Home Gujarat Successful Launch Of Gujarats First Sounding Rocket From Dholera Reached A Height Of 3 Km State Creates History In Private Space Secto

ધોલેરાથી ગુજરાતના પ્રથમ સાઉન્ડિંગ રોકેટનું સફળ લોન્ચિંગ : સ્પેસ સેક્ટરમાં રાજ્યએ રચ્યો નવો ઈતિહાસ

ધોલેરાથી ગુજરાતના પ્રથમ સાઉન્ડિંગ રોકેટનું સફળ લોન્ચિંગ
Published by: OBS Bureau
Last Updated: Mar 14, 2026, 03:17 PM IST

Ahmdabad news: ગુજરાત હવે માત્ર ઉદ્યોગોમાં જ નહીં, પણ અંતરિક્ષ વિજ્ઞાનના ક્ષેત્રમાં પણ 'ગગનચુંબી' ઉડાન ભરી રહ્યું છે. રાજ્યના સ્પેસ સેક્ટરમાં એક સુવર્ણ પ્રકરણ ઉમેરાયું છે. ધોલેરાના બાવળીયારી ખાતેથી ગુજરાતના સર્વપ્રથમ સાઉન્ડિંગ રોકેટ નું સફળતાપૂર્વક લોન્ચિંગ કરવામાં આવ્યું છે. આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી મંત્રી અર્જૂન મોઢવાડિયા અને અન્ય મહાનુભાવો બન્યા હતા.

અમદાવાદના સ્ટાર્ટઅપની મોટી સિદ્ધિ

આ ગૌરવશાળી સિદ્ધિ અમદાવાદ સ્થિત સ્પેસ સ્ટાર્ટઅપ 'ઓમસ્પેસ રોકેટ એન્ડ એક્સપ્લોરેશન પ્રાઇવેટ લિમિટેડ' (OSRE) દ્વારા હાંસલ કરવામાં આવી છે. 'મેક ઇન ઇન્ડિયા' અને આત્મનિર્ભરતાના મંત્રને સાર્થક કરતા આ રોકેટનું સંપૂર્ણ નિર્માણ અમદાવાદની લેબમાં જ કરવામાં આવ્યું છે.

લોન્ચિંગની મુખ્ય ટેકનિકલ વિશેષતાઓ

બપોરે 1:00 વાગ્યે બાવળીયારીના અસ્થાયી લોન્ચિંગ કોમ્પ્લેક્સ પરથી આ સિંગલ-સ્ટેજ સબ-ઓર્બિટલ રોકેટે આકાશ તરફ પ્રયાણ કર્યું હતું રોકેટે અંદાજે 3 કિલોમીટર ની ઊંચાઈ (Apogee) સફળતાપૂર્વક પ્રાપ્ત કરી. આ મિશન દ્વારા પ્રોપલ્શન, એવિઓનિક્સ અને ઓટોનોમસ રિકવરી સિસ્ટમ જેવી જટિલ ટેકનોલોજીનું સચોટ પરીક્ષણ કરવામાં આવ્યું. રોકેટની સાથે હવામાનના ડેટા એકત્રિત કરી શકે તેવો એક મીની સેટેલાઈટ પણ મોકલવામાં આવ્યો હતો. રોકેટની એરફ્રેમ હળવા અને મજબૂત કાર્બન ફાઈબર તેમજ એડવાન્સ કમ્પોઝિટ મટીરિયલમાંથી બનાવવામાં આવી છે.

શું હોય છે સાઉન્ડિંગ રોકેટ?

સાઉન્ડિંગ રોકેટ એ એક કે બે તબક્કાવાળું 'Solid-propellant' રોકેટ છે. તેનો મુખ્ય ઉપયોગ પૃથ્વીના ઉપરના વાયુમંડળમાં વૈજ્ઞાનિક પ્રયોગો કરવા, હવામાનની સચોટ માહિતી મેળવવા અને નવી સ્પેસ ટેક્નોલોજીના ટેસ્ટિંગ માટે કરવામાં આવે છે. ભારતમાં ઈસરો દ્વારા 1965થી આવા રોકેટ્સનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો હતો, પરંતુ હવે ખાનગી સંસ્થાઓ આ ક્ષેત્રમાં કાઠું કાઢી રહી છે. ઓમસ્પેસના CEO અને સ્થાપક ડો. રવિન્દ્ર રાજ સ્થાપકે જણાવ્યું હતું કે આ સફળતા આગામી સમયમાં ભારતના પ્રથમ સંપૂર્ણ સ્વદેશી રિયુઝેબલ લોન્ચ વ્હીકલ 'ઇન્ફિનિટી વન' (Infinity One) ના નિર્માણ માટે પાયાનો પથ્થર સાબિત થશે."

સરકારનું વિઝન અને સહયોગ

આ સફળતા પાછળ રાજ્ય સરકારની 'ગુજરાત સ્પેસટેક પોલિસી (2025-2030)' અને વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગનો મોટો ફાળો છે. આ મિશનને સફળ બનાવવા માટે IN-SPACe (ISRO) ની અધિકૃતતા તેમજ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (AAI), ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ અને DGCA જેવી સંસ્થાઓએ ટેકનિકલ સહયોગ પૂરો પાડ્યો હતો.

આ પ્રસંગે ધારાસભ્ય કાળુભાઈ ડાભી સહિત ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા, જેમણે યુવા વૈજ્ઞાનિકોના આ સાહસને બિરદાવ્યું હતું. ગુજરાતના આ પ્રથમ પગલાએ સાબિત કરી દીધું છે કે આગામી દિવસોમાં રાજ્ય વૈશ્વિક સ્પેસ મેપ પર એક મહત્વનું હબ બનવા જઈ રહ્યું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now