હાલોલ તાલુકાના કંજરી ગામના અને હાલ ચંદ્રપુરા જીઆઈડીસીમાં આવેલી ખાનગી કંપનીમાં નોકરી કરતા એક યુવક દ્વારા પોતાની પત્નીની હત્યા કરવામાં આવી હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. શરૂઆતમાં અકસ્માત મોત તરીકે નોંધાયેલા આ કેસમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ હત્યાનો ભેદ ખુલતા હાલોલ શહેર પોલીસે આરોપી પતિની ધરપકડ કરી છે. પ્રાપ્ત માહિતી મુજબ, મૂળ હાલોલ તાલુકાના કંજરી ગામના હર્ષદ અજીતભાઈ પરમારે વર્ષ 2016માં પોતાના જ ગામમાં રહેતી શિલ્પા સાથે પ્રેમલગ્ન કર્યા હતા. લગ્ન બાદ હર્ષદ ચંદ્રપુરા જીઆઈડીસીમાં આવેલી એક ખાનગી કંપનીમાં નોકરી કરવા લાગ્યો હતો અને પત્ની તથા પરિવાર સાથે કંપની દ્વારા આપવામાં આવેલી રૂમમાં રહેતો હતો. દંપતીને બે સંતાન પણ છે. જોકે, લગ્નજીવન દરમિયાન હર્ષદ અને શિલ્પા વચ્ચે અવારનવાર ઝઘડા અને મતભેદ થતા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ હત્યાનો ભેદ ઉકેલાયો
ગત તારીખ 7 જાન્યુઆરીના રોજ શિલ્પાનું અચાનક મોત થતા પરિવારજનો અને આસપાસના લોકોમાં ભારે ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં હાલોલ શહેર પોલીસે શરૂઆતમાં અકસ્માત મોતનો ગુનો નોંધી મૃતદેહને હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો હતો. પ્રાથમિક રીતે કોઈ શંકા ન જણાઈ હોવા છતાં, પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ સમગ્ર ઘટનાએ નવો વળાંક લીધો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સ્પષ્ટ થયું કે શિલ્પાનું મોત ગળું દબાવવાના કારણે થયું છે. આ ખુલાસા બાદ પોલીસે કેસની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન દંપતી વચ્ચે ચાલતા સતત વિવાદો, ઘટનાના સમયે પતિની હાજરી તેમજ તેની શંકાસ્પદ વર્તણૂકને આધારે પોલીસને હર્ષદ પર શંકા ગઈ હતી. પોલીસે હર્ષદની કડક પૂછપરછ કરતાં તેણે પોતાની પત્નીની હત્યા કર્યાની કબૂલાત કરી હતી.
આત્મહત્યાનો રંગ આપવાનો પ્રયાસ કર્યો હતો
આરોપીએ પૂછપરછમાં સ્વીકાર્યું કે તેણે શિલ્પાનું ગળું દબાવીને હત્યા કરી હતી અને ત્યારબાદ આ બનાવને આત્મહત્યાનો રંગ આપવાનો પ્રયાસ કર્યો હતો. તપાસમાં વધુમાં ખુલ્યું કે હત્યાના સમયે આરોપીએ કંપનીમાં લાગેલા CCTV કેમેરા પણ બંધ કરી દીધા હતા, જેથી કોઈ પુરાવા ન મળે. જોકે, પોલીસની સતર્કતા અને વિગતવાર તપાસના કારણે આખરે સમગ્ર સત્ય બહાર આવી ગયું. હાલોલ શહેર પોલીસે આરોપી હર્ષદ અજીતભાઈ પરમાર વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તેની ધરપકડ કરી છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમા શોક અને ભયનો માહોલ છવાઈ ગયો છે.





















