Home Gujarat Savarkundla Kanakiya College In The Midst Of Controversy Serious Allegations Of Irregularities In The Junior Clerk Exam

સાવરકુંડલાની કાણકિયા કોલેજ વિવાદના વમળમાં! : જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિના ગંભીર આક્ષેપો

સાવરકુંડલાની કાણકિયા કોલેજ વિવાદના વમળમાં!
Published by: OBS Bureau
Last Updated: Mar 14, 2026, 01:43 PM IST

Savarkundla News: ગુજરાત રાજ્ય ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આયોજિત જુનિયર ક્લાર્ક વર્ગ-3ની ભરતી પરીક્ષા ફરી એકવાર વિવાદમાં આવી છે. સાવરકુંડલા સ્થિત નૂતન કેળવણી મંડળ સંચાલિત કાણકિયા કોલેજ માં લેવાયેલી પરીક્ષા દરમિયાન વ્યાપક ગેરરીતિ થઈ હોવાના આક્ષેપો સાથે પરીક્ષાર્થીઓ અને વાલીઓએ હોબાળો મચાવ્યો છે.

શું છે સમગ્ર વિવાદ?

પરીક્ષાર્થીઓના જણાવ્યા અનુસાર, પરીક્ષા કેન્દ્ર પર નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. મુખ્ય આક્ષેપોની વાત કરીએ તો પરીક્ષાના નિયમો મુજબ ઉત્તરવહી પર બારકોડ સ્ટીકર અનિવાર્ય હોવા છતાં, અનેક વિદ્યાર્થીઓને સ્ટીકર વગર જ પરીક્ષા આપવા મજબૂર કરાયા હતા. આક્ષેપ છે કે ઉત્તરવહીમાં વિદ્યાર્થીઓના નામ ભૂંસવા માટે વાઈટનરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, આન્સર-કી (Answer Key) માં પણ વાઈટનર મારીને સુધારા કરાયા હોવાનું સામે આવ્યું છે. ગૌણ સેવા પસંદગી મંડળની ગાઈડલાઈન મુજબ લેવાતી આ સ્પર્ધાત્મક પરીક્ષામાં આવી બેદરકારીને કારણે પ્રામાણિક ઉમેદવારો સાથે અન્યાય થયો હોવાની લાગણી પ્રસરી છે.

વાલીઓ અને ટ્રસ્ટીઓ વચ્ચે ઘર્ષણ

ગેરરીતિની ગંધ આવતા જ મોટી સંખ્યામાં વાલીઓ કોલેજ કેમ્પસ પર એકઠા થયા હતા. આ દરમિયાન નૂતન કેળવણી મંડળના ટ્રસ્ટીઓ અને વાલીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી અને 'તું તું મેં મેં' ના દ્રશ્યો સર્જાયા હતા. વાલીઓએ આક્ષેપ કર્યો હતો કે સંસ્થા દ્વારા જાણીજોઈને મનપસંદ ઉમેદવારોને ફાયદો પહોંચાડવા માટે આ ખેલ ખેલાયો છે.

સંસ્થાનો બચાવ: 'ગેરરીતિ નહીં, શરતચૂક'

સમગ્ર મામલે હોબાળો વધતા પરીક્ષા લેનાર ટ્રસ્ટી મંડળ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો હતો. ટ્રસ્ટીઓએ ગેરરીતિના આક્ષેપોને નકારતા જણાવ્યું હતું કે, આ કોઈ કૌભાંડ નથી પરંતુ વહીવટી 'શરતચૂક' ના કારણે થયેલી ભૂલ છે. જોકે, વિદ્યાર્થીઓ આ ખુલાસાથી સંતુષ્ટ નથી અને ન્યાયિક તપાસની માંગ કરી રહ્યા છે. રોષે ભરાયેલા એક વાલીએ જણાવ્યું હતું કે બારકોડ વગરની પરીક્ષા અને વાઈટનરનો ઉપયોગ એ સાબિત કરે છે કે સિસ્ટમમાં ક્યાંક ખામી છે. વર્ષોની મહેનત કરનાર વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે આ રીતે ચેડાં ન થવા જોઈએ.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now