ગાંધીનગર શહેરમાં ટ્રાફિક વ્યવસ્થાને વધુ આધુનિક અને કાર્યક્ષમ બનાવવા માટે મહાનગર પાલિકાએ મહત્વપૂર્ણ પહેલ કરી છે. ગાંધીનગર શહેરના આઈકોનિક રોડ પર આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ આધારિત ટ્રાફિક સિગ્નલ સિસ્ટમ શરૂ કરવામાં આવ્યા છે. આ નવી વ્યવસ્થા મેટ્રો બ્રિજ નીચે આવેલા હેપ્પીનેશ સર્કલ ખાતે અમલમાં મુકાઈ છે જે શહેરમાં સ્માર્ટ ટ્રાફિક મેનેજમેન્ટ તરફનું મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.
આ AI આધારિત સિસ્ટમ ટ્રાફિકના વાસ્તવિક પ્રવાહને ધ્યાનમાં રાખીને સિગ્નલ ટાઈમિંગને જાતે જ નિયંત્રિત કરશે. એટલે કે, જ્યાં વાહનોની સંખ્યા વધુ હશે ત્યાં ગ્રીન સિગ્નલનો સમય વધશે અને ઓછા ટ્રાફિકવાળા માર્ગો પર સમય ઘટી જશે. આથી ટ્રાફિક જામની સમસ્યામાં ઘટાડો થવાની શક્યતા છે.
સ્માર્ટ ટેકનોલોજીનો ઉપયોગ
આ સિસ્ટમ લગાવવામાં આવેલા કેમેરા અને સેન્સરથી સતત ટ્રાફિકનું મોનીટરિંગ કરશે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ટેકનોલોજી ટ્રાફિક ડેટાનું વિશ્લેષણ કરીને તાત્કાલિક નિર્ણય લઈ શકે છે જે માનવીય નિયંત્રણ કરતા વધુ ઝડપથી અને ચોક્કસ રીતે કાર્ય કરે છે. આ નવી વ્યવસ્થા ખાસ કરીને પીક અવર્સ દરમિયાન ટ્રાફિકને સરળ બનાવવામાં મદદરૂપ સાબિત થશે. સાથે જ ઈમરજન્સી વાહનો જેમ કે એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડ માટે પણ માર્ગ ક્લિયર કરવાની સુવિધા ભવિષ્યમાં જોડાઈ શકે છે.
નિયમ ભંગ પર ઓટોમેટિક કાર્યવાહી
AI સિસ્ટમનો એક મહત્વપૂર્ણ ભાગ ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન સામે કડક કાર્યવાહી કરવાનો છે. સિગ્નલ તોડનાર અથવા અન્ય નિયમ ભંગ કરનાર વાહનચાલકોને ઓટોમેટિક રીતે ઓળખીને તેમને દંડની નોટિસ મોકલવામાં આવશે. આ પ્રક્રિયા સંપૂર્ણપણે ડિજિટલ રહેશે જેમાં કેમેરાથી કેપ્ચર થયેલી માહિતીના આધારે વાહન નંબર ઓળખી ઈ-ચલન જનરેટ કરવામાં આવશે. આથી નિયમોનું પાલન વધશે અને માર્ગ સલામતીમાં સુધારો થશે.
અકસ્માતોમાં ઘટાડાની અપેક્ષા
ગાંધીનગર મહાનગર પાલિકાના અધિકારીઓના જણાવ્યા મુજબ, આ સિસ્ટમનો મુખ્ય હેતું માત્ર ટ્રાફિક નિયંત્રણ જ નહીં પરંતુ અકસ્માતોમાં ઘટાડો કરવાનો પણ છે. યોગ્ય સિગ્નલ મેનેજમેન્ટ અને નિયમોના કડક અમલથી માર્ગ અકસ્માતોની સંખ્યા ઘટે તેવી શક્યતા છે.
આવી સ્માર્ટ સિસ્ટમ્સ મોટા શહેરોમાં સફળ સાબિત થાય તો અન્ય મુખ્ય શહેરોમાં પણ આ સિસ્ટમ લાગુ કરવાની યોજના છે. ગાંધીનગર પહેલેથી જ સ્માર્ટ સિટી તરીકે વિકસિત થવાના માર્ગ પર છે અને AI આધારિત ટ્રાફિક સિગ્નલ તેની દિશામાં મહત્વપૂર્ણ પહેલ છે. આ પ્રોજેક્ટ શહેરના આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેકનોલોજી આધારિત વિકાસને પ્રતિબિંબિત કરે છે. આવતા સમયમાં, આવી ટેકનોલોજીનો વ્યાપ વધશે અને નાગરિકોને વધુ સુવિધા તેમજ સુરક્ષા મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.





