સુરતમાં યોજાયેલા વાઈબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ અને એકઝિબિશન અંતર્ગત આયોજિત મેગો ફેસ્ટિવલે અનોખું આકર્ષણ ઊભું કર્યું છે. ઉનાળાની કૃષિ અને બાગાયત ક્ષેત્રની પ્રગતિને પ્રદર્શિત કરતું આ ફેસ્ટિવલ માત્ર વેચાણ પૂરતું નહીં, પરંતુ જ્ઞાન અને નવીનતાનું કેન્દ્ર પણ બન્યું છે.
આ એક્ઝિબિશનમાં ઔદ્યોગિક વિકાસ, ગ્રીન એનર્જી અને કૃષિ પ્રગતિ જેવા વિવિધ ક્ષેત્રોને આવરી લેતા સ્ટોલ્સ મુકવામાં આવ્યા છે. બાગાયત વિભાગ દ્વારા આયોજિત મેગો ફેસ્ટિવલ ખાસ ધ્યાન ખેંચી રહ્યો છે. કુલ 15 સ્ટોલમાં 13 સ્ટોલ વેચાણ માટે અને 2 સ્ટોલ માત્ર પ્રદર્શન માટે રાખવામાં આવ્યા હતા જેમાં 72 જેટલી દેશી અને વિદેશી કેરીની જાતો રજૂ કરવામાં આવી છે.
દક્ષિણ ગુજરાતના ખેડૂતોનું કુદરતી ખેતીને પ્રોત્સાહન
આ ફેસ્ટિવલમાં વેચાતી કેરીઓ દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને ભરૂચ જિલ્લાઓના ખેડૂતો દ્વારા પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી ઉગાડવામાં આવી હતી. કેમિકલ મુક્ત ખેતી અને સ્વાદમાં વિશિષ્ટતા ધરાવતી આ કેરીઓ શહેરના ગ્રાહકો માટે ખાસ આકર્ષણ બની હતી.
ખેડૂતોને સીધા બજાર સાથે જોડવાનો આ પ્રયાસ તેમને વધુ નફાકારક સાબિત થયો આ સાથે ગ્રાહકોને તાજી અને ગુણવત્તાસભર ઉપજ મળી. બાગાયત વિભાગનાં આવા કાર્યક્રમો ખેડૂતોની આવક વધારવા અને નવી જાતો અંગે જાગૃતિ લાવવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
દેશી-વિદેશી કેરીની જાતો
મેગો ફેસ્ટિવલમાં પ્રદર્શિત થયેલી કેરીની જાતોમાં ત્રીરંગો, કરંજીયો, વનરાજ, હાથી જુલા અને નૂરજહાં જેવી લોકપ્રિય દેશી જાતો ઉપરાંત આંતરરાષ્ટ્રીય સ્તરે જાણીતી મિયાજાંકી, સુપર ક્વીન, ડોપેન ગ્રીન, ઓસ્ટ્રીન અને ટોમી એટકિન્સ જેવી વિદેશી જાતોનો સામેલ થયો હતો. આ જાતો તેમના રંગ, આકાર, સ્વાદ અને સુગંધ માટે જાણીતી છે.
ખાસ કરીને મિયાજાંકી જેવી જાપાની કેરી તેની ઊંચી કિંમત અને પ્રીમિયમ ગુણવત્તા માટે ચર્ચામાં રહે છે, જ્યારે ટોમી એટકિન્સ અને ડોપેન ગ્રીન જેવી જાતો US જેવા બજારોમાં ભારે માંગ ધરાવે છે. આ પ્રકારની જાતોને એક જ સ્થળે જોવાનો અને ખરીદવાનો અવસર લોકોને નવી માહિતી અને અનુભવ આપે છે.
5 મે સુધી ખુલ્લું રહેશે પ્રદર્શન
આ મેગો ફેસ્ટિવલ તા. 5 મે સુધી ચાલુ રહેશે. બાગાયત વિભાગ દ્વારા શહેરના નાગરિકોને આ પ્રદર્શનની મુલાકાત લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. પરિવાર સાથે આવીને લોકો વિવિધ જાતોની કેરીનો સ્વાદ માણી શકે છે અને સીધા ખેડુતો પાસેથી ખરીદી પણ કરી શકે છે. આ પ્રકારના કાર્યક્રમો કૃષિ ક્ષેત્રમાં નવી તકનીકો, જાતો અને બજાર જોડાણ અંગે જાગૃતિ લાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. સાથે જ, શહેર અને ગામ વચ્ચેનો અંતર ઘટાડવામાં પણ આવા પ્રયાસો મદદરૂપ બને છે.
કૃષિ પ્રદર્શનનો વધતો વ્યાપ અને પ્રભાવ
વાઈબ્રન્ટ ગુજરાત જેવી પહેલો દ્વારા કૃષિ અને બાગાયત ક્ષેત્રને નવી દિશા મળી રહી છે. ખેડૂતોને નવી તકનીકો, આંતરરાષ્ટ્રીય બજાર અને વિવિધ જાતોની માહિતી પ્રાપ્ત થાય છે. બીજી તરફ, ગ્રાહકોને ગુણવત્તાસભર અને વૈવિધ્યસભર ઉત્પાદન મળે છે.
આ મેગો ફેસ્ટિવલ માત્ર એક વેચાણ મેળો નહીં, પરંતુ કૃષિમાં નવી શક્યતાઓ અને પ્રગતિનું પ્રતિબિંબ છે. ઉનાળાની ઋતુમાં કેરીપ્રેમીઓ માટે આ એક અનોખો અનુભવ બની રહ્યો છે, જે રાજ્યના બાગાયત ક્ષેત્રની સમૃદ્ધિને પણ ઉજાગર કરે છે.





