્રથમવાર શુભારંભ થયો હતો.

રાજ્યના નાગરિકોના આરોગ્યના હિત માટે વર્ષ 2007માં ઈમરજન્સી તાકીદની સ્થિતમાં જરૂરિયાતમંદ ગંભીર બીમાર કે ઇજાગ્રસ્ત વ્યક્તિને ઝડપથી હોસ્પિટલ પહોચાડવા માટે નિઃશુલ્ક એમ્બ્યુલન્સ પરિવહનની સુવિધા પૂરી પાડવા અને તમામ પ્રકારની મેડિકલ ઈમરજન્સી જેવી કે હૃદયરોગ, કેન્સર, કીડની, પ્રસૂતિ સંબંધિત, ઝેરી જીવજંતુ કરડવું, મારામારીમાં ઘવાયેલ, ગંભીર બીમારી અને દાઝી જવાથી થતી ગંભીર ઇજાઓ, રોડ અકસ્‍માતમાં ગંભીર ઇજાગ્રસ્ત, બીમાર નવજાત શિશુ વગેરે જેવી મેડિકલ ઈમરજન્સીમાં ૨૪ કલાક કાર્યરત અદ્યતન એમ્બ્યુલન્સ સેવા નિઃશુલ્ક મળી રહે તે માટે ગુજરાત સરકાર દ્વારા 108 સેવાની શરૂઆત 29 ઓગસ્ટ 2007ના રોજ કરવામાં આવી હતી. આ 108 યોજનાનું લોકાર્પણ આપણા હાલના વડાપ્રધાન તથા તત્કાલીન ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું.

વર્ષ 2007માં શરૂ કરાયેલી આરોગ્યલક્ષી 108 ઇમરજન્સી સેવાનું માળખું આજે અન્ય રાજ્યો માટે એક આદર્શ મોડલ તરીકે પ્રસ્થાપિત થયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના સફળ માર્ગદર્શન હેઠળ ગુજરાતના તમામ જિલ્લાનાં શહેરો, તાલુકા અને છેવાડાનાં ગામ સુધી આજે 108 ઇમરજન્સી સેવા 24/7 વિનામૂલ્યે ઉપલબ્ધ થઇ રહી છે, જે ગુજરાતના નાગરિકો માટે આશીર્વાદ સમાન છે. રાજ્યકક્ષાના અદ્યતન ટેક્નોલૉજીસભર સ્ટેટ-ઓફ-આર્ટ ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટર અમદાવાદના નરોડા કઠવાડા ખાતે પ્રસ્થાપિત કરીને ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓમાં 108 એમ્બ્યુલન્સ સેવા અસરકારક રીતે અમલીકરણ કરવામાં આવી છે.

વર્ષ 2007 થી મેડિકલ, પોલીસ અને ફાયર સંબંધિત કટોકટીઓ માટે લોકોને 108 ટોલ ફ્રી નંબર દ્વારા ઇમરજન્સી રિસ્પોન્સ સેવાઓ 24/7 પ્રદાન કરવાના હેતુથી રાજ્યકક્ષાના અદ્યતન ટેક્નોલૉજી સભર સ્ટેટ-ઓફ-આર્ટ ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટર અમદાવાદના નરોડા કઠવાડા ખાતે ૧૫ એકરના વિસ્તારમાં પ્રસ્થાપિત કરીને ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓમાં ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા અસરકારક રીતે અમલીકરણ કરવામાં આવે છે.

એમ્બ્યુલન્સમાં અદ્યતન મેડિકલ સાધનો, દવાઓ, વેન્ટિલેટર મશીન અને તેની સાથે ટેકનોલોજીનો સમન્વય કર્યો છે. તેનો સીધો લાભ કટોકટીની પળોમાં શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારના લોકોને મળે છે. તદુપરાંત રિસ્પોન્સ સેન્ટરમાં કાર્યાન્વિત અદ્યતન ટેકનોલોજી અને લોકેશન બેઇઝ સર્વિસ (LBS)થી સુસજ્જ એવી CAD Application થકી સેવા માટે કોલ કરનારનું Automatically લોકેશન પ્રાપ્ત થઈ જવાથી સમયનો બચાવ થાય છે અને ઝડપથી એમ્બ્યુલન્સ મોકલી શકાય છે.

108 એમ્બ્યુલન્સ સેવા દ્વારા દરરોજ સરેરાશ 4300 થી 4500 જેટલા દર્દીઓને કટોકટીના સમયે હોસ્પિટલ સુધી પહોચાડવાની નિઃશુલ્ક સેવા આપવામાં આવે છે. દર 21 સેકન્ડે એક 108 એમ્બ્યુલન્સ ઇમરજન્સી કેસને પ્રતિસાદ આપવા માટે રવાના કરવામાં આવે છે. 1 કરોડ 77 લાખ કરતા વધારે લોકોને કટોકટીના સમયમાં સેવા, 2.48 લાખથી વધુ પોલીસ અને 7.5 હજારથી વધુ ફાયર માટેની સેવા આપવામા આવી છે. 56 કરોડથી વધારે એમ્બ્યુલન્સના કિલોમીટરનું સંચાલન કરવામાં આવ્યું છે. 17.34 લાખથી વધુ વિકટ પરિસ્થિતિમાં મુકાયેલ માનવ જિંદગીઓનો બચાવ કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત 58.70 લાખ કરતાં વધારે પ્રસૂતા માતાને કટોકટીની સ્થિતિમાં મદદ કરવામાં આવી છે. 108 એમ્બ્યુલન્સ સ્ટાફ દ્વારા 1,52,809 થી વધુ ઘટના સ્થળે પ્રસૂતિઓમાં મદદ કરવામાં આવી છે. 108 સેવા માટે આવતા કોલ્સ પૈકી મોટાભાગના કોલ્સ પ્રસુતા માતાઓ માટે ઈમરજન્સી સેવાને લગતા હોય છે. ગુજરાત રાજ્યમાં માતા અને બાળ મૃત્યુદરના સૂચકઆંકને લગતા સરકારના લક્ષયાંકોને સિદ્ધ કરવામાં 108 સેવાનો મહત્વનો ફાળો રહ્યો છે. 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સની ઝડપી સેવા માટે અદ્યતન લોકોપયોગી “108 સીટીઝન મોબાઇલ એપ્લીકેશન ” શરૂ કરવામાં આવી છે.

દરીયામાં કામ કરતા માછીમારોના આરોગ્યના અધિકારોની જાળવણી માટે દરીયામાં 108-એમ્બ્યુલન્સ જેવી મેડિકલ સેવા પહોંચાડવા માટે પોરબંદર અને ઓખા બંદર ખાતે બોટ એમ્બ્યુલન્સ સેવા કાર્યરત છે. સમગ્ર ભારતમાં પ્રથમ વખત ગુજરાત રાજ્યમાં એર એમ્બ્યુલન્સ સેવા ગુજરાત સરકારનાં આરોગ્ય વિભાગ, GUJSAIL અને GVK EMRI સાથે મળી સંકલિત રીતે રાજ્ય વ્યાપી તા:21/03/2022થી કાર્યાન્વિત કરી છે.

ગુજરાત સરકારે સમયાનુકુલ ટેકનોલોજી અને અપગ્રેડેશનનો વિનિયોગ કરીને આપાતકાલમાં પ્રત્યેક સેકન્ડનો બચાવ થઈ શકે અને માનવીની અમૂલ્ય જિંદગી બચાવવા ભારત દેશમાં સૌ પ્રથમ વખત પેપરલેશ 108 ઇમરજન્સી સેવા અને એમ ગવર્નસની વ્યવસ્થા અમલીકૃત કરી છે.

આ અંગે વાત કરતા જી.વી.કે.ઇ.એમ.આર.આઇ-108ના ચીફ ઓપરેટીંગ ઓફીસર જશવંત પ્રજાપતિએ જણાવ્યું કે, 108 ઈમરજન્સી સેવાની ટીમ 24/7 ઇમરજ્ન્સી સેવા પુરી પાડવા કટીબધ્ધ છે.રાજયમાં 108 ઇમર્જન્સી સેવા 29 ઓગસ્ટ 2007 થી કાર્યાન્વિત કરવામાં આવી છે. રાજ્યની 108 સેવાને આજે સફળતા પૂર્વક અવિરત સેવાના 18 વર્ષ પૂર્ણ થયા છે. 108 સેવા દ્વારા અનેક લોકોને કટોકટીની પળોમાં મહામૂલી માનવ જિંદગીને બચાવવાની ઉમદા કામગીરી કરી છે અને છેલ્લા 18 વર્ષમાં 1 કરોડ 77 લાખ જેટલા લોકોએ આ સેવાનો લાભ લીધો છે. વર્ષ 2007માં માત્ર 14 એમ્બ્યુલન્સના કાફલામાંથી શરૂ થયેલી સેવા આજે 18 વર્ષ જેટલા સમયગાળામાં 1456 એમ્બ્યુલન્સ (02 બોટ એમ્બ્યુલન્સ)સુધી પહોંચી છે

108 નંબર પર આવેલા 99 ટકા જેટલા ફોન કોલને પ્રથમ બે રિંગમાં જ પ્રતિસાદ મળી જાય છે

108 નંબર પર આવેલા 99 ટકા જેટલા ફોન કોલ પ્રથમ બે રિંગમાં જ પ્રતિસાદ આપવામાં આવે છે, જે આંતરરાષ્ટ્રીય સ્તર અને ધોરણ કરતાં પણ વધુ સારી ગુણવતા છે. 108 એમ્બ્યુલન્સનો રાજ્યમાં સરેરાશ રિસ્પોન્સ ટાઈમ 14.45 મિનિટ જેટલો છે, જયારે શહેરી વિસ્તારમાં 10.31 મિનિટ જેટલો રિસ્પોન્સ ટાઈમ અને ગ્રામીણ વિસ્તારમાં 18.20 મિનિટ જેટલો રિસ્પોન્સ ટાઈમ છે. એમ્બ્યુલન્સમાં અદ્યતન મેડીકલ સાધનો, દવાઓ, વેન્ટીલેટર મશીન અને તેની સાથે ટેકનોલોજીનો સમન્વય કર્યો છે, જેનો સીધો લાભ કટોકટીની પળોમાં શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારના લોકોને મળે છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now