Home Gujarat Murder Of Young Man In Ornate Villa Sunderpurana Vadodara

હેર સ્ટુડિયોમાં ઘુસીને પાડોશીએ જ ખેલ્યો લોહીનો ખેલ! : વડોદરાના સુંદરપુરાના ઓર્નેટ વિલામાં યુવકની કરપીણ હત્યા

હેર સ્ટુડિયોમાં ઘુસીને પાડોશીએ જ ખેલ્યો લોહીનો ખેલ!
Published by: OBS Bureau
Last Updated: Mar 14, 2026, 03:00 PM IST

Vadodara News: શહેરના છેવાડે આવેલા સુંદરપુરા ગામમાં આવેલ 'ઓર્નેટ વિલા'માં રવિવારે એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. અહીં એક હેર સ્ટુડિયોમાં કામ કરતા યુવક પર તીક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો કરી તેને મોતને ઘાટ ઉતારી દેવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

શું છે ઘટનાની વિગત?

મળતી માહિતી મુજબ, સુંદરપુરાના ઓર્નેટ વિલામાં આવેલી 'હેર સ્ટુડિયો' નામની દુકાનમાં મિતેશ રમણભાઈ વાળંદ નોકરી કરતા હતા. બનાવ સમયે મિતેશ દુકાનમાં એકલા હતા. ત્યારે જ બાજુમાં આવેલી કરિયાણાની દુકાન ચલાવતા કિરણ નામના યુવકે અચાનક દુકાનમાં ઘુસી મિતેશ પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી દીધો હતો. હુમલાખોરે મિતેશ પર એટલા ઘા ઝીંક્યા હતા કે તે લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યો હતો.

સાથી કર્મચારી પરત ફરતા હત્યાનો પર્દાફાશ થયો

ઘટના સમયે મિતેશનો સાથી કર્મચારી અજય લીમ્બાચીયા નજીકની બીજી દુકાને કોલ્ડ્રિંક લેવા ગયો હતો. અજય જ્યારે પરત ફર્યો ત્યારે તેણે મિતેશને લોહીથી લથબથ હાલતમાં પડેલો જોયો હતો. તેણે તાત્કાલિક દુકાન માલિક કુણાલભાઈને જાણ કરી હતી, જે બાદ પોલીસને જાણ કરવામાં આવી હતી. અજય લીમ્બાચીયાએ જણાવ્યું હતું કે "હું જ્યારે દુકાને પરત આવ્યો ત્યારે મિતેશ લોહીલુહાણ હાલતમાં હતો. મેં તરત જ માલિકને ફોન કર્યો."

પોલીસ તપાસ અને હોસ્પિટલમાં મોત

કપુરાઈ પોલીસ સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને ગંભીર રીતે ઘવાયેલા મિતેશને સયાજી હોસ્પિટલ (SSG) ખાતે ખસેડ્યો હતો. જોકે, ટૂંકી સારવાર બાદ ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.

હત્યા પાછળનું કારણ અકબંધ

આ કરપીણ હત્યા પાછળ અંગત અદાવત છે કે અન્ય કોઈ કારણ, તે અંગે કપુરાઈ પોલીસે તપાસ શરૂ કરી છે. હાલ પોલીસે આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now