Home Gujarat Ahmedabad Rural Special Operation Group Against Fake Doctors Who Are Tampering With Peoples Healt

સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા નકલી ડોક્ટરો વિરુદ્ધ ગ્રામ્ય SOGની લાલ આંખ : સાકોદરા ગામેથી ડિગ્રી વગરનો બોગસ તબીબ ઝડપાયો

સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા નકલી ડોક્ટરો વિરુદ્ધ ગ્રામ્ય SOGની લાલ આંખ
Published by: OBS Bureau
Last Updated: Mar 14, 2026, 01:52 PM IST

Ahmedabad News: અમદાવાદ જિલ્લામાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા નકલી ડોક્ટરો વિરુદ્ધ અમદાવાદ ગ્રામ્ય સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) એ લાલ આંખ કરી છે. તાજેતરમાં SOGની ટીમે ધોળકા તાલુકાના સાકોદરા ગામે દરોડો પાડી ડિગ્રી વગર એલોપેથિક પ્રેક્ટિસ કરતા એક બોગસ તબીબને લાખોના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે.

બાતમીના આધારે કાર્યવાહી

SOG શાખાના એ.એસ.આઈ. મુકેશસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ મેરૂભાને મળેલી ચોક્કસ બાતમીના આધારે આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સાકોદરા ગામે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, પશ્ચિમ બંગાળનો વતની અને હાલ ધોળકા રહેતો એક શખ્સ કોઈપણ માન્ય મેડિકલ ડિગ્રી વગર એલોપેથિક દવાઓ આપી લોકોની સારવાર કરી રહ્યો છે.

રૂ. 3.97 લાખનો મુદ્દામાલ જપ્ત

મેડિકલ ઓફિસર (ગાંગડ PHC, તા. બાવળા) ના સંકલનમાં રહીને પોલીસે આરોપી દિપંકર દિલીપભાઈ હિરા (રહે. સાંઈ દર્શન સોસાયટી, ધોળકા; મૂળ રહે. પશ્ચિમ બંગાળ) ને રંગેહાથ ઝડપી લીધો હતો. તેની પાસેથી જુદી-જુદી કંપનીની એલોપેથિક દવાઓ, તબીબી સારવાર માટેના સાધનો એમ કુલ કિંમત રૂ. 3,97,902/-નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

કાયદેસરની કાર્યવાહી

આરોપી વિરુદ્ધ 'ધી ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ-1963'ની કલમ 30 મુજબ ગુનો નોંધી, કેરાળા GIDC પોલીસ સ્ટેશનમાં એફ.આઈ.આર. (FIR) દાખલ કરવામાં આવી છે. કોઈપણ માન્ય ડિગ્રી વગર તબીબી વ્યવસાય કરવો એ કાયદેસરનો ગુનો છે. આ પ્રકારની કામગીરીથી ગ્રામ્ય વિસ્તારોમાં વ્યાપેલા બોગસ ડોક્ટરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now