Home Gujarat Vadodara Gas Black Marketing Scam Sog Police Raid Karelibaug

વડોદરામાં ગેસ કાળાબજારીનો પર્દાફાશ : ઘરેલુ સિલિન્ડરમાંથી ગેસ ચોરી કરી કોમર્શિયલ બોટલમાં ભરતો ટેમ્પો ચાલક 30 સિલિન્ડર સાથે ઝડપાયો

વડોદરામાં ગેસ કાળાબજારીનો પર્દાફાશ
Play Video
Published by: OBS Bureau
Last Updated: Mar 15, 2026, 09:41 AM IST

વડોદરા શહેરમાં ગેસ સિલિન્ડરની અછત વચ્ચે કાળાબજારીનો મોટો પર્દાફાશ થયો છે. શહેર SOG પોલીસે કારેલીબાગ વિસ્તારમાં આવેલ ભરવાડ વાસમાંથી ગેસની ચોરી અને કાળાબજારી કરતા એક આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસે સ્થળ પરથી કુલ 30 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા છે, જેમાં 25 ઘરેલુ અને 5 કોમર્શિયલ ગેસ બોટલનો સમાવેશ થાય છે.

પોલીસની પ્રાથમિક તપાસ મુજબ આરોપી સાદુલભાઈ ભોપાભાઈ ભરવાડ ગેસ એજન્સીમાં ટેમ્પો ચાલક તરીકે કામ કરતો હતો. ગ્રાહકોને ઘરેલુ ગેસ સિલિન્ડર પહોંચાડવાની ફરજ દરમિયાન તે ગેરરીતિથી ગેસની ચોરી કરતો હતો. આરોપી ઘરેલુ ગેસના સિલિન્ડરમાંથી થોડો થોડો ગેસ કાઢી તેને કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં ભરી દેતો હતો. આ રીતે ભેગો કરાયેલ ગેસ પછી તે બજારમાં કાળાબજારી દ્વારા વેચતો હોવાનું સામે આવ્યું છે.

પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આરોપી આ કોમર્શિયલ ગેસ સિલિન્ડર રૂપિયા 2000 થી 2500 સુધીમાં વેચતો હતો. સામાન્ય રીતે હોટલ, નાના વેપારીઓ અથવા અન્ય વ્યાવસાયિક ઉપયોગ માટે આ સિલિન્ડર ખરીદવામાં આવતા હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે.

SOG ટીમે ચોક્કસ બાતમીના આધારે કારેલીબાગ વિસ્તારના ભરવાડ વાસમાં દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી ગેસ સિલિન્ડરો સાથે ગેસ ટ્રાન્સફર કરવા માટે વપરાતી સાધનસામગ્રી પણ જપ્ત કરી હતી. આરોપી ગેસ કેવી રીતે ઘરેલુ સિલિન્ડરમાંથી કાઢીને કોમર્શિયલ સિલિન્ડરમાં ભરે છે તેનો લાઈવ ડેમો પણ પોલીસે કરાવ્યો હતો, જેથી ગેસ ચોરી કરવાની તેની પદ્ધતિ અંગે વધુ સ્પષ્ટતા મળી.

આ સમગ્ર કૌભાંડ બહાર આવતાં શહેરમાં ગેસ વિતરણ વ્યવસ્થાને લઈને પણ અનેક પ્રશ્નો ઊભા થયા છે. પોલીસ દ્વારા આરોપીની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે, જેથી આ કાળાબજારીમાં અન્ય કોઈ લોકો સંકળાયેલા છે કે નહીં તેની પણ તપાસ કરવામાં આવશે. પોલીસે જપ્ત કરેલા તમામ ગેસ સિલિન્ડર અને અન્ય સામગ્રી કબ્જે લઈ આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now