સુરતની ઓરો યુનિવર્સિટીમાં તા.1 અને 2 મે દરમિયાન આયોજિત બે દિવસીય ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ- દક્ષિણ ગુજરાત'નું આજે સમાપન થયું. આ કોન્ફરન્સ દરમિયાન રૂ.3,53,306 લાખ કરોડના 2792 MOU થયા હોવાની નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જાહેરાત કરી છે.
2 દિવસીય કોન્ફરન્સ ઐતિહાસિક
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, ‘વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ’ દક્ષિણ ગુજરાતની ક્ષમતાને દેશ અને દુનિયા સમક્ષ ઉજાગર કરનાર મહત્વપૂર્ણ પ્લેટફોર્મ બની છે. દક્ષિણ ગુજરાતના ઔદ્યોગિક ક્ષેત્રના સર્વાંગી વિકાસ અને રોજગારી સર્જન માટે આ 2 દિવસીય કોન્ફરન્સ ઐતિહાસિક સાબિત થઈ છે. આગામી ત્રણ વર્ષમાં MoU મુજબ પ્રોજેક્ટ્સ કાર્યરત થવાથી દક્ષિણ ગુજરાતના 2.82 લાખથી વધુ યુવાનોને પ્રત્યક્ષ રોજગારી પ્રાપ્ત થશે.
GDPમાં થયો વધારો
હર્ષ સંઘવીએ કહ્યું, ગૌરવપૂર્વક જણાવ્યું કે, વર્ષ 2003 માં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતની ઔદ્યોગિક શક્તિને વિશ્વ સમક્ષ મૂકવા 'વાઈબ્રન્ટ ગુજરાત'નો જે વિચાર વહેતો કર્યો હતો, તેના ફળસ્વરૂપે રાજ્યની GDP 1.29 લાખ કરોડથી વધીને આજે 27.09 લાખ કરોડ સુધી પહોંચી ગયો છે. છેલ્લા 24 વર્ષની આ મક્કમ વિકાસયાત્રામાં 'ટીમ ગુજરાત' અને રાજ્યના વેપારીઓએ અનેક મુશ્કેલીઓ છતાં ક્યારેય પીછેહઠ કરી નથી.

ઉદ્યોગ જગતને પ્રોત્સાહન
હર્ષ સંઘવીએ કહ્યું, રાજ્ય સરકાર ઈન્સેન્ટિવ ક્લિયરન્સની પ્રક્રિયામાં સતત ગતિ લાવી રહી છે. અગાઉ દર રોજ 199 એપ્લિકેશન ક્લિયર થતી હતી, જે હવે બમણી થઈ છે અને આગામી સમયમાં આ આંકડો 500ને પાર કરી જશે. વધુમાં, ડાંગ, તાપી, વલસાડ અને નવસારી જેવા આદિજાતિ વિસ્તારોમાં નોન પોલ્યુટીંગ ઈન્ડસ્ટ્રીઝ અને ગાર્મેન્ટ સેક્ટરને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. જેના કારણે આગામી 2 વર્ષમાં આદિજાતિ વિસ્તારની 25 હજારથી વધુ મહિલાઓને ઘરઆંગણે રોજગારીની તકો ઉપલબ્ધ થશે.

ગુજરાતનો દેશની કુલ GDPમાં 8% ફાળો
કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જે.પી. નડ્ડાએ સમાપન સત્રમાં જણાવ્યું હતું કે, આ કોન્ફરન્સ દક્ષિણ ગુજરાતના વિકાસ માટે જે પાયો નંખાયો છે, તેનાથી આ પરિક્ષેત્ર આગામી સમયમાં મોટી આર્થિક છલાંગ લગાવવા તૈયાર થયો છે. જેપીનડ્ડાએ ગુજરાતની આર્થિક તાકાતને બિરદાવતા ઉમેર્યું કે, ગુજરાતનો દેશની કુલ GDPમાં 8% ફાળો આપે છે. મેન્યુફેક્ચરિંગ આઉટપુટમાં 17%, મર્ચેન્ડાઈઝ એક્સપોર્ટમાં 27% અને દેશના કુલ કાર્ગો હેન્ડલિંગમાં ગુજરાત 40% હિસ્સો ધરાવે છે.
વાયબ્રન્ટ સમિટથી ઈન્ડસ્ટ્રીઝ ગ્રોથ વધ્યો
ગુજરાત પ્રદેશ સંગઠન પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું કે, 2003થી શરૂ થયેલી વાયબ્રન્ટ સમિટની આ યાત્રા આજે વર્ષ ૨૦૨૬માં ટેલેન્ટ, ટેકનોલોજી અને ટ્રાન્સપરન્સીની પર્યાય બની છે. ગુજરાતના સમૃદ્ધ અને રચનાત્મક વિકાસમાં વાઈબ્રન્ટ સમિટની ખુબ મહત્વની ભૂમિકા છે. જેના કારણે ઈન્ડસ્ટ્રીઝ ગ્રોથ ઉત્તરોત્તર વધ્યો છે. આત્મનિર્ભર ભારત અને મેક ઈન ઇન્ડિયાની છબી માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દેશવિદેશમાં ઉભી થઈ છે. વેપાર- ધંધા માટે વિશ્વસનીય સ્થળ તરીકે ગુજરાત ઉભરી રહ્યું છે.

આ પ્રસંગે મંત્રીગણ અને મહાનુભાવોના હસ્તે વિવિધ કેટેગરીમાં શ્રેષ્ઠ MSE અને MSME એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. ઉપરાંત, હસ્તકલા કારીગરો, ઉદ્યોગ વિભાગનું પુરસ્કાર સાથે સન્માન કરવામાં આવ્યું હતું. ઓરો યુનિવર્સિટીના સંચાલકોનું આભાર સાથે બહુમાન કરાયું હતું. મહાનુભાવોના હસ્તે દક્ષિણ ગુજરાતની ઔદ્યોગિક ક્ષમતા અને VGRC ના વિઝનને રજૂ કરતા વિશેષ સોવેનિયરનું વિમોચન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે કૃષિમંત્રી જીતુ વાઘાણી, પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયા, ઓરો યુનિ.ના સ્થાપક હસમુખ રામા, અગ્રણી લેબગ્રોન ઉદ્યોગકાર સ્મિત પટેલ, વેપાર-ઉદ્યોગજગતના પ્રતિનિધિઓ, ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિઓ, ઉચ્ચ અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતા.





